યુફ્રેટીસ (નદી) : નૈર્ઋત્ય એશિયાની સૌથી લાંબી નદી. તેની લંબાઈ 2,736 કિમી. જેટલી છે. ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની ગણાતી ટાઇગ્રિસ-યુફ્રેટીસ નદીરચનાનો તે એક ભાગ છે. તે ટર્કીના છેક પૂર્વ છેડાના પહાડી પ્રદેશમાંથી નીકળે છે અને ટર્કી, સીરિયા અને ઇરાકમાં થઈને વહે છે. તેનો વહનપથ પશ્ચિમ તરફનો છે, સિરિયામાં અને ઇરાકમાં તે અગ્નિ દિશામાં વહે છે. સીરિયા તેમજ ઇરાકના મધ્ય ભાગના નીચાણવાળા સપાટ ભૂમિપ્રદેશને વીંધીને ઈરાનના અખાતને મળે છે. ઇરાકના અલ કુર્નાહ ખાતે તે ટાઇગ્રિસને મળે છે. સંગમ થયા પછી તે શત-અલ-અરબ નામથી ઓળખાય છે. આ બંને નદીઓ વચ્ચેનો ઇરાકનો ભૂમિપ્રદેશ અતિ ફળદ્રૂપ જમીનોવાળો બની રહેલો છે. ઇરાકની મોટાભાગની વસ્તી આ ફળદ્રૂપ પ્રદેશમાં વસે છે. આ નદીનાં પાણી છીછરાં રહેતાં હોવાથી તેમજ તેમાં પથરાતી રેતીની આડશો સ્થળાંતર કરતી રહેતી હોવાથી મોટાં વહાણો તેમાં અવરજવર કરી શકતાં નથી. આ નદીનાં પાણીનો ઉપયોગ મહદ્ અંશે તો સિંચાઈ માટે તેમજ જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે. નદીમાંનાં કેટલાંક સ્થાનો પર પ્રાચીન સમયથી જળચક્રો મૂકવામાં આવેલાં છે, જેથી તેમાંથી પાણી લઈને આજુબાજુની જમીનોને સિંચાઈ માટે આપી શકાય. વળી તેના પર બાંધેલા બંધો પાછળ જળાશયો તૈયાર કરેલાં છે, તેમાંથી ટર્કી, સીરિયા અને ઇરાકને જળવિદ્યુત પૂરી પાડવામાં આવે છે.
દુનિયાની પ્રાચીન ગણાતી સુમેર સંસ્કૃતિનો ઉદય ઈ. પૂ. 3500ના અરસામાં આ બંને નદીઓના વિસ્તારમાં થયેલો. એ જ રીતે બૅબિલોનિયન તેમજ અન્ય સંસ્કૃતિઓ પણ આ જ વિસ્તારમાં વિકસેલી. પ્રાચીન સમયના પ્રસિદ્ધ શહેર બૅબિલોનનાં ખંડિયેરો યુફ્રેટીસના કાંઠે આજે પણ જોવા મળે છે.
જાહ્નવી ભટ્ટ