મોસમી શાહિન (Peregrine Falcon) : ભારતનું શિયાળુ યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Falco rusticolus. તેનો વર્ગ Falconiformes છે અને તેનો Falconidae કુળમાં સમાવેશ થાય છે. તેનું કદ કાગડા જેવડું, 38થી 46 સેમી. સુધીનું હોય છે.
તેનું માથું અને ઉપલું શરીર ઘેરા સ્લેટિયા રંગનાં હોય છે. તેમાં કાળી રેખાઓ હોય છે. ગાલ ઉપર કાળો મોટો ડાઘ હોય છે. પેટાળ આછું બદામી કે ધોળું હોય છે. તેમાં ખીચોખીચ કાળી આડી રેખાઓ હોય છે. તેની ચાંચ ભૂરી અને પગ પીળા અને નારંગી રંગના હોય છે. નર અને માદા સરખા રંગનાં હોય છે, પરંતુ કદમાં માદા મોટી અને ઉપલા ભાગે વધુ કાળી હોય છે.
તે મોટેભાગે તળાવો, મોટી નદીઓ. સરોવરો કે દરિયાકાંઠે વધુ જોવા મળે છે. તે ઊડે ત્યારે તેની લાંબી પાંખો અણીદાર દેખાય છે.
તેજ ગતિએ ઊડતાં પંખી એ જ તેનો ખોરાક છે. શિકારી પંખીઓમાં તેના જેટલી ઊડવાની ઝડપ કોઈની નથી. આકાશમાંથી ઉલ્કાપાત થાય તેમ આ શિકારી પંખી ખોરાકની શોધમાં નાનાંમોટાં ટોળાંમાં ઊડતાં પંખીઓ પર વીજળી વેગે હુમલો કરે છે અને તેમનો પીછો કરી એકાદ પંખી પર વેગથી ત્રાટકી પગની જોરદાર લાત મારે છે અને પાછલા નહોરે શિકારને હવામાં જ ખતમ કરી દે છે.
તેઓ પહાડોમાં માળા બનાવે છે. સામાન્ય રીતે તે 3થી 4 ઈંડાં મૂકે છે. તેને નર અને માદા બંને 28થી 29 દિવસ સુધી સેવે છે.
બળદેવભાઈ કનીજિયા