યાંગત્સે નદી : ચીનમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 26° 57´ ઉ. અ. અને 118° 23´ પૂ. રે.. દુનિયામાં ત્રીજા ક્રમે આવતી લાંબામાં લાંબી નદી. ચીની લોકો તેને ચાંગ જિયાંગ કે લાંબી નદીના નામથી ઓળખે છે. સમુદ્રસપાટીથી આશરે 4,880 મીટરની ઊંચાઈએ પશ્ચિમ ચીનમાં આવેલા કિંઘાઈ પ્રાંતના તાંગુલા પર્વતોમાંથી તે નીકળે છે. આ નદી મૂળથી મુખ સુધી વારાફરતી ઈશાન તરફ અને અગ્નિ તરફના એક પછી એક વળાંકો લેતી જઈને પૂર્વ ચીનને કાંઠે શાંગહાઈ નજીક પૂર્વ ચીની સમુદ્રને મળે છે. તેની કુલ લંબાઈ આશરે 6,300 કિમી. જેટલી થાય છે. સહાયક નદીઓ સહિતનો તેનો કુલ સ્રાવ-વિસ્તાર 18,29,000 ચોકિમી. જેટલો થાય છે. જ્યાંથી તે નીકળે છે ત્યાંથી તેના મોટાભાગની લંબાઈના વહનપથમાં તે ઝડપી વેગથી વહે છે. આ કારણે આ નદીએ યિઝાંગથી તેના ઉપરવાસમાં કોતરો બનાવ્યાં છે. આ કોતરો અને શાખાનદીઓએ આ પ્રદેશને સુંદર કુદરતી ર્દશ્યોની ભેટ આપી છે. યિઝાંગથી ઉપરવાસનો નદીવિભાગ વિશાળ જળવિદ્યુત-મથકોનું નિર્માણ કરવા માટે દુનિયાભરમાં કદાચ નમૂનેદાર સ્થળનું ઉદાહરણ પૂરું પાડે છે. કોઈ કોઈ જગાએ 1,600 મીટરથી વધુ ઊંચાઈવાળા પર્વતો પણ આ નદીકાંઠે આવેલા છે.

મહાસાગર મારફતે થતો ચીનનો 50 % જેટલો વેપાર યાંગત્સે અને તેની શાખાનદીઓ દ્વારા થાય છે. મહાસાગરીય જહાજોની અવરજવર સમુદ્રકિનારાથી નદીના ઉપરવાસમાં 1,090 કિમી. અંતરે આવેલા વુહાન સુધી થઈ શકે છે. નાની નૌકાઓ તો ત્યાંથી પણ વધુ અંદર તરફ વધારાના 1,600 કિમી.ના અંતર સુધી જઈ શકે છે. લાખો ચીની લોકો આ નદીને કાંઠે રહે છે અને કામ માટે ‘જંક’ નામે ઓળખાતા તરાપા લઈને નીકળી પડે છે. ક્વચિત્ આવતાં પૂરથી કાંઠાવાસીઓને જાનમાલની અને ઘરબારની તારાજી પણ ભોગવવી પડે છે. નદીકિનારે આવેલાં ચીનનાં મુખ્ય શહેરોમાં શાંગહાઈ, નાનજિંગ, ઍકિંગ, યિઝાંગ, ચાંગકિંગ અને વુહાનનો સમાવેશ થાય છે.

જાહ્વવી ભટ્ટ