યંગ, શાલૉર્ટ (મેરી)

January, 2003

યંગ, શાલૉર્ટ (મેરી) (જ. 11 ઑગસ્ટ 1823, ઓત્તરબૉર્ન, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1901) : અંગ્રેજ મહિલા-નવલકથાકાર. તેમની નવલકથા ‘ધી એર ઑવ્ રેડક્લિફ’(1853)એ તેમને ભારે ખ્યાતિ અપાવી. તે અત્યંત ભાવનાસભર નવલકથા છે. તેમની એટલી જ જાણીતી બીજી નવલકથા છે : ‘હાર્ટ સીઝ’ (1854); ‘ધ ડેઇઝી ચેન’ (1856), ‘યંગ સ્ટેપ મધર’ (1861). આ નવલકથાઓ યુવાવર્ગ તેમજ વયોવૃદ્ધોમાં એકસરખી લોકપ્રિય છે.

તેમણે લગભગ 150 ગ્રંથો લખ્યા છે. તેમણે વિવિધ ઐતિહાસિક કૃતિઓ આપી છે. તેમાં ‘અ હિસ્ટરી ઑવ્ ક્રિશ્ચિયન નેમ્સ’ (1863) તથા ‘હાના મૉર’ પરનું વિવરણ ઉલ્લેખનીય છે. તેમની નવલકથાઓનો મુખ્ય સૂર ધાર્મિક વિધિઓ, ધર્માધિકારીઓની સત્તા, વિધિઓ અને સંસ્કારોના મહત્વને લગતો હોઈ તેઓ ઑક્સફર્ડ આંદોલન ફેલાવવામાં સહાયક બન્યાં. તેમણે બાલસાહિત્યના સર્જન ઉપરાંત ઘણી કૃતિઓનો અનુવાદ કર્યો છે. તેમણે છોકરીઓ માટેના માસિક ‘ધ મન્થલી પૅકેટ’નું સંપાદન કરેલું.

બળદેવભાઈ કનીજિયા