યુનાઇટેડ આર્ટિસ્ટ્સ : હૉલિવુડની એક સહકારી ચલચિત્રનિર્માણ કંપની. તેનો પોતાનો કોઈ સ્ટુડિયો નથી, પણ તેના સભ્યો પોતાની રીતે જે ચિત્રોનું નિર્માણ કરે તેનું વિતરણ કરવાનું કામ તે કરે છે. ફિલ્મનિર્માણ માટે જરૂરી સાધનો આ સંસ્થા ભાડેથી લાવે છે અને પોતાના સભ્યોને પૂરાં પાડે છે. આ કંપનીના સ્થાપકો હૉલિવુડના કેટલાક અગ્રણી કલાકારો અને કસબીઓ હતા, જેમાં મેરી પિકફૉર્ડ, ડગ્લાસ ફૅરબૅંક્સ, ચાર્લી ચૅપ્લિન અને ડી. ડબ્લ્યૂ. ગ્રિફિથનો સમાવેશ થાય છે. તેમણે છેક 1919માં તેની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ સુધી  ફિલ્મનિર્માણ અને વિતરણના ક્ષેત્રે – આ સંસ્થાએ ઘણી તડકીછાંયડી જોઈ છે. 1930ના દાયકાથી આ સંસ્થાનાં ચિત્રો સારો એવો નફો કરવા માંડ્યાં હતાં. આ એક સહકારી સંસ્થા હોવાને કારણે અગ્રણી કલાકારો અને કસબીઓ તેની સાથે સરળતાથી જોડાતાં પણ રહ્યાં. ચૅપ્લિનથી માંડીને બસ્ટર કીટન અને રૉનાલ્ડ કૉલમૅનથી માંડીને લૉરેન્સ ઑલિવિયર સુધીનાંનો તેમાં સમાવેશ થતો હતો. આ સંસ્થાને જેમ્સ બૉન્ડનાં ચિત્રોએ ખૂબ નાણાં કમાવી આપ્યાં. હૉલિવુડમાં ખમતીધર સ્ટુડિયોની ચુંગાલમાં જે કલાકારો ફસાયેલાં હતાં તેમને એ સકંજામાંથી છોડાવવાનું કામ યુનાઇટેડ આર્ટિસ્ટ્સે કર્યું હતું. જેમ્સ બૉન્ડ શ્રેણી સહિતની ઘણી ફિલ્મોના નિર્માણ માટે નાણાં પૂરાં પાડવાનું કામ પણ એણે કર્યું.

1940ના દાયકામાં સંસ્થા ખોટમાં જવા માંડી. અંતે ચાર્લી ચૅપ્લિન અને મેરી પિકફૉર્ડે 1951માં મનોરંજન ક્ષેત્રના બે જાણીતા વકીલો આર્થર ક્રિમ અને રૉબર્ટ બૅન્જામિનના નેતૃત્વ હેઠળની એક સિન્ડિકેટ્સને સંસ્થા વેચી દેવાનો નિર્ણય કર્યો. ક્રિમ અને બૅન્જામિને યુનાઇટેડ આર્ટિસ્ટ્સની ગાડી પાટા પર ચઢાવવા ખૂબ મહેનત કરી અને તેમાં તેમને સફળતા પણ મળી. નામી કલાકારો અને દિગ્દર્શકોને ખેંચવામાં તેઓ સફળ થયા, પરિણામે ફરી એક વાર યુનાઇટેડ આર્ટિસ્ટ્સ મબલખ નાણાં કમાવા માંડી. 1960ના દાયકામાં તો આ સંસ્થા હૉલિવુડની સૌથી વધુ નફો કરતી સંસ્થાઓ પૈકી એક બની રહી હતી.

આ સ્થિતિનો લાભ લઈને ક્રિમ અને બૅન્જામિને 1967માં સંસ્થાનો કેટલોક હિસ્સો ટ્રાન્સઅમેરિકા કૉર્પોરેશનને વેચી દીધો અને તેના એક વિભાગનું સંચાલન તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં રહીને ચાલુ રાખ્યું. આ વ્યવસ્થા 1971 સુધી સારી રીતે ચાલી, પણ પછી ટ્રાન્સઅમેરિકાએ આખી સંસ્થા પર પોતાનો કબજો જમાવી દીધો. 1981માં ખ્યાતનામ ફિલ્મનિર્માણ કંપની મેટ્રો ગોલ્ડવિન મેયર (એમજીએમ) અને યુનાઇટેડ આર્ટિસ્ટ્સ આ બંને એકત્ર થઈ ગયાં.

જે ચિત્રોએ યુનાઇટેડ આર્ટિસ્ટ્સને નામ અને દામ અપાવ્યાં તેમાં ‘લા મિઝરેબલ’ (1935), ‘ધ કૉલ ઑવ્ ધ વાઇલ્ડ’ (1935), ‘ડેડ એન્ડ’ (1937), ‘રેબેકા’ (1940), જૉન ફૉર્ડનું ખ્યાતનામ ‘સ્ટેજકૉવ’ (1939), ચૅપ્લિનનું ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ (1940), હિચકોકનું ‘સ્પેલબાઉન્ડ’ (1950), હમ્ફ્રી બોગાર્ટનું ‘ધી આફ્રિકન ક્વિન’ (1952), ગેરી કૂપરનું ‘હાઇ નૂન’ (1952), માઇક ટૉડનું ‘એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ’ (1956) જેવાંનો સમાવેશ થાય છે. અનેક ચિત્રોને ઑસ્કાર એવૉર્ડ પણ મળ્યાં. વ્યાવસાયિક રીતે પણ તે સફળ થઈ. ‘વેસ્ટ સાઇડ સ્ટોરી’, ‘ટૉમ જૉન્સ’, ‘મિડનાઇટ કાઉબૉય’, ‘થન્ડરબૉલ’ (1965), ‘ફિડલર ઑન ધ રૂફ’ (1971), ‘વન ફ્લૂ ઓવર ધ કૂકૂઝ નેસ્ટ’ (1975), ‘રૉકી’ (1976), ‘ધ સ્પાય હૂ લવ્ડ મી’ (1977), ‘રિવેન્જ ઑવ્ ધ પિંક પૅન્થર’ (1978), ‘રૉકી ભાગ-2’ (1979), ‘એપોકેલિપ્સ નાઉ’ (1979), ‘મૂનરેકર’ (1979) – જેવાં શ્રેષ્ઠ ચિત્રો આ સંસ્થાનાં હતાં.

હરસુખ થાનકી