રંગૂન (યાન્ગોન) : મ્યાનમારનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 16° 45´ ઉ. અ. અને 96° 07´ પૂ. રે. દેશનું તે મુખ્ય બંદર તેમજ ઔદ્યોગિક મથક પણ છે.
તે દેશના દક્ષિણ ભાગમાં રંગૂન નદીના બંને કાંઠા પર વસેલું છે અને હિન્દી મહાસાગરના ફાંટારૂપ મર્તબાનના અખાતની ઉત્તરે 32 કિમી.ને અંતરે આવેલું છે. 1989માં મ્યાનમારની સરકારે આ શહેરનું નામ બદલીને ‘યાન્ગોન’ રાખ્યું છે.
અહીં ચોમાસા(મેથી સપ્ટેમ્બર)માં વરસાદનું પ્રમાણ વધુ રહે છે. જાન્યુઆરી અને જુલાઈમાં તાપમાન અનુક્રમે 25° સે. અને 26.7° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 2,616 મિમી. જેટલો પડે છે.
શહેરમાં આવેલા ઉદ્યોગોમાં જહાજ-બાંધકામ, તેલ-શુદ્ધીકરણના ઉદ્યોગો, ડાંગર છડવાની અને લાકડાંની તેમજ સુતરાઉ અને રેશમી કાપડની મિલોનો સમાવેશ થાય છે. ચોખા અને સાગનાં લાકડાં અહીંની મુખ્ય નિકાસી ચીજો છે. આ શહેર દુનિયાભરમાં આવેલાં ચોખાનાં મુખ્ય બજારો પૈકીનું એક બજાર પણ છે. માટીનાં જાતજાતનાં પાત્રો બનાવવાનો ઉદ્યોગ પણ અહીં આવેલો છે.
રંગૂનમાં ઘણાં બૌદ્ધ મંદિરો છે. તે પૈકીનું શહેરની મધ્યમાં આવેલું શ્ર્વે ડૅગૉન પેગોડા 2,500 વર્ષ જેટલું જૂનું છે. શહેરમાં દેશની મધ્યસ્થ સરકારની ઘણી ઇમારતો પણ છે. દેશના મોટાભાગના સરકારી કર્મચારીઓ અહીં કામ કરે છે. અહીં રાષ્ટ્રીય સંગ્રહાલય, સંખ્યાબંધ ઉદ્યાનો તેમજ સરોવરો પણ છે. અહીં યુનિવર્સિટીનું મુખ્ય મથક છે અને તેને સંલગ્ન વિનયન-વિજ્ઞાનની કૉલેજો પણ છે.
આજે જ્યાં રંગૂન વસેલું છે ત્યાં છઠ્ઠી સદીમાં ડૅગૉન નામની વસાહત સ્થપાયેલી. 175060ના અરસા સુધી તો આ ડૅગૉન એક નાનકડું નગર માત્ર હતું. તે વખતે આલૌંગપાયા નામના બ્રહ્મી રાજાએ અહીં આ શહેરની સ્થાપના કરી અને તેને ‘રંગૂન’ નામ આપ્યું.
1824માં અંગ્રેજોએ સર્વપ્રથમ રંગૂનનો અને તે પછીથી આખા બ્રહ્મદેશનો કબજો લીધેલો. 1824થી બ્રહ્મદેશ 1948માં સ્વતંત્ર થયું ત્યાં સુધી તે બ્રિટિશ શાસન હેઠળ રહેલું. 1851માં આ શહેર આગથી તારાજ થઈ ગયેલું, પરંતુ ફરીથી તેને વસાવવામાં આવ્યું. બ્રહ્મદેશ સ્વતંત્ર થયા પછી તેની વસ્તી ઝડપથી વધી છે. મુજબ આ શહેરની વસ્તી આશરે 41,01,000 (1999) જેટલી છે.
જાહ્નવી ભટ્ટ