યમન : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો કલ્યાણ થાટનો પ્રચલિત રાગ. તે ‘યમન’, ‘ઇમન’, ‘કલ્યાણ’ એમ જુદા જુદા નામે ઓળખાય છે. તે એક સંપૂર્ણ રાગ છે, એટલે કે તેના આરોહ તથા અવરોહ બંનેમાં સાતે સ્વરોનો ઉપયોગ થાય છે. તેની વિસ્તારક્ષમતા ઘણી છે અને ત્રણેય સપ્તકમાં યથેચ્છ ગાઈ શકાય છે. આ રાગ રાત્રિના પ્રથમ પ્રહરમાં ગવાય છે. તેમાં મધ્યમ સ્વર તીવ્ર છે, જ્યારે બાકીના બધા સ્વરો શુદ્ધ સ્વરૂપે છે. રાગનો વાદી એટલે કે મુખ્ય સ્વર ગંધાર અને સંવાદી સ્વર નિષાદ છે.
રાગના આરોહ-અવરોહને નીચે મુજબ દર્શાવી શકાય :
ઉપર્યુક્ત રાગ ‘યમન’ કલ્યાણ થાટનો જન્યરાગ છે. કલ્યાણ થાટનો તે મુખ્ય રાગ તો છે જ, પરંતુ તેનાથી વિશેષ તેનો ઉપયોગ અનેક મિશ્રરાગોમાં થાય છે, જેમ કે પૂરિયા અને કલ્યાણ(યમન)ના મિશ્રણથી પૂરિયા કલ્યાણ રાગ બને છે, જૈત અને કલ્યાણના મિશ્રણથી જૈત કલ્યાણ રાગ બને છે.
કલ્યાણના મુખ્ય પ્રકારોમાં શ્યામ કલ્યાણ, શુદ્ધ કલ્યાણ અને ગોરખ કલ્યાણનો સમાવેશ થાય છે. કલ્યાણમાં જ્યારે શુદ્ધ મધ્યમનો પ્રયોગ ઉમેરાય છે ત્યારે તેને ‘યમન કલ્યાણ’ કહે છે. ‘યમન કલ્યાણ’ એ બે મધ્યમ ધરાવતો સ્વતંત્ર રાગ છે. તેમાં નિ રે ગ પ, પ ગ, ગ રે ગ, રે ગ ગ રે સા આ પ્રમાણે શુદ્ધ મધ્યમનો પ્રયોગ થાય છે. એ સિવાયનું તેનું સ્વરૂપ યમન જેવું જ રહે છે.
યમન સંગીતકારોનો માનીતો રાગ હોઈ ખૂબ પ્રચલિત છે. ગાયન-વાદનમાં, ફિલ્મી સંગીતમાં તેમજ ગઝલ, ભજન આમ વિવિધ પ્રકારમાં તેનો ઉપયોગ થતો રહ્યો છે.
નીના ઠાકોર