મ્યાનમાર(બર્મા)ની કલા : મ્યાનમાર દેશની કલા. આ કલા ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પ્રભાવિત છે. મ્યાનમારના પુષ્કળ વરસાદવાળા વિસ્તારોમાં સદીઓ સુધી લોકો પથ્થર, ઈંટ કે કાંસાને બદલે ભીની માટી વડે મૂર્તિકામ કરતા હતા. અહીંની બ્રહ્મી પ્રજા પ્રારંભે નાટપૂજક હતી. નાટમાં વૃક્ષદેવતા, નદીઓ, નાગ, પૂર્વજો તથા અપમૃત્યુ પામેલા જીવના પ્રેતનો પણ સમાવેશ થતો હતો. અહીં હિંદુ દેવતાઓની પ્રતિમાઓ ખરી, પણ વિશેષ તો બૌદ્ધ મંદિરો અને પ્રતિમાઓ જોવા મળે છે.
ઐતિહાસિક આધાર પ્રમાણે રાજા અનવ્રહ્મે (સંસ્કૃત ‘અનિરુદ્ધ’) મ્યાનમારની રાજધાની કબજે કરી સાધુઓ અને કારીગરોને વસાવ્યા હતા. ઉત્તર મ્યાનમારમાં આ રાજાના શાસન પૂર્વે એક જમાનામાં કલાપ્રવૃત્તિની ભવ્યતા હશે એવો પ્રાપ્ત શિલાલેખો પરથી અંદાજ મળી રહે છે. શ્રીક્ષેત્રમાંથી મળી આવેલી બારમી સદીની કલાકૃતિઓ વૈવિધ્યપૂર્ણ છે, તેમાં વિષ્ણુ અને બોધિસત્વની પ્રતિમાઓ પણ છે. પગાન વિસ્તારમાં શિલ્પ કરતાં સ્થાપત્ય વિશેષ છે. તેમાં નાટમંદિરની અને બૌદ્ધ ગ્રંથાગારની ઇમારતો નોંધપાત્ર છે.
અહીંનાં બૌદ્ધ મંદિરોમાં પરંપરાગત ભારતીય શૈલીના સ્તૂપ જોવા મળે છે. પણ છેક ઉપર સાંકડા થતા જતા અણિયાળા ઘુમ્મટની યોજના વિશિષ્ટ છે. બારમી સદી પછી અહીં સ્તૂપની આગવી પરંપરા ઊભી થઈ; સ્તૂપ અલંકારપ્રચુર બનવા માંડ્યા અને ચારેય બાજુ બૌદ્ધ પ્રતિમાઓ મુકાતી થઈ. સ્તૂપની અણિયાળી ટોચને સ્થાને ક્રમશ: નાના થતા જતા વર્તુળાકાર થર મુકાતા ગયા. સ્તૂપ પર સુશોભનાત્મક આકૃતિઓનું વધતું જતું પ્રમાણ પણ ભારતીય પ્રભાવ સૂચવે છે.
બારમી સદીમાં બંધાયેલાં બીજાં મંદિરોમાં ગોળાકાર થરને બદલે ક્રમશ: નાના થતા જતા ચોરસ આકારો જોવા મળે છે. આનંદમંદિર આ શૈલીનું છે. અહીં 3 થરવાળો ચોરસ પગથાર (plinth) છે. સૌથી નીચેના ચોરસમાં પ્રદક્ષિણાપથ છે. ચૂનાકામ વડે તેમાં પૂરેપૂરી સફેદી ઉપસાવાઈ છે. વચ્ચે વચ્ચે ઓસરીઓ છે અને ક્રમશ: નાનાં થતાં જતાં ઢળતાં આવરણ (છાદનપટ્ટ) છે, વચ્ચેનો ઊંચો કળશ ભારતીય મંદિરોની યાદ અપાવે છે.
દક્ષિણ મ્યાનમારનાં પેગુ, માંડલે ઇત્યાદિ નગરોમાં ચીની પ્રભાવ હેઠળ બંધાયેલા વિશાળ પેગોડા છે. રંગૂનનું ‘શ્વે ડ્રૅગોન’ નામનું પેગોડા આંજી નાખે એવા કલાવૈભવથી શોભે છે. ચીની પ્રભાવ ઝીલતા કાષ્ઠસ્તંભો પર પુષ્કળ કોતરણી છે. મ્યાનમારના કલાકારો બુદ્ધની પ્રતિમાને સોનેરી કે પીળા રંગમાં ઢાળે છે. તેમાં દેહાકૃતિઓ કરતાં આધ્યાત્મિક છબિ ઉપસાવવાનો હેતુ વિશેષ જણાય છે. પગાન વિસ્તારનાં કેટલાંક મંદિરોમાં અર્ધમૂર્ત શિલ્પો અને ક્યાંક ભીંતચિત્રો પણ જોવા મળે છે. મ્યાનમારમાં હસ્તપ્રતો સાચવવા માટે વપરાતી મોટા કદની કાષ્ઠમંજૂષાઓ પર કોતરણી ઉપરાંત અર્ધમૂર્ત શિલ્પાકૃતિઓ અને કથાનકો પણ કોતરેલાં જોવા મળ્યાં છે.
અમિતાભ મડિયા