મોસલી, હેન્રી વીન જેફ્રીસ (Moseley Henry Gwyn Jeffreys) (જ. 23 નવેમ્બર 1887, વેમાઉથ, ઇંગ્લૅન્ડ; અ. 10 ઑગસ્ટ 1915, ગૅલીપૉલી, તુર્કસ્તાન) : પરમાણુક્રમાંક અને રાસાયણિક તત્વના નાભિકીય વીજભારની તદ્રૂપતા (identity) દર્શાવનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી. વૈજ્ઞાનિકોના કુટુંબમાં જન્મેલા મોસલી 1910માં ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાંથી ભૌતિકવિજ્ઞાનમાં ગ્રૅજ્યુએટ થયા પછી તરત જ યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટરમાં રૂથરફૉર્ડની લૅબોરેટરીમાં અધ્યાપક તરીકે જોડાયા પણ 1913માં ફરી ઑક્સફર્ડમાં સંશોધન કરવા માટે પાછા ફર્યા. 1914માં ઑસ્ટ્રેલિયાની સફરે ગયા અને પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં ‘રૉયલ એન્જિનિયર્સ’માં 13 જૂન, 1915ના રોજ જોડાયા અને ગૅલીપૉલીની લડાઈમાં ભાગ લીધો. આ યુદ્ધ દરમિયાન, સુવ્લા અખાતની લડાઈ દરમિયાન તુર્કી સ્નાઇપર (sniper) દ્વારા માથાની આરપાર ગોળી મારવામાં આવતાં 27 વર્ષની વયે તેમનું અવસાન થયું.
તેમનું શરૂઆતનું સંશોધન-કાર્ય રેડિયોધર્મિતા અને રેડિયમમાંથી ઉદભવતાં β-કિરણો અંગેનું હતું. પણ પછી તેઓ તત્વોના એક્સ-કિરણ વર્ણપટ તરફ વળ્યા. ડબ્લ્યૂ. એચ. બ્રૅગ તથા અન્ય સંશોધકોએ એક્સ-કિરણ નળીમાં લક્ષ્ય તરીકે જુદી જુદી ધાતુઓ વાપરીને વિશિષ્ટ પ્રકારનાં એક્સ-કિરણો ઉદભવતાં હોવાનું જણાવેલું. મોસલીએ આ લાક્ષણિક એક્સ-કિરણો પર મુખ્ય સંશોધન શરૂ કર્યું. યુનિવર્સિટી ઑવ્ ઝુરિખના ફૉન લૉએ દર્શાવેલું કે આવાં એક્સ-કિરણોની આવૃત્તિ સ્ફટિક વડે થતા વિવર્તન દ્વારા નક્કી કરી શકાય છે. ડબ્લ્યૂ. એલ. બ્રૅગે આ અંગે વધુ સંશોધનની આવશ્યકતા હોવાનું મોસલીને સૂચવ્યું. 1913માં મોસલીએ ઍલ્યુમિનિયમથી માંડીને સોના (gold) સુધીની જુદી જુદી 30 ધાતુઓે લક્ષ્ય તરીકે વાપરવાથી ઉદભવતાં એક્સ-કિરણોના માપન માટે પોટૅશિયમ હેક્ઝાસાયનોફેરેટ(II)ના સ્ફટિકનો ઉપયોગ કર્યો. તેમણે જોયું કે વર્ણપટમાં એક્સ-કિરણોની રેખાઓનું સ્થાન તત્વના આવર્તક કોષ્ટકમાંના સ્થાન પ્રમાણે નિયમિત રીતે બદલાય છે. તેમણે સૂચવ્યું કે રેખાઓનું આ ક્રમિક સ્થાનાંતર એવું સૂચવે છે કે તત્વના નાભિકીય (કેન્દ્રકીય) વીજભાર સાથે તેને સંબંધ છે. 1913માં પ્રકાશિત એક લેખમાં તેમણે દર્શાવ્યું કે કિરણોની આવૃત્તિઓ એ તત્ત્વોના પરમાણુક્રમાંક બરાબર હોય તેવી એક પૂર્ણાંક સંખ્યાના વર્ગ (square) વત્તા એક અચળાંકના અનુપાતમાં હોય છે. આ નિયમ મોસલીના નિયમ તરીકે ઓળખાય છે. આ રીતે પરમાણુ સંબંધી માહિતીમાં પ્રગતિ થઈ. તેમના કાર્યને લીધે આવર્તક કોષ્ટકમાં છ તત્વો ખૂટતાં હોવાનું અને આ તત્વોના સ્થાન ઉપરથી તેમના ગુણધર્મોનું પ્રાકકથન કરવાનું શક્ય બન્યું. પાછળથી આ તત્વો શોધી કાઢવામાં આવ્યાં. તેમણે એમ પણ તારણ કાઢેલું કે યુરેનિયમ સુધીમાં (યુરેનિયમ સહિત) ફક્ત 92 તત્વો છે અને તેમાં 14 વિરલ-પાર્થિવ તત્વો (rare earth elements) છે. આ વિરલ-પાર્થિવ તત્વોની ઓળખ સંબંધી ગૂંચવાડો પણ તેમણે દૂર કર્યો.
મોસલીનું સૌથી અગત્યનું પ્રદાન આવર્તક કોષ્ટકમાં તત્વના સ્થાન ઉપરથી જોવા મળતી તત્વની રાસાયણિક વર્તણૂકને પરમાણુની સંરચના સાથે સાંકળી લેવાનું હતું. રૂથરફૉર્ડે મોસલીને ‘જન્મજાત પ્રયોગવીર’ તરીકે ઓળખાવ્યા હતા કે જેમણે સૉડીના વર્ણવ્યા મુજબ ‘તત્વોની હાજરી પૂરી’. તેમના અકાળ અવસાનથી જગતે એક આશાસ્પદ પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી ગુમાવ્યા છે.
જ. પો. ત્રિવેદી