યૂજીન દેલાક્રૂવા (Eugene Delacroix) (જ. 1798; અ. 1863) : ફ્રાન્સના અત્યંત મેધાવી ચિત્રકાર. તેમની ગણના અઢારમી અને ઓગણીસમી સદીના યુરોપના રંગદર્શિતાવાદના અત્યંત મહત્વના કલાકારોમાં થાય છે. તેમની સંવેદના જીવનમાંથી ઉદભવેલી હતી, તેથી તેમાં પ્રકૃતિદર્શન પ્રત્યેના આવેગો અને પ્રાચીન સંસ્કૃતિના આદર્શોનું અનુકરણ નહોતું. એંગ્ર (Ingres) જેવા નવશિષ્ટવાદી ચિત્રકારોની કલામાં દેલાક્રૂવાને પ્રાચીન રોમન સામ્રાજ્યની ભવ્યતામાં રાચતી વાસ્તવિકતાથી વેગળી માયાજાળ રચી હોય એવો અનુભવ થયો અને તેથી તેઓ ભાવસંયમનને સ્થાને કલ્પનાવિહાર, રહસ્યમયતા, તીવ્ર કારુણ્ય, ભીષણ સંહાર જેવા ભાવોનું પોતાનાં ચિત્રોમાં ઉદ્દીપન કરતા. જોકે વીરતાનું તત્ત્વ વિલુપ્ત થયું નહિ, પણ ભાવાત્મકતા અને વ્યક્તિમત્તા પરનો ઝોક વધ્યો. આ માટે પ્રાચીન-અર્વાચીન રોમૅન્ટિક સાહિત્ય ખપમાં આવ્યું; ચિત્રોમાં પુરાણકથાઓ (pagan myths) પ્રવેશી.
નવશિષ્ટવાદી કલાકારોએ લાગણી અને રંગોને લગભગ નકાર્યાં હતાં તે હવે અન્ય રંગદર્શી કલાકારોની માફક દેલાક્રૂવા માટે આદર્શ બની રહ્યાં. શિલ્પ જેવી ઘનતાને બદલે ઉષ્ણ પ્રકારનું રંગ-આયોજન અને છાયાપ્રકાશ; ધારદાર, સ્પષ્ટ રેખાંકિત સ્વરૂપને બદલે પીંછીના ઘસરકા અને સ્ટુડિયોની અંદરની પ્રકાશયોજનાને બદલે ખુલ્લા અવકાશના પ્રયોગો થયા.
દેલાક્રૂવાને મહાન ક્રાંતિકારી વિચારોમાં રસ હતો અને એમાં તેઓ કરુણનો મહિમા કરતા અને જીવનની અસ્વસ્થ પળોને ગતિમાન આકૃતિઓ દ્વારા બહેલાવી કવિત્વભર્યું વાતાવરણ ઊભું કરતા. પુરાણકથાને આધારે થયેલાં વિશાળ ચિત્રો – ‘સ્ત્રીઓનો સંહાર’ અને ‘સર્ધનાપેલસનું મૃત્યુ’ – એ બેમાં આ વિશેષ કરીને પ્રગટ થાય છે. દેલાક્રૂવાને પૂર્વીય અને ખાસ તો આરબ પ્રણાલીઓમાં રસ હતો. તેમણે અલ્જીરિયન જીવનનાં અને વિશેષ તો તે પ્રદેશની સુંદરીઓનાં ચિત્રો કર્યાં છે.
એમનાં ચિત્રો સ્થાપિત વર્તુળોને માન્ય ન હોઈ પ્રદર્શનો માટે વિવાદાસ્પદ બની રહેતાં હતાં. પણ એમના ઉદ્દામ વિચારોને લીધે યુવાકલાકારોમાં એમનો ભારે પ્રભાવ હતો અને નવી પેઢી તથા ભવિષ્યના પ્રભાવવાદી ચિત્રકારો માટે તેઓ પ્રેરણારૂપ બની રહ્યા.
અમિતાભ મડિયા