રંગા, લક્ષ્મીનારાયણ (જ. 4 ફેબ્રુઆરી 1934, બીકાનેર, રાજસ્થાન) : હિંદી નાટ્યકાર અને વાર્તાકાર. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘પૂર્ણમિદમ્’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ રાજસ્થાન સરકારના ભાષા વિભાગમાં અનુવાદ પ્રમુખપદેથી સેવાનિવૃત્ત થયા છે.
1952થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમનું પ્રથમ હિંદી નાટક ‘ચિરાગ’ પ્રગટ થયું. તેમણે અત્યાર સુધીમાં 36 ગ્રંથો આપ્યા છે. ‘રક્ત બીજ’ (1981), ‘ઘરૌન્દે’ (1988), ‘ભૂકંપ આ રહા હૈ’ (1989) – એકાંકી સંગ્રહો છે. ‘મૈં ચિડિયા તેરે આંગન કી’ (1991), ‘નયી રાહેં નયી દિશાયેં’ (1991), ‘દહેજ કા દાન’ (1992) તેમના વાર્તાસંગ્રહો છે. ‘યહ ધરતી હૈ બલિદાન કી’ (1988) ચરિત્રગ્રંથ છે. તેમના ઉલ્લેખનીય નાટ્યસંગ્રહોમાં ‘ઉજલી રાહેં’ (1991), ‘મહાસેતુ’ (1994), ‘પૂર્ણમિદમ્’, ‘બહુરૂપિયા’નો સમાવેશ થાય છે.
તેઓ કવિ અને કથાકાર, સારા અભિનેતા, રંગમંચ દિગ્દર્શક અને લોકગીતકાર પણ છે. ‘સાવન-ફાગુન’ તેમનો કાવ્યસંગ્રહ અને ‘ઘાવ કરે ગંભીર’ ટૂંકી વાર્તાનો સંગ્રહ છે. તેમને રાજસ્થાની ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ અકાદમી પુરસ્કાર, ભરત મુનિ પુરસ્કાર, વરિષ્ઠ રંગકર્મી પુરસ્કાર, રાજીવ રતન પુરસ્કાર, વિદ્યાધર શાસ્ત્રી સન્માન, રાજસ્થાની કવિતા માટે પીઠલ પુરસ્કાર, હિંદી કવિતા માટે શબ્દ ઋષિ પુરસ્કાર, રાજસ્થાની સાહિત્યમાં માનદ ડૉક્ટરેટની ઉપાધિ અને અનેક પુરસ્કાર-સન્માન આપવામાં આવ્યાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘પૂર્ણમિદમ્’માં પૌરાણિક આખ્યાનો પર આધારિત બે નાટક ‘સુમંગલીમાધવ’ અને ‘પૂર્ણમિદમ્’ સંગૃહીત છે. તેમ છતાં તે બંને નાટકો પૌરાણિક કથાથી મુક્ત છે. તેથી તેમાં રચનાત્મક ઉત્કૃષ્ટતાની સ્પષ્ટ ઝાંખી થાય છે. તે તેમના દેશ અને કાળ રચે છે, જે ભૂત અને ભવિષ્ય સામે પ્રશ્ન કરીને ઊંડી સભ્યતા-સમીક્ષાનો વિચાર પ્રેરે છે. તેથી આ કૃતિ નિરપવાદપણે રાજસ્થાનીમાં એક અનોખું પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા