યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા
January, 2003
યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા : ભારતમાં જાહેર ક્ષેત્રનું અગ્રણી પારસ્પરિક નાણાભંડોળ (mutual fund). સ્થાપના 1964. તેનું ધ્યેય અલ્પ બચત કરનારા રોકાણકારોને રોકાણોની વિવિધતા ઉપરાંત સુરક્ષા પ્રદાન કરવાનું છે. તેનું સંચાલન વ્યાવસાયિક ધોરણે કરી, સાથોસાથ રોકાણકારોને પ્રવાહિતાની સવલત પૂરી પાડી મહત્તમ વળતર મેળવી આપવાનું પણ તેનું ધ્યેય રહ્યું છે. ટ્રસ્ટ તેના હસ્તકની વિવિધ યોજનાઓ દ્વારા નાના રોકાણકારોને તેમનાં બચત કરેલાં નાણાંનું યુનિટોમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે. મેળવેલાં નાણાંનું વિકાસની સંભાવનાઓ ધરાવતી કંપનીઓના શૅર, ડિબેન્ચર, જામીનગીરીઓ તથા અન્ય અસ્કામતોમાં રોકાણ કરે છે. આ રોકાણોની આવકમાંથી ટ્રસ્ટનું વહીવટી અને સંચાલકીય ખર્ચ તથા અન્ય જોગવાઈઓ બાદ કરતાં વધેલી રકમ યુનિટધારકોને ડિવિડન્ડ / બોનસ / પુન:રોકાણના સ્વરૂપમાં વહેંચી આપવામાં આવે છે. પસંદગીની યોજનાઓમાં તે પુન:ખરીદીનો પ્રસ્તાવ પણ મૂકે છે.
ટ્રસ્ટની રચના સંસદના યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા અધિનિયમ અનુસાર કરવામાં આવી હતી. તેનો વહીવટ ઔદ્યોગિક, બૅન્કિંગ તેમજ નાણાં અને મૂડીરોકાણના નિષ્ણાતોની બનેલી એક સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ(ચેરમૅન)ની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે; જ્યારે અન્ય સદસ્યોની નિમણૂક ભારતીય ઔદ્યોગિક વિકાસ નિગમ, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા, જીવન વીમા નિગમ, સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા, વ્યાપારી બૅંકો અને ટ્રસ્ટની પ્રારંભિક મૂડીમાં અંશદાન દેનારી નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટના યુનિટોને ભારતીય ટ્રસ્ટ ધારા 1882 હેઠળ ‘ટ્રસ્ટી જામીનગીરીઓ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, જેથી માન્ય ટ્રસ્ટો પણ તેમાં રોકાણ કરી શકે છે.
1997માં યુનિટ ટ્રસ્ટે પોતાની કાર્યવાહી વધુ સક્ષમ બનાવવા માટે ત્રણ મૂડી-પ્રબંધક સમિતિઓની રચના કરી હતી : (1) યુનિટ યોજના 1964, (2) આંતરિક ઇક્વિટી યોજનાઓ અને (3) આંતરિક આવક યોજનાઓ. આ સમિતિઓનું કાર્ય ટ્રસ્ટની વિવિધ યોજનાઓનાં વેચાણ, સેવાઓ અને ભંડોળ-વ્યવસ્થાની કામગીરીનું પુનરાવલોકન કરી પોતાની ભલામણોનો અહેવાલ ટ્રસ્ટની સંચાલન સમિતિ અને ટ્રસ્ટી મંડળ સમક્ષ મૂકવાનો હોય છે. સમિતિઓ ટ્રસ્ટની વિવિધ યોજનાઓમાં ‘સેબી’(SEBI)ની માર્ગદર્શિકાઓનું, ટ્રસ્ટના સર્વસાધારણ નિયમોનું અને સમયાંતરે નિશ્ચિત કરેલી માર્ગદર્શિકાઓનું પાલન થાય તેની તકેદારી રાખે છે.
યુનિટ ટ્રસ્ટે એક અગ્રણી પારસ્પરિક મૂડીરોકાણ ભંડોળ (mutual capital investment fund) તરીકે ગણનાપાત્ર વિકાસ કર્યો છે. તેણે 37 વર્ષની કામગીરીમાં જનતા સમક્ષ 87 યોજનાઓ પ્રસ્તુત કરી હતી. 30 જૂન 2001 સુધીમાં ટ્રસ્ટમાં થયેલ મૂડીરોકાણની રકમ રૂ. 76,000 કરોડથી પણ વધુ હતી. પરંતુ ટ્રસ્ટે રોકાણ કરેલાં શેરો તથા જામીનગીરીઓના ભાવોમાં ગણનાપાત્ર ઘટાડો થતાં અને રોકાણકારોએ ટ્રસ્ટમાં વિશ્વાસ ગુમાવતાં જુલાઈ 2002માં કુલ મૂડીરોકાણ ઘટીને આશરે રૂ. 45,000 કરોડ રહ્યું હતું.
આશરે 2 કરોડથી વધારે, મોટેભાગે નાના રોકાણકારોનું એક સમયનું ભરોસાપાત્ર પારસ્પરિક નાણાભંડોળ, ટ્રસ્ટે રોકાણ કરેલ શૅરોના ભાવોમાં ગણનાપાત્ર ઘટાડો, મોટા ઉદ્યોગોમાં કરવામાં આવેલ રોકાણોનું મૂડીધોવાણ તથા સંસ્થાઓ દ્વારા મોટા પાયા પર યુનિટ ’64ના ટ્રસ્ટનાં પુન:વેચાણ (રૂ. 4,100 કરોડ) વગેરેને કારણે ટ્રસ્ટ આર્થિક મુશ્કેલીઓમાં સપડાઈ ગયું. નિયમિત વળતરની અપેક્ષા રાખતા અસંખ્ય નાના રોકાણકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા.
રોકાણકારોના આક્રોશને શાંત કરી વિશ્વાસ જગાવવા તથા શૅરબજાર અને નાણાકીય માળખામાં સ્થિરતા જાળવવા કેન્દ્ર સરકારે ટ્રસ્ટની મદદમાં આવીને એક યોજના જાહેર કરી હતી. તે મુજબ યુનિટ ’64ની જૂન 2001થી રૂ. 10/-ના ભાવે પુન:ખરીદીની શરૂઆત કરી દર મહિને 10 પૈસાની વૃદ્ધિ કરી મે 2003 સુધીમાં, પહેલા 3,000 યુનિટ અને પાછળથી 5,000 યુનિટ ખરીદ કરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંતના યુનિટ ચોખ્ખા અસ્કામત મૂલ્ય (NAV) મુજબ ખરીદવાની તત્પરતા બતાવી હતી. મે 2003 પછી યુનિટો રૂ. 10/- અથવા તો ચોખ્ખા અસ્કામત મૂલ્ય(NAV)માંથી જેની કિંમત વધુ હોય તે મુજબ ખરીદવાની જાહેરાત કરી હતી. રૂ. 10ના મૂળ ભાવના યુનિટ ’64નું ચોખ્ખું અસ્કામત મૂલ્ય સપ્ટેમ્બર 2002માં રૂ. 5.92 હતું.
રોકાણકારોને મૂડી પરત કરવા ટ્રસ્ટ તેના શૅરો તથા બીજાં રોકાણો વેચાણ માટે પ્રસ્તુત કરે તો શેરબજાર તથા ઔદ્યોગિક ક્ષેત્રમાં ઊથલપાથલ અને અર્થતંત્રમાં ભારે અવ્યવસ્થાની શક્યતા અવગણી શકાય નહિ. તેથી કેન્દ્ર સરકારે યુનિટ ’64 તથા બીજાં ખાતરીપૂર્વકનાં વળતરોની યોજનાઓ માટે રૂ. 14,500 કરોડની મદદની જાહેરાત કરી છે. આવતાં 7થી 8 વર્ષમાં કેન્દ્ર સરકારે ટ્રસ્ટને આશરે રૂ. 20,000 કરોડની સહાય કરવાની આવશ્યકતા રહેવાનો સંભવ છે.
ટ્રસ્ટની મૂડીના વહીવટમાં બિનકાર્યક્ષમતા, વ્યાવસાયિક સંચાલનની ખામી તથા નિર્ણયોમાં બહારનાં તત્ત્વોની દખલને આભારી ગણી શકાય. તેની કાર્યક્ષમતામાં સુધારણા કરવા સરકારે ટ્રસ્ટને બે વિભાગમાં વહેંચવાની યોજના કરી છે. તે મુજબ યુનિટ ’64 તથા બીજી ખાતરીપૂર્વકના વળતરની યોજના માટે એક વિભાગ યુનિટ I કહેવાશે, જેનું સંચાલન સરકાર સંભાળશે. અને ચોખ્ખા અસ્કામત મૂલ્ય(NAV)ની 43 યોજનાઓ માટે યુનિટ IIની રચના કરવામાં આવશે, જેનો વહીવટ જીવન વીમા નિગમ, સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા, પંજાબ નૅશનલ બૅંક અને બૅંક ઑવ્ બરોડાએ સ્થાપેલ એક કંપનીને સોંપવામાં આવશે. આ બંને વિભાગો ફેબ્રુઆરી 2003માં કાર્યરત થશે. પરંતુ ટ્રસ્ટ અત્યારે શૅરબજારના આશરે 25 ટકા શેરોની માલિકી ધરાવતું હોવાથી નવી કંપની એકહથ્થુ સત્તા બને તેવી આશંકા ટાળી શકાય નહિ. ટ્રસ્ટ અત્યારે દેશનાં બીજાં ત્રણ અગ્રણી પારસ્પરિક નાણાભંડોળ કરતાં વધુ શેરો ધરાવે છે. તેથી વિભાગ 2નું ચારથી પાંચ નાના હિસ્સામાં વિભાજન કરીને ખાનગી માલિકોને ઊંચી કિંમતે વહીવટ સોંપવાની યોજના ઑક્ટોબર 2002માં વિચારણા હેઠળ હતી.
ટ્રસ્ટની યોજનાઓને ત્રણ મુખ્ય વિભાગમાં વહેંચી શકાય : (1) અવધિમુક્ત યોજનાઓ (open ended schemes); (2) બાંધી મુદતની યોજનાઓ (closed ended schemes) અને (3) વૃદ્ધિ-યોજનાઓ (growth schemes).
(1) અવધિમુક્ત યોજનાઓ : જે નાણાભંડોળની સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી તેને અવધિમુક્ત યોજના કહી શકાય. રોકાણકાર તેમાં અનુકૂળતા મુજબ રોકાણ અને તેમાં ફેરફાર કરી શકે છે. ટ્રસ્ટ રોકાણકારોને વળતર-સ્વરૂપે ડિવિડન્ડ/બોનસ અથવા તો મુકરર કરેલ કિંમતે વધારાના યુનિટો આપે છે. તે સમયાંતરે અસ્કામતોના ચોખ્ખા મૂલ્ય (Net Asset Value) મુજબ યુનિટોનું ખરીદ-વેચાણ કરે છે.
(2) બાંધી મુદત યોજના : જે નાણાભંડોળની સમયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી હોય તેને બાંધી મુદતની યોજના કહેવાય છે. તેમાં સામાન્ય રીતે પૂર્વઆધારિત વિતરણ દરે રોકાણકારને નિયમિત આવક પ્રદાન કરવામાં આવે છે. સમયમર્યાદા પૂરી થયે સંચિત આવક માટે વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. તેમાં નિયત સમય પછી પુન:ખરીદીની સવલત ઉપલબ્ધ હોય છે. કેટલીક યોજનાઓમાં વિતરણ દર ટ્રસ્ટે કરેલ રોકાણના વળતર પર આધારિત હોય છે. આ ઉપરાંત પાકતી મુદતે સંચિત આવકનું વિતરણ કરતી યોજનાઓ પણ પ્રસ્તુત કરવામાં આવે છે. યુનિટોને શૅરબજારની યાદી પર મૂકવામાં આવે છે.
(3) વૃદ્ધિ-યોજનાઓ (growth schemes) : આ વિકાસનિધિ ભંડોળ યોજનાઓ બાંધી મુદત તેમજ ખુલ્લી મુદત માટે પ્રસ્તુત કરવામાં આવે છે. ટ્રસ્ટ સામાન્ય રીતે ઝડપી પ્રગતિ કરતી હોય તેવી કંપનીઓના શૅરો તથા જામીનગીરીઓમાં મહત્તમ નફો મેળવવા, મધ્યમ તેમજ લાંબા સમય માટે રોકાણ કરે છે. તે માટે ટૂંકા સમયના રોકાણમાં નુકસાન ભોગવવાની પણ તેની તૈયારી હોય છે. આ યોજનાઓમાં નિયમિત અથવા સંચિત વળતરનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. તે ઉપરાંત નિયત સમય પછી પુન:ખરીદી તથા અસ્કામતોના ખુલ્લા મૂલ્ય મુજબ ખરીદ-વેચાણની સવલત પણ મળે છે.
યુનિટ ટ્રસ્ટે પ્રસ્તુત કરેલી કેટલીક અગ્રણી યોજનાઓની વિગતો સંક્ષેપમાં નીચે મુજબની છે :
(1) યુનિટ યોજના – 1964 : ટ્રસ્ટની એક સમયની સૌથી વધુ લોકપ્રિય યોજના. યુનિટનું અંકિત મૂલ્ય રૂ. 10 અને રોકાણની લઘુતમ મર્યાદા રૂ. 2,000 છે. અધિકતમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. આ યોજના ડિવિડન્ડ રૂપે નિયમિત વાર્ષિક વળતર આપતી હતી. તેના થકી મળતું ડિવિડન્ડ આવકવેરા અને મૂડીનફાવેરામાંથી મુક્ત છે. સમયાંતરે યુનિટના ખરીદ-વેચાણની કિંમત જાહેર કરવામાં આવે છે. રોકાણકારને આવકનું પુન:રોકાણ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. 31 જૂન 2001 સુધીમાં આ યોજના હેઠળ આશરે રૂ. 12,815 કરોડ જેટલું મૂડીરોકાણ થયું હતું.
ટ્રસ્ટે રોકાણ કરેલ શૅરો તથા જામીનગીરીઓના ભાવોમાં ગણનાપાત્ર ઘટાડો થવાથી અને સંસ્થાઓએ મોટા પ્રમાણમાં ટ્રસ્ટને પાછા વેચેલ યુનિટોને કારણે ઉપસ્થિત થયેલી આર્થિક મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા ટ્રસ્ટ દ્વારા યુનિટોનું ખરીદ-વેચાણ જુલાઈ 2001માં 6 માસ માટે બંધ કરવામાં આવ્યું હતું; પરંતુ રોકાણકારોનો વિશ્વાસ પુન: સંપાદન કરવા માટે યુનિટોનું ખરીદ-વેચાણ 1 ઑગસ્ટ 2001થી ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. તેમાં યુનિટનો પુન:ખરીદી ભાવ રૂ. 10 નિયત કરીને દર મહિને 10 પૈસા વધારી મે 2003 સુધીમાં રૂ. 12 સુધી લઈ જવાની દરખાસ્ત પ્રસ્તુત કરવામાં આવી છે. પ્રત્યેક રોકાણકાર પાસેથી મહત્તમ 5,000 યુનિટોનો જાહેર કરેલ કિંમત મુજબ પુન:ખરીદીનો આરંભ કર્યો છે. 5,000થી વધુ યુનિટોની પુન:ખરીદી મે 2003 પછી રૂ. 10/ના ભાવે કરવામાં આવશે. જાન્યુઆરી 2002થી ટ્રસ્ટે અસ્કામતોના ચોખ્ખા મૂલ્ય (NAV) મુજબ યુનિટના ખરીદ-વેચાણની શરૂઆત કરી છે. મે 2003 સુધી રોકાણકાર ટ્રસ્ટે નક્કી કરેલ પુન:ખરીદીની કિંમત અને અસ્કામતોના ચોખ્ખા મૂલ્યમાંથી જેની કિંમત વધુ હોય તે મેળવવાને હકદાર રહેશે. આ દરખાસ્ત જુલાઈ 2001 પછી ખરીદાયેલ યુનિટોને અસરકર્તા નથી. સરકારે ઉપર મુજબ જાહેર યોજના હેઠળ રોકાણકારોને યુનિટ ’64નું રોકાણ પરત કરવા તથા માસિક આવક યોજનાની મુદત પૂરી થતાં તેની મૂડી પરત આપવા માટે સરકારે પહેલાં રૂ. 3,000 કરોડ આપ્યા, ઉપરાંત તાજેતરમાં રૂ. 5,000 કરોડ યુનિટ ટ્રસ્ટને આપવાનું નક્કી કર્યું છે.
(2) યુનિટ યોજના – 1995 : આ યોજના સંસ્થાગત અને ગણનાપાત્ર રોકાણ કરનાર વ્યક્તિઓ માટે છે. યુનિટનું અંકિત મૂલ્ય રૂ. 100 છે. રોકાણની લઘુતમ મર્યાદા રૂ. 10 લાખ છે. વધુ રોકાણ રૂ. 1 લાખના ગુણોત્તરમાં થાય છે. યોજના નિયમિત આવક અને મધ્યથી લાંબા ગાળા માટે મૂડીવૃદ્ધિની સંભાવના દર્શાવે છે. અસ્કામતોના ચોખ્ખા મૂલ્ય (NAV) પર આધારિત વેચાણ તથા પુન:ખરીદીની કિંમત દર અઠવાડિયે જાહેર કરવામાં આવે છે. આ યુનિટો હસ્તાંતર/ગીરો/નામાંતરને પાત્ર છે. હાલ આ યોજના મૂડીનફાવેરામાંથી મુક્ત છે.
(3) બાળકોની શૈક્ષણિક કારકિર્દી યોજના–(1993) : આ યોજનાનો ઉદ્દેશ કરવેરામાં રોકાણકારને લાભ મળે તે રીતે અર્ધવાર્ષિક/વાર્ષિક ધોરણે શિષ્યવૃત્તિ દ્વારા બાળકને ઉચ્ચ અભ્યાસ વગેરેનો ખર્ચ પૂરો પાડવાનો છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકના લાભાર્થે લઘુતમ રૂ. 2,000નું રોકાણ કરી શકાય છે. અધિકતમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ રોકાણ દર વર્ષે જાહેર કરાયેલ બોનસ યુનિટોના સંચય દ્વારા વૃદ્ધિ પામે છે. ટ્રસ્ટનું લક્ષ્ય વાર્ષિક 14 ટકા લેખે આવક પ્રદાન કરવાનું છે. આ યોજનામાં સંચિત આવક જે તે બાળકને 18 વર્ષ પછી શિષ્યવૃત્તિરૂપે નિયમિત હપતામાં મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકને નામે કરવામાં આવેલ રોકાણ અપરિવર્તનીય હોય છે. કોઈ બાળકનું નિધન થાય તો બીજા બાળકનું નામ સૂચવી શકાય છે, પરંતુ રોકાણકારને તે રકમ પરત કરવામાં આવતી નથી.
(4) નિવૃત્તિ લાભ યોજના : આ યોજના નોકરિયાત વર્ગ, સ્વયંરોજગારીઓ તથા વ્યાવસાયિકો (professionals) માટે પોતાની નિવૃત્તિ-વેતનની વ્યવસ્થા કરવા માટે છે. 18થી 60 વર્ષની ઉંમરના ભારતીય નાગરિક અને બિનનિવાસી ભારતીય આ યોજનામાં જોડાઈ શકે છે. રોકાણ માટે લઘુતમ મર્યાદા રૂ. 10,000 એકસાથે અથવા તો રૂ. 500ના હપતામાં ભરી શકાય છે. અધિકતમ રોકાણની કોઈ મર્યાદા નથી. 52થી 60 વર્ષના રોકાણકારે લઘુતમ રૂ. 10,000નું એકસાથે રોકાણ કરવું આવશ્યક છે. રોકાણકાર 58 વર્ષની વય પછી જીવન પર્યંત નિવૃત્તિવેતન મેળવવાને હકદાર છે. તેને અસ્કામતોના ચોખ્ખા મૂલ્ય પર આધારિત પુન:ખરીદીનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહે છે, પરંતુ તે પછી નિવૃત્તિવેતન બંધ થઈ જાય છે. 58 વર્ષની વય પહેલાં અપરિપક્વ ઉપાડ પર 10 ટકાની કપાત લેવામાં આવે છે. 52 વર્ષની વય પછી જોડાયેલ રોકાણકાર 5 વર્ષ પછી નિવૃત્તિવેતનને પાત્ર ઠરે છે અથવા તો અસ્કામતોના ચોખ્ખા મૂલ્ય પર આધારિત પુન:ખરીદીની કિંમતે નાણાં પરત મેળવી શકે છે.
(5) સખાવતી, ધાર્મિક ટ્રસ્ટો અને રજિસ્ટર્ડ સોસાયટીઓની યોજના : સખાવતી અને ધાર્મિક ટ્રસ્ટો, રજિસ્ટર્ડ સોસાયટીઓ, શૈક્ષણિક ટ્રસ્ટો, શાળાઓ, કૉલેજો, યુનિવર્સિટીઓ, કંપની કાયદા–1956ની કલમ 25 નીચે નફો ન કરતી કંપનીઓ, સખાવતી હેતુ માટે રાજ્ય અથવા કેન્દ્રના કાયદા હેઠળ અથવા તેના દ્વારા સ્થાપિત કે નિયંત્રિત કોઈ પણ સંસ્થા આ યોજનામાં રોકાણ કરી શકે છે. લઘુતમ રોકાણ રૂ. 100ના 100 યુનિટો અને ત્યારપછી 10 યુનિટોના ગુણાંતરમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે. રોકાણની 3 વર્ષની અવધિ પછી પુન:ખરીદીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આવક અર્ધવાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે. તેમાં પુન:રોકાણની પણ સવલત મળે છે. આ યુનિટો હસ્તાંતરને પાત્ર નથી.
(6) યુનિટ ગ્રથિત વીમા યોજના – 1971 (ULIP) : આ યોજના જીવન-વીમા નિગમના સહકારથી શરૂ કરવામાં આવી છે. એક અથવા વધુ અરજીઓ દ્વારા અધિકતમ રોકાણની મર્યાદા રૂ. 75,000 નિયત કરવામાં આવી છે. લઘુતમ રોકાણ રૂ. 6,000 અને તે પછી રૂ. 1,000 અથવા રૂ. 1,500ના ગુણાંકમાં રોકાણ કરતા રહી અનુક્રમે 10 કે 15 વર્ષ માટે તેમાં પ્રવેશી શકાય છે. આ રકમ વાર્ષિક કે અર્ધવાર્ષિક હપતાઓમાં ચૂકવવાની હોય છે. રોકાણકાર લક્ષિત રકમની સમકક્ષ વીમા રક્ષણ મેળવે છે. તે ઉપરાંત રૂ. 30,000 સુધીનું રક્ષણ અકસ્માત સામે મેળવે છે. 10 વર્ષની યોજનામાં 12થી 55 વર્ષ અને 6 માસની તથા 15 વર્ષની યોજનામાં 12થી 50 વર્ષની વયજૂથની વ્યક્તિ જોડાઈ શકે છે. વિકલાંગ વ્યક્તિઓ વિકલાંગ થયા બાદ 5 વર્ષ પછી જોડાઈ શકે છે. આશ્રિત બાળકો વતી અને જીવનસાથી વતી કરાયેલું રોકાણ આવકવેરા નીચે નિર્ધારિત છૂટને પાત્ર છે. સ્વતંત્ર અને નિયમિત આવક ન ધરાવતી મહિલા માટે વીમારક્ષણની મર્યાદા રૂ. 40,000 છે. સ્વતંત્ર અને નિયમિત આવક ન ધરાવતાં બાળકો વીમારક્ષણને પાત્ર નથી. આ યોજનામાં જોડાવા માટે તબીબી તપાસ જરૂરી નથી. 10 વર્ષની યોજના માટે મુદત પાકતાં બોનસ નિર્ધારિત રકમના 5 ટકા અને 15 વર્ષની યોજના માટે 7.5 ટકા નિયત કરવામાં આવ્યું છે.
(7) માસ્ટર ઇક્વિટી પ્લાન (MEP) : આ એક બાંધી મુદતની વૃદ્ધિ-યોજના છે. તેમાં કરવામાં આવેલ રોકાણ આવકવેરાની કલમ 88 નીચે મહત્તમ રૂ. 10,000 સુધી 20 ટકા કરછૂટને પાત્ર છે. લઘુતમ રોકાણ રૂ. 500 છે. અધિકતમની કોઈ મર્યાદા નથી. ત્રણ વર્ષની બાંધી મુદત પછી રોકાણકાર યુનિટોને મુક્ત બજારમાં અથવા અસ્કામતોના ચોખ્ખા મૂલ્ય પર આધારિત પુન:ખરીદકિંમતે ટ્રસ્ટને વેચી શકે છે. આ યોજના મૂડીલાભવેરા નીચે કરમુક્ત છે.
(8) માસિક આવકયોજના : બાંધી મુદતની આ આવકયોજના હેઠળ ટ્રસ્ટ રોકાણકારને પૂર્વઆધારિત વિતરણદરે નિયમિત આવક પ્રદાન કરે છે. યોજનામાં વ્યક્તિઓ, ટ્રસ્ટો, સોસાયટીઓ, કંપનીઓ, ભાગીદારી પેઢીઓ તથા હિંદુ સંયુક્ત કુટુંબો રોકાણ કરી શકે છે. બિનનિવાસી ભારતીયો ભારતમાં પોતાનાં વાલી/સગાંવહાલાંને નિયમિત આવક માસિક ધોરણે પૂરી પાડવા રોકાણ કરી શકે છે; પરંતુ રોકાણ પરત લઈ જઈ શકાતું નથી. સામાન્ય રીતે યોજનાની મુદત 5 વર્ષની હોય છે. તેમાં નિયમિત માસિક આવક અથવા સંચિત આવકનો વિકલ્પ ઉપલબ્ધ છે. યુનિટને શૅરબજારની યાદી પર પણ મૂકવામાં આવે છે. આવકવેરા અને મૂડીવૃદ્ધિ પર નિયમાનુસાર કરમુક્તિ મળી શકે છે.
(9) પારસ્પરિક ભંડોળ યુનિટ યોજના 1986 (માસ્ટર્સ શૅર્સ) : યોજનાનું ભંડોળ વિવિધ ઉદ્યોગોની ઇક્વિટીમાં રોકવામાં આવે છે. યુનિટની કિંમત રૂ. 100 નિયત કરવામાં આવી છે. અધિકતમ રોકાણની કોઈ મર્યાદા નથી. 1986માં શરૂ કરવામાં આવેલ આ યોજનાનું 1993માં પ્રતિદાન કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી તેને વધુ 10 વર્ષ માટે, ડિસેમ્બર 2003 સુધી લંબાવવામાં આવી છે. ભારતના નિવાસી તેમજ બિનનિવાસી ખુલ્લા બજારમાંથી યુનિટ ખરીદી તથા વેચાણ કરી શકે છે. તેને શૅરબજારની યાદી પર પણ મૂકવામાં આવે છે. ભંડોળની આવકનું નિર્ધારિત સમયે વિતરણ કરવામાં આવે છે.
(10) સૂચકાંક ઇક્વિટી ભંડોળ : ટ્રસ્ટની બાંધી મુદતની આ યોજનામાં મૂડીનું રોકાણ રાષ્ટ્રીય શૅરબજાર(NSE)ના 50 સૂચકાંક શૅર અને મુંબઈ શૅરબજાર(BSE)ના સૂચકાંકની સચેત જામીનગીરીઓમાં કરવામાં આવે છે. યોજના આ બે સૂચકાંકની પ્રતિકૃતિ નથી; પરંતુ ટ્રસ્ટ સૂચકાંકની યાદીની અંદર આવેલી નિવેશસૂચિ(portfolio)માંથી રોકાણ નક્કી કરે છે. આ યોજનામાં ત્રણ વર્ષ પછી અસ્કામતોના ચોખ્ખા મૂલ્ય પર આધારિત પુન:ખરીદીનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. આવકવેરા તથા મૂડીવૃદ્ધિવેરામાંથી નિયમ મુજબ મુક્તિ મેળવી શકાય છે.
(11) મૂડીબજાર ભંડોળ : આ યોજના યુ. ટી. આઈ. બકના સહકારથી 23 એપ્રિલ 1997થી પ્રસ્તુત કરવામાં આવી છે. તેનું નિયમન યુ. ટી. આઈ. બૅંક કરે છે. રોકાણ મુખ્યત્વે હાજર નાણાધિરાણ, શીઘ્રાવધિ ધિરાણ, હૂંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કરવામાં આવે છે. લઘુતમ રોકાણમર્યાદા રૂ. 10,000 છે. રોકાણના 30 દિવસ પછી અસ્કામતોના ચોખ્ખા મૂલ્ય મુજબ વેચાણ તથા પુન:ખરીદી થઈ શકે છે.
આ ઉપરાંત યુનિટ ટ્રસ્ટે નાના રોકાણકારોને પ્રોત્સાહન પૂરું પાડવા વિવિધ કંપનીઓની ભારત તથા વિદેશમાં શરૂઆત કરી છે.
1986માં ટ્રસ્ટે પહેલા અપતટ (offshore) ‘ભારતીય ભંડોળ’ની શરૂઆત તથા 1988માં ભારતીય વૃદ્ધિ ભંડોળની સ્થાપના કરી હતી, જેને ન્યૂયૉર્ક શૅરબજારની સૂચિ પર મૂકવામાં આવ્યું છે.
તે જ વર્ષમાં ભારતીય સહાયક ભંડોળ શરૂ કરવામાં આવ્યું હતું, જેને ન્યૂયૉર્ક શૅરબજારના 50 સૂચકાંક સાથે જોડવામાં આવ્યું છે. તે સાથે જ ભારતીય ઋણ ભંડોળ, ભારતીય જાહેર ક્ષેત્ર ભંડોળ, ભારતીય માહિતી પ્રૌદ્યોગિકી ભંડોળ વગેરે સંસ્થાઓની સ્થાપના કરી છે. પ્રૌદ્યોગિકી ભંડોળની લિપર ઇન્ટરનૅશનલ (Lipper International) દ્વારા 1998ના વર્ષના શ્રેષ્ઠ ભંડોળ તરીકે પસંદગી થઈ હતી.
1988માં ટ્રસ્ટે યુ. ટી. આઈ. રોકાણ સલાહકાર સેવા (Investment Advisory Services) કંપનીની સ્થાપના કરી હતી, જેની ન્યૂયૉર્કના જામીનગીરી અને વિનિમય આયોગ સાથે નોંધણી કરવામાં આવી છે. 1989માં યુ. ટી. આઈ.એ મૂડીબજાર સંસ્થાની શરૂઆત કરી હતી, જે જાપાનને બાદ કરતાં એશિયાની તે પ્રકારની પ્રથમ સંસ્થા હતી.
ટ્રસ્ટે શ્રીલંકા, ભૂતાન અને ઇજિપ્તમાં યુનિટ ટ્રસ્ટો પ્રસ્થાપિત કરવા માટે તકનીકી સહાય પૂરી પાડી હતી અને તે દેશોના ટ્રસ્ટના ઇક્વિટી ભંડોળમાં ફાળો પણ આપ્યો હતો. 1993માં યુ. ટી. આઈ. રોકાણકાર સેવા લિ.(ભારતની સર્વપ્રથમ નોંધણી અને ફેરબદલ સંસ્થા)ની શરૂઆત થઈ હતી. વળી 1994માં ખાનગી ક્ષેત્રની પહેલી બૅંક યુ. ટી. આઈ. બૅંકની સ્થાપના કરવામાં આવી હતી.
1999માં તેણે એક ક્ષેત્રીય વૃદ્ધિ ભંડોળ પ્રસ્તુત કર્યું હતું, જેમાં બ્રાન્ડ વૅલ્યૂ ફંડ (Brand Value Fund), ઔષધ અને સ્વાસ્થ્ય પરિચર્યા ભંડોળ (Pharma and Healthcare Fund), સૂચના કાર્યક્રમ ભંડોળ (Software Fund), સેવાક્ષેત્ર ભંડોળ (Service Fund) તથા ખનિજ તેલ ભંડોળ(Petrol Fund)નો સમાવેશ થાય છે. આ યોજનામાં રોકાણકારને એક યોજનામાંથી બીજીમાં રોકાણ તબદીલ કરવા માટેનો વિકલ્પ મળે છે.
જિગીશ દેરાસરી