મોર (Peacock) : અત્યંત સુંદર અને ધ્યાનાકર્ષક એવું એક વિહગ વર્ગની ગેલિફૉર્મિસ-શ્રેણીનું પ્રાણી. શાસ્ત્રીય નામ Pavo cristatus. તેની વરણી ભારતના રાષ્ટ્રીય પક્ષી (national bird) તરીકે થયેલી છે. આમ તો આ પક્ષી ગીધના કદનું હોય છે. અલબત્ત, તેની લાંબી પૂંછડીને કારણે મોર વિશાળ દેખાય છે. તેની કલાત્મક દેહભંગી અને સૌંદર્યને કારણે તેનાં કલાપી, નીલકંઠ, કલાધર જેવાં અન્ય નામો પણ છે. જૂના કાળમાં તેનું અસ્તિત્વ ભારત અને શ્રીલંકા પૂરતું મર્યાદિત હતું. ભારતના આક્રમણ દરમિયાન ઍલેક્ઝાન્ડર અને તેના સૈનિકો આ પક્ષીને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ ઈરાનમાર્ગે મોરની નિકાસ શરૂ થઈ. મોરનાં સ્વાદિષ્ટ માંસ અને સુંદર પીંછાંને કારણે દેશપરદેશમાં તેની ઘણી હિંસા થતી રહી; પરંતુ સમય જતાં યુરોપમાં મોર કરતાં ટર્કીના માંસથી લોકો વધુ લલચાયા અને તેથી મોરની જાતિ નામશેષ થતી બચી ગઈ. મોરની ત્રણ અન્ય જાતિઓમાં એક લીલા મોર(Pavo muticus)ની જાતિ છે. તે મ્યાનમાર, ઇન્ડોચાયના, મલેશિયા અને જાવામાં વસે છે; તે અરુણાચલમાં પણ જોવા મળે છે. તેની ગરદન લીલા રંગની હોય છે; જ્યારે કૉંગો મોર(Afro Pavo)ની બીજી જાતિ એશિયા સિવાયના ભાગમાં, ખાસ કરીને પૂર્વ-મધ્ય કૉંગોના જંગલમાં જોવા મળે છે. તે ગોલ્ડન પીકૉક તરીકે ઓળખાય છે. ત્રીજી જાતિ સફેદ મોરની છે.

ભારતમાં મોરની સંખ્યા સૌથી વધુ ગુજરાત અને રાજસ્થાનમાં છે. એકલા ગુજરાતમાં તેની સંખ્યા લગભગ 1,60,000 જેટલી છે. આ પક્ષીમાં સ્પષ્ટપણે લિંગભેદ જોઈ શકાય છે. નરની પૂંછડી લાંબી, પીંછાં આકર્ષક અને કલગી મોટી હોય છે; જ્યારે માદાને આવી પૂંછડી હોતી નથી. માદાનો રંગ ઝાંખો હોય છે. માદા કદમાં નાની હોય છે અને તેને કલગી પણ નાની હોય છે. માદાને ઢેલ કહે છે. નરમાં ચળકતા લીલા અને વાદળી રંગનો સુભગ સમન્વય જોવા મળે છે. શીર્ષની બંને બાજુએ સફેદ ચાઠાં અને કલગી આવેલી હોય છે. પૂંછડી વિનાની લંબાઈ 100થી 125 સેમી. અને પીંછીઓ સાથે 225 સેમી. જેટલી હોય છે. તેમાં 160 જેટલાં પીંછાંઓ આવેલાં હોય છે. પીંછાંની વચ્ચે હૃદયાકાર ચંદ્રકો હોય છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. આશરે 24 પીંછાંની બનેલી કલગીને તોરો કહે છે. ગુજરાત અને રાજસ્થાનમાં આ પક્ષીની સાથે સંકળાયેલી અનેક દંતકથાઓ પ્રચલિત છે. મોટા ભાગના લોકો સફેદ મોરને દેવી સરસ્વતીનું વાહન ગણે છે અને તેથી ધાર્મિક ર્દષ્ટિએ પણ તેને આદરભાવથી જોવામાં આવે છે. ભગવાન શંકરના પુત્ર કાર્તિકેયનું વાહન પણ મોર છે. કૃષ્ણનો તો ‘મોરના પિચ્છધર’ તરીકે જ નિર્દેશ થતો રહ્યો છે. વળી ચિત્રકલા, શિલ્પ, ભરતગૂંથણમાં તેમજ લોકકવિતામાં અને પ્રશિષ્ટ કાવ્યોમાં પણ મોરને સ્થાન આપવામાં આવ્યું છે. ઉદેપુરના મહેલમાં મોરની સિરૅમિક પૅનલ અત્યંત આકર્ષક છે.

મોર સર્વભક્ષી પ્રકારનું (omnivorous) પક્ષી છે. તેના ખોરાકમાં દાણા, મરચાં, ઉપરાંત ગરોળી, જીવાતો અને સાપોલિયાંનો સમાવેશ થાય છે. અલબત્ત, તેનો પ્રિય ખોરાક લીલોતરીનો છે. સામાન્ય રીતે મોર જંગલમાં વસે છે, પરંતુ માનવવસવાટની આસપાસ પણ તે વ્યાપકપણે જોવા મળે છે. તેને પાળી શકાય છે. આ માટે ઘણી વખત મોરનાં ઈંડાંનું મરઘી દ્વારા સેવન કરાવી બચ્ચાં સહેલાઈથી મેળવી શકાય છે. મોર વજનમાં ભારે હોવાથી ઝડપથી કે લાંબા અંતરનું ઉડ્ડયન કરી શકતો નથી; પરંતુ તેની શક્તિશાળી પાંખો વડે તે સહેલાઈથી નદી પાર કરવાની ક્ષમતા ધરાવે છે. રાત્રિનિવાસ માટે તે ઊંચાં વૃક્ષો પસંદ કરે છે. વળી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તે પોતાનું સ્થાન છોડતો નથી. સવાર-સાંજ પાણી પીવા માટે તે ઝરણાનો તેમજ કૂવા-કાંઠાના અવેડા વગેરેનો ઉપયોગ કરે છે. નર મોર તેનાં બધાં પીંછાં શિયાળામાં પોતાની જાતે ખેરવી નાખે છે, ત્યારપછી તેને નવાં પીંછાં ફૂટવા માંડે છે.

મોર

એક નરની સાથે ચાર-પાંચ માદાઓ સમૂહમાં ફરતી દેખાય છે. તેમની સાથે મોર સમાગમ આદરે છે. પૈતૃક પાલનની જવાબદારી માત્ર ઢેલની રહે છે. માદાને રીઝવવા માટે મોર અમુક નિશ્ચિત જગ્યા પસંદ કરી, નર્તનકળા કરે છે. મોર વર્ષાઋતુના આગમનની છડી પોકારતાં ‘ટેહુક ટેહુક’ના જોરદાર ટહુકારથી વાતાવરણને આહલાદક બનાવી મૂકે છે. વર્ષાઋતુમાં તેની પૂંછડીનાં સમગ્ર પીંછાંઓને પંખાકારે ઊંચાં કરી વિશિષ્ટ નૃત્ય કરે છે. ત્યારબાદ એક લાંબી ચીસ સાથે પસંદ કરેલી ઢેલ સાથે તે સંવનન કરે છે. ઢેલ ત્રણથી પાંચ, લંબગોળ આકારનાં સફેદ કે ઝાંખા પીળા રંગનાં ઈંડાં મૂકે છે. ક્યારેક આ ઈંડાં પર ટપકાં જોવા મળે છે. સામાન્ય રીતે માદા ઈંડાંને જમીન પર મૂકે છે. પરંતુ કેટલીક વાર ઢેલ મકાનના છાપરા, બગીચાના લતામંડપો કે સમડીના જૂના માળામાં ઈંડાં મૂકતી હોય છે. 28થી 30 દિવસના સેવન બાદ ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે. ઢેલ તેનાં બચ્ચાંનું ઘણું જતન કરે છે અને જો બચ્ચાં નાશ પામે તો આક્રંદ કરે છે. રાત્રિ દરમિયાન જંગલમાં પરભક્ષી પ્રાણીઓનું આક્રમણ થતાં મોર ચેતવણીસૂચક અવાજ કરે છે.

માનવ-વસવાટમાં રહેતા મોર, ખેતરોના પાકને અતિશય નુકસાન પહોંચાડે છે. તેનું મુખ્ય દુશ્મન પ્રાણી સાપ છે. તેમની વચ્ચેની લડાઈ ધ્યાન ખેંચે તેવી હોય છે. ‘મોરનાં પીંછાંની ઝૂડી ઘરમાં રાખવાથી સાપ આવતા નથી’ – એવી એક માન્યતા છે. સંપૂર્ણ સફેદ રંગનો મોર, કોઈક વાર પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળે છે. અલબત્ત, તે આકર્ષક હોતો નથી.

દિલીપ શુક્લ