યેટ્સ, ડબ્લ્યૂ. (વિલિયમ) બી. (બટલર) (જ. 13 જૂન 1865, સૅન્ડી-માઉન્ટ, ડબ્લિન; અ. 28 જાન્યુઆરી 1939, રૉકબ્રુન-કૅપ-માર્ટિન, ફ્રાન્સ) : અંગ્રેજ કવિ અને નાટ્યકાર. 1923માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તે અગ્રણી આઇરિશ રાષ્ટ્રવાદી અને રાજકારણી પણ હતા. પિતા જે. બી. યેટ્સ વકીલાત છોડીને ચિત્રકાર બનેલા. કુટુંબ મૂળ ઇંગ્લૅન્ડનું, પણ સત્તરમી સદીથી આયર્લૅન્ડ આવી વસેલું. યેટ્સનાં માતાનું કુટુંબ પણ અંગ્રેજ છતાં આયર્લૅન્ડમાં વસેલું. તેમનું શૈશવ અપાર નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા સિલિગોના ગ્રામીણ પ્રદેશમાં વીત્યું. મોસાળ અને ગ્રામવસવાટનો તેમની કવિતા પર પ્રબળ પ્રભાવ પડ્યો છે. આના પરિણામે જ તે આઇરિશ પુરાણકથા, દંતકથા તથા લોકસાહિત્યમાં રસ લેવા પ્રેરાયા. તેમણે લંડન તથા ડબ્લિન ખાતે શિક્ષણ લીધું. તે કલાના વિદ્યાર્થી બન્યા, પણ પાછળથી લેખન-પ્રવૃત્તિ તરફ વળ્યા. યેટ્સની પ્રારંભિક કવિતા લંડનનિવાસ દરમિયાન રચાયેલી, તેમાં આઇરિશ રચનાઓ અંગ્રેજી રચનાઓ કરતાં વધુ સમૃદ્ધ છે. 1889માં ‘ડાઉન બાઇ ધ સૅલી ગાર્ડન્સ’ નામની કવિતા પ્રસિદ્ધ થઈ ત્યારથી યેટ્સની કવિપ્રતિભા સૌના ધ્યાનનું કેન્દ્ર બની. સિલિગોમાં વસતી વૃદ્ધ ખેડૂત સ્ત્રી વિશેનું નાનકડું લોકગીત આ કાવ્યમાં કવિ-પ્રતિભાનો પાસ પામીને શુદ્ધ કવિતાનો ઉત્તમ નમૂનો બનીને અવતર્યું છે. 1890ના દાયકામાં યેટ્સ નાટક તરફ વળેલા અને 1900માં લેડી ગ્રેગરી તથા ડગ્લાસ હાઇડના સહકારથી તેમણે ઍબી થિયેટરની સ્થાપના કરેલી. તેઓ માનતા કે કવિતા અને નાટકો વડે જ આયર્લૅન્ડની રાષ્ટ્રીય એકતા સિદ્ધ થઈ શકશે. સૌપ્રથમ તેમનું નાટક ‘ઓમ વેલ્સ સ્ટ્રૅન્ડ’ ભજવાયું. ઍબી સાથે તેમણે ઘણાં વર્ષો કામ કર્યું, પણ આ કાર્યકાળ અનેક રીતે વિવાદાસ્પદ બની રહ્યો. યેટ્સનાં પોતાનાં જ નાટકો ધર્મવિરોધી, કૅથલિકવિરોધી અને તેથી આઇરિશવિરોધી લેખાયાં હતાં. અભિનેતાઓ, નિર્માતાઓ તથા અખબારો સાથે પણ ઝઘડા થતા રહેતા. તેમનાં 3 ખૂબ જાણીતાં નાટકો તે ‘ધ કાઉન્ટેસ કૅથલીન’ (1892), ‘ધ લૅન્ડ ઑવ્ હાર્ટ્સ ડિઝાયર’ (1894) અને ‘કૅથલીન ઑવ્ હાઉલિહન’ (1903). 1913માં ‘નો’ નાટકોનું સંપાદન કરી રહેલા એઝરા પાઉન્ડના સેક્રેટરી તરીકે કામગીરી બજાવવા દરમિયાન તેમને ‘નો’ નાટકોનું આકર્ષણ થયું અને તેમણે ‘ફોર પ્લેઝ ફૉર ડાન્સર્સ’ (1921) નામક નાટકો લખ્યાં અને એ રચનાઓને ‘નો’ નાટકની સમકક્ષ લેખાવી.
યેટ્સની કવિતાના પ્રારંભકાળમાં અંગ્રેજ કવિઓ બ્લેક અને શેલીનો પ્રભાવ વર્તાય છે. આમ છતાં નિયો-પ્લેટૉનિક વિચારની સાથે આઇરિશ દેશપ્રેમનો સમન્વય એ તેમની ઉત્તમ કૃતિઓનું મહત્વનું પાસું બન્યું છે. કવિતામાં તળપદા પ્રયોગો દ્વારા સંવેદના માર્મિક રીતે વાચકના હૃદય સુધી પહોંચાડવાની તેમની રીત અંગ્રેજી કાવ્યશૈલીમાં એક વિશિષ્ટ પ્રણાલી તરીકે જાણીતી બની છે. ઓગણીસમી સદીના નવમા દાયકામાં તે સોશિયાલિસ્ટ લીગના સક્રિય સભ્ય થયેલા, પરંતુ વીસમી સદીના પ્રથમ દાયકામાં લેડી ગ્રેગરીના નિવાસસ્થાન કુલપાર્કની વારંવાર મુલાકાતો દરમિયાન પોતાની કવિપ્રતિભાની પ્રતીતિની સાથે તેમનામાં સામંતવાદી વિચારોનો આવિર્ભાવ થવા માંડ્યો. આ પ્રભાવ નીચે મધ્યમ વર્ગનો ભૌતિકવાદ, ભદ્રવર્ગની ઉન્નતભ્રૂ જીવનશૈલી તથા ગ્રામપ્રદેશની આદર્શલક્ષી વિભાવના – તે સૌને એ નકારવા માંડેલા. પરંતુ આ વૈચારિક સંઘર્ષ દરમિયાન પણ તેમની સત્વશીલ કવિતાનો સ્રોત ચાલુ રહ્યો, જેનો પરિચય ‘ધ ગ્રીન હૅમ્લેટ’ (1910) અને ‘રિસ્પૉન્સિબિલિટિઝ’ (1914) નામના મહત્વના કાવ્યસંગ્રહોમાં દૃષ્ટિગોચર થાય છે. આ સમયગાળામાં યેટ્સ જાણીતી સ્વરૂપવાન અભિનેત્રી અને દેશભક્ત મૉડ ગૉનના પ્રેમમાં પડ્યા, પણ તેણે લગ્ન કરવાના કવિના પ્રસ્તાવને 1899માં નકારી કાઢતાં કવિના હૃદયને ઠેસ પહોંચી. હતાશા એમને ખૂબ ઘેરી વળી. 1917માં કવિએ મૉડ ગૉનની પુત્રી ઇસૂલ્ટ ગૉન સમક્ષ લગ્ન-પ્રસ્તાવ મૂક્યો, પણ ત્યાંય નકાર જ સાંપડ્યો. અંતે 1917માં જ્યૉર્જી હાઇડ-લીઝ સાથે સંસાર માંડ્યો. આ સમય દરમિયાન તે જાણીતા કવિ એઝરા પાઉન્ડ અને પ્રતીકવાદી કવિઓના પ્રભાવમાં આવી ગયા હતા. નવી શૈલીમાં રચાયેલી તેમની કવિતામાં રહસ્યવાદ ડોકાયા વિના રહેતો નથી. તેમનાં પત્ની અલૌકિક શક્તિ ધરાવતા ‘માધ્યમ’ હોવાનો દાવો કરતાં હતાં. આ ગૂઢ શક્તિઓથી કાવ્યો સ્વયંસ્ફુરિત રીતે રચાય તેવા હેતુથી તેમણે પ્રયોગ આદર્યા. યેટ્સની ઘણી કાવ્યકૃતિઓનું માળખું આ રીતે રચાયેલું મનાય છે. યેટ્સ માનવા માંડ્યા કે તેમનાં સર્જનો કોઈ ગૂઢ શક્તિ દ્વારા પ્રેરિત થાય છે. આને પરિણામે પ્રતીકવાદી કવિતા ઉત્ક્રાંત થઈ. 1925માં પ્રગટ થયેલ ‘એ વિઝન’માં તેની વિશદ ચર્ચા કરી છે. આ સૌ મંથનને અંતે યેટ્સની કવિતા એક નવા તબક્કામાં પ્રવેશી. તે કાળને અત્યંત સમૃદ્ધ કવિતાનો કાળ ગણી શકાય. મનસ્વી શૈલીની કૃતિ ‘ધ ટાવર’ (1928) અને તેમની સૌથી ઉત્તમ કૃતિ ‘ધ વાઇન્ડિંગ સ્ટાર’(1929)નો મૂળભૂત પ્રતીકવાદ તથા પછીનાં ઘણાં કાવ્યોમાં પ્રગટેલાં પ્રતીકો સરળ છે. આપણું જીવન એટલે ઊંચા મિનારા તરફ દોરી જતી ચક્રસીડી. આપણે તેનાં પગથિયાં ચડીએ એટલે ઊંચે તો જવાય, પણ સ્થાન બદલાય નહિ. ગોળગોળ સીડી પર ચડવું તે પ્રગતિનું પ્રતીક – અંતિમ પગથિયું એટલે સમજનું અંતિમ ચરણ, જીવનનું પણ અંતિમ ચરણ. 1928–29માં રચાયેલ ‘બાયઝેન્ટિયમ’ રચનાઓ પણ પ્રતીકવાદના ઉત્તમ નમૂના છે. આ કાવ્યસંગ્રહોમાંનાં કાવ્યો પ્રવર્તમાન સમયની સુંદરતમ રચનાઓ નીવડી છે અને તેમાં અર્થવાહી કાવ્યબાનીમાં વર્તમાન જીવનશૈલી વિશેની સૂક્ષ્મ દૃષ્ટિ અને સૂઝ પ્રગટ થયાં છે.
1934માં કવિએ નવજુવાની પ્રાપ્ત કરવા વાનરગ્રંથિ (monkey-gland) માટે શસ્ત્રક્રિયા કરાવી. ત્યારબાદ રચાયેલ કાવ્યોમાં ફરી એક વાર યૌવનની ઉદ્દંડતા, નિરંકુશ ભાવોદ્રેક, વાસના વગેરેના રંગીન ચહેરા ડોકાયા વિના રહેતા નથી. રોમૅન્ટિક કવિતાનો કાળ જાણે જીવનમાં પુન: શરૂ થઈ ગયો.
1922માં આયર્લૅન્ડના સ્વતંત્ર રાજ્યની સ્થાપના થયેલી, નવી આઇરિશ સેનેટના સભ્યપદ માટે મળેલ નિમંત્રણ તેમણે સ્વીકાર્યું અને 6 વર્ષ સુધી સેનેટ-સભ્ય તરીકે કામગીરી બજાવી.
1923માં નોબેલ પારિતોષિક મળવાની સાથે તેમને વ્યાપક ખ્યાતિ મળી અને અગ્રણી આધુનિક કવિઓમાં તેમની ગણના થવા માંડી. તેમના નિધન બાદ અંગ્રેજી ભાષાના વીસમી સદીના શ્રેષ્ઠ કવિ તરીકેની તેમની પ્રતિષ્ઠા બંધાઈ. જોકે વિવેચકોમાં તેમની માન્યતાઓ, વિચારો અને કવિતા અંગે ઓછોવત્તો વિવાદ ચાલ્યા જ કરે છે. તેઓ ટાગોરના ભત્રીજાજમાઈ મોહિનીમોહન ચૅટરજી મારફત માદામ બ્લૅવેટ્સ્કીની થિયોસૉફિકલ સોસાયટીમાં જોડાયા હતા. ભારતના એક ઉત્કૃષ્ટ કવિ રવીન્દ્રનાથ ટાગોરની શોધનો અને પશ્ચિમી સાહિત્યજગતને તેમનો પરિચય કરાવવાનો યશ તેમને ફાળે જાય છે. તેમના નિર્દેશથી જ ટાગોરને 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ટાગોરના ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહની પ્રથમ અંગ્રેજી આવૃત્તિમાં તેમણે 22 પાનાંની પ્રસ્તાવના લખી હતી.
પંકજ જ. સોની