મોહોરવિસિક સાતત્યભંગ (મોહો)

March, 2002

મોહોરવિસિક સાતત્યભંગ (મોહો) : પોપડા અને ભૂમધ્યાવરણને જોડતી તલસપાટી. ભૂકંપશાસ્ત્રીઓએ પૃથ્વીના પેટાળના બંધારણમાં રહેલા જુદા જુદા ગુણધર્મોવાળા ખડકવિભાગો(પોપડો, ભૂમધ્યાવરણ અને ભૂકેન્દ્રીય વિભાગો)ને અલગ પાડતી, સ્પષ્ટ લાક્ષણિકતા ધરાવતી બે મુખ્ય તલસપાટીઓ ‘સીમા’ – boundary –તરીકે શોધી આપી છે. ઉપર તરફની સીમાને મોહોરવિસિક સાતત્યભંગ (કે માત્ર મોહો) તરીકે ઓળખાવી છે. તે પોપડાને ભૂમધ્યાવરણથી અલગ પાડે છે, તેની ઊંડાઈ સરેરાશ 35 કિમી.ની મુકાઈ છે. બીજી સીમા 2,900 કિમી.ની ઊંડાઈએ રહેલી છે, તે ભૂમધ્યાવરણને ભૂકેન્દ્રીય વિભાગથી અલગ પાડે છે. તેને ગુટેનબર્ગ સાતત્યભંગ કહે છે. નીચેની સારણી સાતત્યભંગની તદ્દન નજીકના સરેરાશ સંજોગોનો (ખાસ કરીને P અને S ભૂકંપીય તરંગોની ગતિમાં ફેરફારો લાવવાનો) ખ્યાલ આપે છે. આ ફેરફારો ખડકબંધારણમાં થતા ફેરફારોને કારણે કે ઘનપ્રવાહીમય ભૌતિક સ્થિતિને કારણે અથવા ખડક-ઘટકોના અણુઓના સંકલનમાં રહેલા ફેરફારોને કારણે હોઈ શકે છે.

સાતત્યભંગોનાં નામ તેમના સંશોધકો મોહોરવિસિક એન્ડ્રિજા અને ગુટેનબર્ગ પરથી પાડેલાં છે. આ સાતત્યભંગ પૃથ્વીના સળંગ પેટાળ ભાગમાં રહેલો હોવાનું જણાયું છે. મહાસાગર-તળ પર તેની ઊંડાઈ 10થી 12 કિમી. જેટલી, જ્યારે ભૂપૃષ્ઠની નીચે 33થી 35 કિમી. જેટલી રહે છે. પર્વત-પ્રદેશોની નીચે તેની ઊંડાઈ વધે છે અને ભૂમિના નીચાણવાળા વિભાગો તથા મેદાનો નીચે તે છીછરી હોય છે. સમુદ્ર-કિનારાઓ પાસે આવતાં તેનો ઢોળાવ ઉપર તરફ જાય છે. ટાપુઓ અને દ્વીપચાપો નીચે પણ મોહો નિમ્નવળાંકો દર્શાવે છે. આ સાતત્યભંગને ભૂકંપીય સાતત્યભંગ પણ કહે છે. અહીંથી નીચે તરફ જતા ભૂકંપીય તરંગોની ગતિ પ્રતિ સેકંડે 8 કિમી. જેટલી થઈ જાય છે. પૃથ્વીમાં અન્ય ગૌણ સાતત્યભંગો પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આ બે સાતત્યભંગોની અપેક્ષાએ તેમનું કોઈ ખાસ મહત્વ ગણાતું નથી.

સારણી 1

વિગત કિમી./સેકંડ કિમી./સેકંડ
P તરંગોની ગતિ 6.5 16.6
S તરંગોની ગતિ 3.74 7.4
ઘનતા 2.95 5.7
                           ઉપર ↑
સાતત્યભંગ મોહોરવિસિક ગુટેનબર્ગ
                           નીચે ↓
P તરંગોની ગતિ 3.76 8.1
S તરંગોની ગતિ 4.36 પસાર થતાં નથી
ઘનતા 3.3 –3.5 9.5

સારણી 2 : મોહોની ઊંડાઈ

સ્થાન ભૂકંપીય ગતિ કિમી./સેકંડ મોહોની ઊંડાઈ કિમી.
યુ.એસ. પૂર્વ કિનારો 8.10 33
ન્યૂયૉર્ક-પેન્સિલવેનિયા 8.15 35
મધ્ય ઍપેલેશિયન 8.03 40
કૅનેડા 8.10 36
વિસ્કૉન્સિન 8.10 40
દ. કૅલિફૉર્નિયા ખીણપ્રદેશ 8.10 32
દ. આફ્રિકા 8.20 36
આટલાન્ટિક તળ 8.10 10
પૅસિફિક થાળું 8.20 11

મોહોરવિસિક સાતત્યભંગ : (અ) મહાસાગર-થાળાં નીચે આશરે 10–12 કિમી.ની ઊંડાઈએ; (બ) અધોખંડીય ઊંડાઈ 33–35 કિમી.

ગિરીશભાઈ પંડ્યા