મોરુ, જેરાર્ડ (Mourou, Gerard)

February, 2024

મોરુ, જેરાર્ડ (Mourou, Gerard) (જ. 22 જૂન 1944, આલ્બર્ટવિલ, ફ્રાંસ) : ઊચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટેનો 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ ડૉના સ્ટ્રિક્લૅન્ડ તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો.

જેરાર્ડ મોરુ

જેરાર્ડ મોરુએ યુનિવર્સિટી ઑવ્ ગ્રેનોબલમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ત્યારપછી પૅરિસની પિયર ઍન્ડ મૅરી ક્યુરી યુનિવર્સિટીમાંથી 1973માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ અમેરિકા જઈને યુનિવર્સિટી ઑવ્ રોચેસ્ટરમાં પ્રાધ્યાપકનું સ્થાન મેળવ્યું, જ્યાં એમણે ડૉના સ્ટ્રિક્લૅન્ડ સાથે કરેલાં સંશોધનો માટે તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. તે પછી તેમણે યુનિવર્સિટી ઑવ્ મિશિગન, ઍન આર્બર તથા પૅરિસના એકોલે પૉલિટૅકનિકમાં સંશોધનો હાથ ધર્યાં.

લેસર પ્રકાશના તીક્ષ્ણ પુંજોએ આપણા વિશ્વ અંગેના જ્ઞાનને ઊંડાણ આપ્યું છે. 1985માં ડૉના સ્ટ્રિક્લૅન્ડ અને જેરાર્ડ મોરુએ સફળતાપૂર્વક અતિલઘુ તથા ઉચ્ચ-તીવ્રતા ધરાવતા લેસર સ્પન્દન ઉત્પન્ન કર્યાં, પ્રવર્ધક દ્રવ્યને હાનિ અથવા તેનો નાશ કર્યા વિના આ સફળતા પ્રાપ્ત કરી. પ્રથમ તેઓએ લેસર સ્પન્દનોની ઉચ્ચતમ શક્તિ ઓછી કરવા માટે લેસર સ્પન્દનોને સમયના પરિમાણમાં વિસ્તૃત કર્યાં, ત્યારબાદ તેમનું પ્રવર્ધન અને સંકોચન કર્યું. આ પ્રક્રિયા કરવાથી સ્પન્દનોની તીવ્રતા અત્યંત વધી જાય છે. આવાં લઘુ લેસર સ્પન્દનોના પ્રવર્ધનના ઘણા ઉપયોગો છે, જેમાં આંખની શસ્ત્રક્રિયાનો પણ સમાવેશ થાય છે.

2009માં જેરાર્ડ મોરુને ચાર્લ્સ ટાઉન પુરસ્કાર તથા 2016માં ફ્રૅડ્રિક આઈવ ચંદ્રક પ્રાપ્ત થયો. 2018માં અમેરિકન ફિઝિકલ સોસાયટી દ્વારા આર્થર શાઉલો ઇનામ આપવામાં આવ્યું.

પૂરવી ઝવેરી