મોહોલ યોજના (Mohole Project) : મોહોરવિસિક સાતત્યભંગ-તલસપાટીથી નીચે તરફ અમુક ઊંડાઈ સુધી ભૂમધ્યાવરણના અભ્યાસાર્થે હાથ ધરાયેલી યોજના. પૃથ્વીના એક ગ્રહ તરીકેના તેના વિવિધ ભાગોના જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી અભ્યાસ કરવાના બહોળા વિશિષ્ટ સંશોધનાત્મક હેતુથી અમેરિકી રાષ્ટ્રીય વૈજ્ઞાનિક અકાદમી અને રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હાથ પર લેવાયેલી યોજના મોહોલ યોજના તરીકે જાણીતી બનેલી છે. આ યોજના હેઠળ હવાઈ ટાપુ નજીક મહાસાગરજળ નીચેના 4,572 મીટરે રહેલા તળથી કુલ 9,753.6 મીટરની ઊંડાઈ સુધીનું 5,181.6 મીટરનું શારકામ કરીને ત્યાંના પોપડા અને ભૂમધ્યાવરણના વિભાગમાં આવી શકતાં બધાં ખડકપડોના નમૂના ભેગા કરવામાં આવેલા. આ હેતુસિદ્ધિ માટે જરૂરી સાધનસામગ્રી. તેમજ યાંત્રિક સામગ્રીની સુવિધાઓ તૈયાર કરવામાં આવેલી; જે પૈકીની કેટલીક તો છેક છેલ્લે છેલ્લે 1966માં કૉંગ્રેસ દ્વારા પૂરી પાડવામાં આવેલી.
આ યોજના બે તબક્કાઓમાં પૂરી કરવાનું ગોઠવવામાં આવેલું. પ્રથમ તબક્કો : આ હેતુ પાર પાડવા માટે અમેરિકી વૈજ્ઞાનિકોએ મોહોથી નીચેના, પણ ભૂમધ્યાવરણની ઉપલી સરહદના શારકામ માટે 1957થી તૈયારી કરી હતી. ઉપર દર્શિત બંને સંસ્થાઓના ઉપક્રમે અભ્યાસ-સંશોધન માટેની બધી જ પૂર્વતૈયારીઓ કરી લીધા બાદ 1961માં પ્રથમ તબક્કાનો પ્રારંભ કરવામાં આવેલો. કૅલિફૉર્નિયાના કિનારાથી દૂર પાણી પર તરતા રહેતા અને હેરવી-ફેરવી શકાય એવા જહાજ દ્વારા પાણીની નીચે પોપડાની ઊંડાઈમાં આશરે 3,657.6 મીટર સુધીનું શારકામ થયેલું. દૂરતટીય ખનિજતેલ માટેની સાધનસામગ્રીનો અને યાંત્રિક તકનીકોનો પણ ઉપયોગ કરેલો. આ પ્રથમ તબક્કામાં પોપડાની નીચે ભૂમધ્યાવરણમાં પૃથ્વીનો 85 % ભાગ રહેલો જાણવા મળ્યો. ભૂમધ્યાવરણના અભ્યાસ દ્વારા ત્યાં કાર્યરત બળો, તેમનું રાસાયણિક બંધારણ, તેમનું વય, તેમની ઉત્પત્તિ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો પ્રયાસ થયેલો. આ રીતે શારકામ દ્વારા કાળજીપૂર્વક વિવિધ નમૂના મેળવેલા અને પ્રથમ તબક્કાનું સમગ્ર કાર્ય સફળતાપૂર્વક પૂરું કરવામાં આવેલું.
દ્વિતીય તબક્કો : બીજો તબક્કો 1962ના માર્ચથી શરૂ થયેલો. 1962થી 1965 સુધી જરૂરી ઊંડાઈ સુધીનું શારકામ કરીને વિસ્તૃત સંશોધનાત્મક કસોટીઓ સંનિષ્ઠ વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ દ્વારા જટિલ સમસ્યાઓના શક્ય ઉકેલ મેળવવાના હેતુથી હાથ પર લેવામાં આવેલી. આ માટે નૌકાસ્થાપત્ય અને દરિયાઈ ઇજનેરી કૌશલ્યની સહાયથી દરિયામાં એક સ્થાનેથી બીજે સ્થાને ખેસવી શકાય એવી વ્યવસ્થાવાળું સ્થાયી પ્લૅટફૉર્મ પણ ઊભું કરવામાં આવેલું, જેની નીચે શારકામ માટેની નળી જોડવામાં આવી હતી; જેથી ઓછામાં ઓછી ગતિ કે વિક્ષેપ વિના તે કાર્યરત બની રહે. પરંતુ સંજોગોવશાત્ આ યોજનાનું લક્ષ્યાંક પરિપૂર્ણ થઈ શક્યું નહિ. આ આખીય વ્યાસપીઠ તેની સાથેના સમગ્ર જટિલ માળખા સહિત જાળવી રખાઈ છે; જેથી જ્યારે પણ જે કામ માટે જરૂર પડે તે માટે તેને ઉપયોગમાં લેવી હોય તો લઈ શકાય.

હવાઈ ટાપુઓ પાસે પસંદ કરાયેલાં પૃથ્વીના ગર્ભમાં યોજનાબદ્ધ શારકાર્ય માટેનાં સ્થળો
ગિરીશભાઈ પંડ્યા