યંગ, સિમોન (જ. 1961, સિડની, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાની ગાયન-વાદનવૃંદ-સંચાલિકા. તેમણે સિડની સંગીતશાળામાં અભ્યાસ કર્યો. 1982માં ઑસ્ટ્રેલિયન ઑપેરામાં જોડાયાં. 1987માં તેમને કૉલોન સ્ટેટ ઑપેરા તરફથી રોકવામાં આવ્યાં, પ્રથમ ઑપેરા ગાયકવૃંદનાં કંઠ્યસંગીત-શિક્ષિકા તરીકે અને પછી મદદનીશ સંચાલિકા તરીકે. ત્યારબાદ તેઓ વિયેના વૉકસોપર, વિયેના સ્ટારસોપર અને પૅરિસ ઑપેરાનાં સૌપ્રથમ સંચાલિકા તરીકે સ્થાપિત થયાં.

1994માં તેમણે રૉયલ ઑપેરા હાઉસ, કૉવેન્ટ ગાર્ડન ખાતે અને 1996માં ‘મેટ્રોપૉલિટન ઑપેરા હાઉસ, ન્યૂયૉર્ક સિટી ખાતે પોતાના કાર્યક્રમોની રજૂઆત કરી. 2001માં તેઓ ‘ઑપેરા ઑસ્ટ્રેલિયા’ માટેનાં સંગીત-નિર્દેશિકા બન્યાં.

બળદેવભાઈ કનીજિયા