યુંગ, કાર્લ, ગુસ્તાવ (જ. 26 જુલાઈ 1875, કેસવિલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 6 જૂન 1961, ક્યુસનાક્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ મનોવૈજ્ઞાનિક, મનશ્ચિકિત્સક અને વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનના સ્થાપક. પ્રસિદ્ધ મનશ્ચિકિત્સક સિંગમંડ ફ્રૉઇડના શિષ્ય અને સાથી.
તેમના પિતા વ્યવસાયે પાદરી હોવા ઉપરાંત એક અચ્છા ભાષાવિજ્ઞાની પણ હતા. વિશિષ્ટ પરિસ્થિતિને લીધે કાર્લનું બાળપણ એકલતામાં વીત્યું. તેથી તેમની કલ્પનાશક્તિ ખીલી ઊઠી. બાળપણથી તેઓ પોતાના વડીલોના વર્તનનું નિરીક્ષણ કરી તેને સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેમણે પ્રારંભિક શિક્ષણ બર્સેલમાં મેળવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તેમણે તત્વજ્ઞાન વિશે વિસ્તૃત વાચન કર્યું. કાર્લનાં માતા અને પિતા બંનેના પક્ષે ઘણાં કુટુંબીઓ પાદરી હોવાથી કાર્લ પણ મોટો થઈ પાદરી બનશે એમ લોકો ધારતા હતા; પણ તેમણે ચિકિત્સક બનવાનું પસંદ કર્યું અને બેઝલ અને ઝૂરિક યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ સન 1895થી 1900 સુધી તબીબી વિજ્ઞાન અને મનશ્ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
યુંગે સન 1900થી 1908 દરમિયાન બર્ગોલ્ઝલી હૉસ્પિટલમાં બ્લ્યૂલરના માર્ગદર્શન નીચે માનસિક રોગો અંગેનાં સંશોધનોમાં ભાગ લીધો અને ત્યાં મનોવિકૃતિઓના નિદાન માટે શબ્દસાહચર્યની કસોટીનો સફળ ઉપયોગ કર્યો. યુંગની આ અને બીજી કેટલીક શોધો ફ્રૉઇડના મનોવિશ્લેષણ-સિદ્ધાંતને સમર્થક બની. તેથી તેઓ 1907થી 1912 દરમિયાન ફ્રૉઇડના ગાઢ સંપર્કમાં રહ્યા. તેમણે સહકાર્યકર તરીકે ફ્રૉઇડની મનોવિશ્લેષણની ચળવળમાં ઉચ્ચ સ્થાન શોભાવ્યાં અને સન 1911માં મનોવિશ્લેષણના આંતરરાષ્ટ્રીય મંડળના પહેલા પ્રમુખ બન્યા. તેમને ફ્રૉઇડના સૌથી વધારે સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા.
પણ ફ્રૉઇડે સૌમ્ય મનોવિકૃતિના ઉદભવમાં જાતીય પ્રેરણા પર મૂકેલા આત્યંતિક ભાર સાથે યુંગ અસંમત થયા અને 1914માં તેમણે મનોવિશ્લેષણના એ મંડળમાંથી રાજીનામું આપ્યું.
1921થી 1930 સુધીમાં તેમણે ઉત્તર અને પૂર્વ આફ્રિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશો, યુ.એસ. તેમજ ભારતના પ્રવાસો કરી જગતની જુદી જુદી સંસ્કૃતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. તેમાંથી ત્યાંનાં વિચારો, માન્યતાઓ, લોકકથાઓ, પૌરાણિક કથાઓ અને એમાં વપરાતાં પ્રતીકો અને કલ્પનાસૃષ્ટિનું વિશ્લેષણ કર્યું. તેના આધારે યુંગે વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન વિકસાવ્યું.
તેઓ 1933થી 1941 દરમિયાન ઝૂરિકની ફેડરલ પૉલિટેક્નિકલ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના અને 1942–43 દરમિયાન બેઝલ યુનિવર્સિટીમાં તબીબી મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક રહ્યા.
યુંગનાં મૌલિક પ્રદાનો આ પ્રમાણે ગણાવી શકાય :
(1) શબ્દસાહચર્ય વડે મનોવિકૃતિનાં કારણોના નિદાનની પદ્ધતિ.
(2) વ્યક્તિત્વના અંતર્મુખી અને બહિર્મુખી પ્રકારો.
(3) મનનાં ચાર કાર્યોનું વર્ગીકરણ : વિચાર, લાગણી, સંવેદન અને અંત:સ્ફુરણા.
(4) સામૂહિક અચેતનનું વિશ્લેષણ અને તેની સાથે સંલગ્ન આદ્યસંસ્કારો(archetypes)નો ખ્યાલ.
(5) આવેગાત્મક ભાવગ્રંથિઓ(emotional complexes)નો ખ્યાલ
(6) વહેમો, પુરાણકથાઓ અને રહસ્યમય ઘટનાઓનો અભ્યાસ.
(7) મનોવિજ્ઞાન અને ધર્મના સંબંધોનું વિશ્લેષણ.
(8) મધ્યવય અને વૃદ્ધાવસ્થામાં થતા માનસિક રોગોના મનોપચાર માટેની આગવી પદ્ધતિનો નિર્દેશ.
યુંગનાં જાણીતાં પુસ્તકોમાં ‘સાઇકૉલૉજી ઑવ્ ધી અનકૉન્શિયસ માઇન્ડ’ (1916), ‘કલેક્ટેડ પેપર્સ ઑન ઍનેલિટિકલ સાઇકૉલૉજી’ (1920), ‘સાઇકોલૉજિકલ ટાઇપ્સ’ (1923), ‘કૉન્ટ્રિબ્યૂશન્સ ટુ ઍનેલિટિકલ સાઇકૉલૉજી’ (1928), ‘મૉડર્ન મૅન ઇન સર્ચ ઑવ્ અ સોલ’ (1933), ‘એસેઝ ઑન કરન્ટ ઇવેન્ટ્સ’ (1946) અને ‘મેમરિઝ, ડ્રીમ્સ ઍન્ડ રિફલેક્શન્સ’(મૃત્યુ પછી પ્રકાશિત આત્મકથા) (1962)નો સમાવેશ થાય છે.
યુંગે પોતાના કાર્ય દ્વારા માત્ર મનશ્ચિકિત્સા ઉપર જ નહિ, પણ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, સાહિત્ય, તત્વજ્ઞાન તેમજ ધર્મશાસ્ત્ર ઉપર પ્રભાવ પાડ્યો છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે