યુનાઇટેડ આરબ અમીરાત : પશ્ચિમ એશિયામાં આવેલ સાત રાજ્યોનું સમવાયતંત્ર. યુનાઇટેડ આરબ અમીરાત એ અબુ ધાબી, દુબઈ, અશ શરીકાહ, અજમન, ઉમ્મ-અલ-કાયવાન, રાસ-અલ-ખયમાહ અને અલ ફુજ્યરાહ નામનાં સાત નાનાં રાજ્યોનું બનેલું સમવાયતંત્ર છે તથા અરબી સમુદ્રમાં ઈરાની અખાતના દક્ષિણ છેડે પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલું છે. દરેક રાજ્યનું પાટનગર પણ એ જ નામથી ઓળખાય છે. ત્યાંની મોટાભાગની વસ્તી આરબ મુસ્લિમોની છે. અબુ ધાબી આ સમવાયતંત્રનું પાટનગર છે અને દુબઈ સૌથી મોટું શહેર તથા બંદર છે. આ દેશના વિવિધ વિસ્તારોમાં રહેતી આરબ જાતિઓને પોતાનો વડો અને આગવી પરંપરા હતાં. આ જાતિઓ હંમેશાં એકબીજા સાથે લડતી અને હરીફાઈ કરતી. ઈસુની સાતમી સદીમાં એમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. ઈસુની સોળમી સદીમાં જળમાર્ગ તરીકે ઈરાની અખાતનું મહત્વ વધતાં યુરોપનાં શક્તિશાળી રાષ્ટ્રોએ અહીં વેપારી મથકો સ્થાપ્યાં. એમાં ગ્રેટ બ્રિટન સૌથી વધારે શક્તિશાળી હતું.

પાટનગર અબુધાબી

ઈસુની અઢારમી સદીમાં આ રાજ્યોનો વિકાસ શરૂ થતાં રાસ-અલ-ખયમાહ અને અશ શરીકાહ મુખ્ય રાજ્યો બન્યાં. એમણે વેપાર ઉપર પ્રભુત્વ જમાવવા પડોશનાં રાજ્યો સાથે યુદ્ધો કર્યાં. ઈ. સ. 1820માં બ્રિટને લશ્કરી દરમિયાનગીરી કરી આ રાજ્યો વચ્ચે દરિયાઈ યુદ્ધો નહિ કરવાની સંધિ કરાવી. એ પછી એ રાજ્યો ‘સંધિ રાજ્યો’ (trucial states) તરીકે ઓળખાયાં. વીસમી સદીની શરૂઆતમાં આ રાજ્યો ઉપર બ્રિટને વર્ચસ્ જમાવી તેમને આંતરિક વહીવટ કરવાની સત્તા આપી અને વિદેશી બાબતોની સત્તા પોતાને હસ્તક રાખી. 1971માં આ રાજ્યોને સંપૂર્ણ આઝાદી આપવામાં આવી ત્યારે 2 ડિસેમ્બર, 1971ના રોજ છ રાજ્યોએ ભેગાં મળીને યુનાઇટેડ આરબ અમીરાત નામના સંયુક્ત સમવાય રાજ્યની સ્થાપના કરી. સાતમું રાજ્ય રાસ-અલ-ખયમાહ બે માસ પછી ફેબ્રુઆરી 1972માં એમાં જોડાયું. યુનાઇટેડ આરબ અમીરાત એની સ્થાપના થઈ ત્યારથી આરબ લીગ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ(U.N.O.)નું સભ્ય છે.

વીસમી સદીના મધ્ય ભાગ સુધી આ પ્રદેશ ઘણો પછાત અને અવિકસિત હતો. મોટાભાગના લોકો મત્સ્ય, મોતી, ઊંટોનો ઉછેર, ખજૂરની ખેતી અને વેપાર દ્વારા આજીવિકા મેળવતા હતા. 1950થી 1960ના દસકામાં ખનિજતેલની શોધે આ પ્રદેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં વધારો કર્યો. આધુનિક શહેરો અને ઉદ્યોગોનો ઝડપી વિકાસ થયો. લોકોએ જૂના ધંધા અને જીવનશૈલીનો ત્યાગ કરીને તેલઉદ્યોગ તથા અન્ય આધુનિક ક્ષેત્રોમાં નોકરી-વ્યવસાય સ્વીકાર્યાં છે. 1970ના દશકા પછી વિશ્વના સૌથી સમૃદ્ધ અને શ્રીમંત દેશોમાં આ રાષ્ટ્રની ગણતરી થવા માંડી. પડોશી અરબ દેશો, ઈરાન, પાકિસ્તાન વગેરે દેશોમાંથી ઘણા લોકો અહીં આવીને વસ્યા. વસ્તીમાં વધારો થતાં નવાં મકાનો, રસ્તાઓ, હોટેલો, શાળાઓ અને હૉસ્પિટલો બાંધવાની જરૂરિયાત ઊભી થઈ. તેથી ભારત અને ખાસ કરીને ગુજરાતમાંથી એન્જિનિયર, કડિયા, સુથાર, લુહાર, દરજી અને મજૂરીકામ કરનાર ઘણા કારીગરો ત્યાં જઈને સ્થિર થયા. રેલવે અને વિમાની સેવાનો વિકાસ થયો. ચાર આંતરરાષ્ટ્રીય વિમાની મથકો સ્થપાયાં. અબુ ધાબી અને દુબઈમાં ટેલિવિઝન-કેન્દ્રો પણ શરૂ થયાં.

આ સમવાય રાજ્યનું પાટનગર અબુ ધાબી છે. સત્તાવાર મુખ્ય ભાષા અરબી અને ચલણ દિરહમનું છે. એનો કુલ વિસ્તાર 83,600 કિમી. છે. એની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિમી., ઉત્તર-દક્ષિણ પહોળાઈ 402 કિમી. અને દરિયાકિનારાની લંબાઈ 777 કિમી. છે. એની વસ્તી 23,77,453 (1995) હતી. માછીમારી ઉપરાંત એના મુખ્ય પાકોમાં ખજૂર, તરબૂચ અને ટમેટાં તથા મુખ્ય ખનિજોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસનો સમાવેશ થાય છે. આ પ્રદેશના મોટા ભાગમાં રણ અને પર્વતો છે. રણપ્રદેશમાં રહેતા લોકો ઊંટ, બકરાં અને ઘેટાંનો ઉછેર કરે છે. માત્ર એક ટકો જમીન ખેતીલાયક છે. એનું તાપમાન ઉનાળામાં 32° સે.થી 49° સે. સુધી હોય છે. જ્યારે શિયાળામાં 16° સે.થી નીચે જતું નથી. અહીં વાર્ષિક સરેરાશ 13 સેન્ટિમીટર (5 ઇંચ) વરસાદ પડે છે.

ખનિજતેલ માટે સમુદ્રમાં થતું શારકામ

આ રાજ્યના અર્થતંત્રનો મુખ્ય આધાર ક્રૂડ તેલનાં ઉત્પાદન અને નિકાસ પર છે. અબુ ધાબીમાં 1958માં ખનિજતેલ શોધાયું અને 1962માં એની નિકાસ શરૂ થઈ. 1966માં દુબઈમાં તેલનો મોટો જથ્થો શોધાયો. અશ શરીકાહે 1974માં તેલનું ઉત્પાદન શરૂ કર્યું. તેલ-ઉત્પાદનની અઢળક આવકથી અબુ ધાબી, દુબઈ અને અશ શરીકાહનો આધુનિક વિકાસ થવા માંડ્યો. અશ શરીકાહમાંથી કુદરતી ગૅસનો જથ્થો મળ્યો. 1980 પછીનાં વર્ષોમાં ખનિજતેલના ભાવમાં વિશ્વવ્યાપી ઘટાડાને કારણે યુનાઇટેડ આરબ અમીરાતની આવકમાં થોડો ઘટાડો થયો, પરંતુ એની સમૃદ્ધિમાં કંઈ ફરક પડ્યો ન હતો. યુનાઇટેડ આરબ અમીરાત જે વસ્તુઓની આયાત કરે છે એમાં બાંધકામનાં સાધનો, કાપડ, અનાજ, ખાદ્ય વાનગીઓ, ઘરવપરાશની વસ્તુઓ, યંત્રો વગેરેનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ નિકાસ કરનાર દેશોના મંડળ(OPEC – organisation of the petroleum exporting countries)નું એ સભ્ય છે.

આ સમવાયતંત્રનું દરેક રાજ્ય ‘અમીરાત’ કહેવાય છે અને ‘અમીર’ નામનો ઉપરી એના પર રાજ્ય કરે છે. દરેક અમીર પોતાના રાજ્યમાં આંતરિક વહીવટ કરવાની સત્તા ધરાવે છે, જ્યારે સંરક્ષણ અને વિદેશનીતિનાં ખાતાંઓ સમવાય સરકાર સંભાળે છે. સમવાય સરકારની સુપ્રીમ કાઉન્સિલ સાત અમીરોની બનેલી છે, જે પ્રમુખ અને વડાપ્રધાનની નિમણૂક કરે છે. વડાપ્રધાનને વહીવટમાં મદદ કરવા કેટલાક સભ્યોનું પ્રધાનમંડળ હોય છે. દરેક અમીર ફેડરલ નૅશનલ કાઉન્સિલમાં પોતાના રાજ્યના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે.

ક્રૂડ તેલ અને કુદરતી ગૅસના ઉત્પાદનને લીધે યુનાઇટેડ આરબ અમીરાત આધુનિક રાષ્ટ્ર બન્યું છે. શહેરી વિસ્તારના લોકો આધુનિક સગવડવાળાં મકાનોમાં રહે છે અને પશ્ચિમી ઢબનો પોશાક પહેરે છે. જ્યારે રણપ્રદેશ અને ગ્રામવિસ્તારના લોકો જૂનાં ઝૂપડાંઓમાં રહે છે અને પરંપરાગત પોશાક પહેરે છે. વર્તમાનમાં મહત્વનાં અને સમૃદ્ધ આરબ રાષ્ટ્રોમાં યુનાઇટેડ આરબ અમીરાતની ગણતરી થાય છે. ગુજરાતીઓ પણ નોંધપાત્ર પ્રમાણમાં ત્યાં વસવાટ અને વ્યવસાય કરે છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી