મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, ન્યૂયૉર્ક
March, 2002
મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, ન્યૂયૉર્ક : અદ્યતન કલાશૈલીનો સંગ્રહ અને પ્રદર્શન ધરાવતું વિશ્વનું એક જાણીતું મ્યુઝિયમ. તેમાં 1880થી આજ સુધીની અમેરિકા અને અન્ય દેશોની તમામ પ્રકારની મુખ્ય કલા વિશેની ગતિવિધિ દર્શાવતી 1,00,000થી વધુ વસ્તુઓનો સંગ્રહ છે.
આ સંગ્રહમાં ચિત્રો, શિલ્પો, આલેખનો, સ્થાપત્ય અને ડિઝાઇન, સુશોભનકલા, ઔદ્યોગિક ડિઝાઇન, હસ્તકલા, નકશીકામ અને સચિત્ર પુસ્તકોનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમ ખાતે દરરોજ તેની લાઇબ્રેરીમાંથી 8,000થી વધુ વાણિજ્યિક, દસ્તાવેજી, શૈક્ષણિક અને પ્રાયોગિક ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે. આ માધ્યમનો ઇતિહાસ દર્શાવતી ફોટોગ્રાફી-વિષયક વિસ્તૃત સજ્જતા તે ધરાવે છે.
આ મ્યુઝિયમમાં અદ્યતન કલાના અગ્રણી કલાકારોની કૃતિઓ, શૈલીઓ અને કલાપ્રવાહો અંગેનાં પ્રદર્શનો યોજવામાં આવે છે. તેમાંના ઘણા કાર્યક્રમો સમગ્ર વિશ્વની અન્ય સંસ્થાઓમાં પણ યોજવામાં આવે છે. આ મ્યુઝિયમ ઘણાં પુસ્તકો અને સંપૂર્ણ અભ્યાસલક્ષી સૂચિઓ પ્રસિદ્ધ કરે છે. તેની લાઇબ્રેરીમાં 90,000થી વધુ પુસ્તકો, સામયિકો અને સૂચિઓ તેમજ સંદર્ભ તથા સંશોધન માટેની અખબારી કાપલીઓની ફાઈલ છે.
આ મ્યુઝિયમની સ્થાપના 1929માં કરવામાં આવી હતી. તે બિનનફાકીય ધોરણે સંચાલિત શૈક્ષણિક સંસ્થા છે. તેના સંચાલનની કામગીરી, પ્રવેશ ફી, સભ્ય ફી, ફાળાની રકમ અને પ્રકાશનોના વેચાણમાંથી અને અન્ય સલાહ-સેવાથી થતી આવક પર નિર્ભર છે.
બળદેવભાઈ કનીજિયા