મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, લંડન
March, 2002
મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, લંડન (યુ.કે.) (સ્થાપના 1881) : યુ.કે.નું નૅચરલ હિસ્ટરી અંગેનું રાષ્ટ્રીય મ્યુઝિયમ. તે જીવવિદ્યા (bio-sciences) અને જીવવૈવિધ્ય(bio–diversities)નું વૈજ્ઞાનિક અધિકૃતતા દર્શાવતું સંશોધન-કેન્દ્ર છે. 1753માં તે બ્રિટિશ મ્યુઝિયમનો અંતર્ગત ભાગ હતું. પરંતુ ઓગણીસમી સદીના મધ્યમાં નૅચરલ હિસ્ટરી અંગેના સંગ્રહોમાં વધારો થતાં ભેજ અને સ્થળસંકોચને કારણે તે સંગ્રહો બ્લુમ્સબરીથી આલ્ફ્રેડ વૉટરહાઉસે તૈયાર કરેલ સાઉથ કેન્સિંગ્ટન ખાતેના હાલના વિશાળ મકાનમાં ખસેડવામાં આવ્યા (1881–1885). 1963માં મ્યુઝિયમ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યું. તેનો ઉદ્દેશ આ વિશાળ સંગ્રહાલયની જાળવણી ઉપરાંત વિકાસ સાધવાનો હતો. વિશાળ પ્રાકૃતિક જગત વિશે તેના સંશોધન તથા તે વિશે સૂઝ-સમજ અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવાનો પણ હેતુ રહેલો છે.
બહુધા જીવવિદ્યા અને ભૂસ્તરશાસ્ત્ર-વિષયક સંશોધનને તેમાં અગ્રતા અપાય છે; તેની પ્રદર્શન-ગૅલરીઓમાં પ્રદર્શિત સામગ્રી શૈક્ષણિક કેન્દ્રની ગરજ સારે છે.
તેમાં ઉલ્કાઓ, પૃથ્વીના પોપડા, લુપ્ત પશુઓનાં અસ્થિપિંજરો તથા વનસ્પતિને લગતા લગભગ 1,80,000 જેટલા નમૂનાઓ ઉપરાંત પ્રાચીન લિપિવિદ્યાના નમૂનાઓ પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત પ્રાણીશાસ્ત્ર, કીટકવિજ્ઞાન, પરિસ્થિતિવિજ્ઞાન, માનવજીવવિદ્યા, આહારવૈવિધ્ય જેવા મહત્વના વિભાગોમાં સંખ્યાબંધ નમૂનાઓનો સંગ્રહ છે. આ દરેક વિભાગમાં પોતાપોતાનું પુસ્તકાલય છે, તેમાં ગ્રંથો, સામયિકો અને મૂળ હસ્તપ્રતોનો ભંડાર જોવા મળે છે.
આ હસ્તપ્રતોમાં ગ્રીક બાઇબલની હસ્તપ્રતો તથા આઠમી સદીના કેટલાક પ્રાચીન ગ્રંથોની હસ્તપ્રતો અત્યંત મૂલ્યવાન છે. આ મ્યુઝિયમમાં સૌથી પ્રખ્યાત પ્રાચીન અવશેષોમાં ગ્રીક સંગ્રહમાંના ઍલ્જિન માર્બલ્સ તથા રઝેટાસ્ટૉન નોંધપાત્ર છે.
1975માં મ્યુઝિયમની શિક્ષણ અને પ્રદર્શનને લગતી પ્રવૃત્તિઓને નવા જાહેર સેવા વિભાગ સાથે જોડી દેવામાં આવી. પાછળથી મ્યુઝિયમે શારીરિક જૈવ-પ્રક્રિયા અને પ્રાણીવર્ગ વચ્ચેના સંબંધો અંગે નવી શૈક્ષણિક સામગ્રી વિકસાવી છે. આમ, આ મ્યુઝિયમની સામગ્રી, વિભાગ-આયોજન તથા અભિગમમાં મનુષ્યજાતિનો અદભુત અને અજોડ વારસો જળવાઈ રહ્યો છે.
બળદેવભાઈ કનીજિયા