‘યૂ’ આકાર સરોવર (ox-bow lake) : અંગ્રેજી મૂળાક્ષર U જેવા ચાપ આકારનું, ઘોડાના પગની ખરી નીચે લગાડવામાં આવતી નાળને આબેહૂબ મળતું આવતું સરોવર. નદી જ્યારે તેની પુખ્ત (યુવા) અવસ્થાના ખીણપ્રદેશમાંથી પ્રૌઢ અવસ્થાના ખીણપ્રદેશમાં વહેતી વહેતી આગળ વધે છે ત્યારે ઘટી ગયેલા વહનવેગને કારણે નિક્ષેપ-જમાવટનું પ્રમાણ વધે છે. ખીણ-વિસ્તાર સપાટ બનતો જાય છે. પરિણામે નદીનું સર્પાકાર વહન (meandering) શરૂ થાય છે, જોકે બધી નદીઓમાં આવું વહનલક્ષણ શક્ય બની શકતું નથી. સર્પાકાર વહેતી નદીઓના વળાંકોમાં કાંપ-પૂરણીનું પ્રમાણ વધી જાય તો વળાંકનો કેટલોક ચાપ-આકાર-ભાગ મુખ્ય નદીના પ્રવહનમાર્ગથી અલગ પડી જાય છે અને મુખ્ય નદી સીધો માર્ગ અપનાવે છે. આ રીતે છૂટો પડેલો, અવશેષ રહી જતો ભાગ જળભરાવો થવાથી સરોવર જેવો બની રહે છે. તે નાળઆકાર અથવા ‘યૂ’ આકારનો દેખાતો હોવાથી તેને નાળાકાર અથવા ‘યૂ’ આકાર સરોવર કહે છે. આ સરોવર ધીમે ધીમે પંક સરોવર બનતું જઈ, સમય જતાં સુકાઈ જાય છે; પરંતુ અવશિષ્ટ કાંપમય આવરણ પરથી તેના જૂના અસ્તિત્વનો ખ્યાલ આવી શકે છે.
ગિરીશભાઈ પંડ્યા