મૌક્તિક-સંરચના (perlitic structure) : કેટલાક અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી પ્રભંગ સમકક્ષ સંરચના. ખડકોની તૂટેલી સપાટી પરના પ્રભંગને સંરચના તરીકે ઘટાવવામાં આવે છે. કુદરતી કાચ જેવા કેટલાક જ્વાળામુખી ખડકોના ખડકછેદ અર્ધગોળાકાર કમાન જેવી રેખાઓ સ્પષ્ટપણે બતાવતા હોય છે. (જુઓ આકૃતિ).

આકૃતિ

ક્યારેક તો તે એટલી સ્પષ્ટ રીતે વિકસેલી હોય છે કે ખડકોના હસ્ત-નમૂનાઓમાં ડુંગળીનાં પડની જેમ નાના નાના ગોળ ગઠ્ઠાઓના સમૂહોમાં ગોઠવાયેલા નજરે પડે છે. આ સમૂહો મોતીની જેમ કાચના નાનકડા ગોલકો જેવા દેખાય છે. આ કારણે જ ‘મૌક્તિક-સંરચના’ શબ્દ ઉપયોગમાં લેવાય છે. આ ખડકો તેમની ઉત્પત્તિ દરમિયાન જ્યારે ઠરતા હોય છે ત્યારે કાચ-દ્રવ્ય સંકોચાઈને ગોલક સ્વરૂપે બંધાય છે અને તેથી તેમનો પ્રભંગ કમાનાકાર દૃશ્ય રજૂ કરતો હોય છે. ઘસેલી ખરબચડી બનેલી કાચની સપાટી પર જો કૅનેડા બાલ્સમને ગરમ કરીને ત્વરિત ઠંડું પાડી દેવામાં આવે તો પ્રાયોગિક ધોરણે આ દૃશ્ય ઉત્પન્ન કરી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા