મોમિનખાન 2જો (મુફ્તખિરખાન) (ઈ. સ. 1748–1758) : ગુજરાતનો મુઘલ સૂબેદાર. મોમિનખાન 1લાના મૃત્યુના સમાચાર દિલ્હી પહોંચતાં નવો સૂબેદાર નિમાતાં સુધી કામ કરવા માટે એના ભત્રીજા ફિદાઉદ્દીનખાન અને પુત્ર મુફ્તખિરખાનને સંયુક્તપણે વહીવટ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો. ફિદાઉદ્દીન અને મુફ્તખિર વચ્ચે પરસ્પર વહેમ અને શંકા ઉપસ્થિત થતાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું. દરમિયાન ફિદાઉદ્દીનખાનને ખંભાત જવું પડ્યું. રંગોજી એ બેઉનું કાસળ કાઢી નાખવા માગતો હતો, પણ એમાં એ સફળ ન થયો. મુફ્તખિરખાનને આ વાતની જાણ થતાં ફિદાઉદ્દીનને ખંભાતથી અમદાવાદ બોલાવી લીધો.
ઈ. સ. 1743ના ઉત્તરાર્ધમાં બાદશાહે ફરમાન મોકલી મુફ્તખિરખાનને ગુજરાતનો સૂબેદાર નીમી સત્તા આપી, પણ અમદાવાદ જવાંમર્દખાન બાબીના કબજામાં હોઈ મોમિનખાન 2જાને સફળતા ન મળી અને ખંભાત ચાલ્યા જવું પડ્યું. અમદાવાદની સૂબેદારી મેળવવામાં સફળતા ન મળતાં હવે મોમિનખાન 2જાએ ખંભાતમાં તદ્દન સ્વતંત્ર થવા વિચાર્યું. આ વાતની બાદશાહને જાણ કરી, બાદશાહ તરફથી ‘નૂરુદ્દીન મુહમ્મદખાન મોમિન બહાદુર’નો ઇલકાબ મળ્યો તે ધારણ કરી એણે ખંભાતનાં સત્તાસૂત્ર હાથમાં લીધાં, જેને બાદશાહે બહાલી આપી.
આ સમયે મુફ્તિખિરખાન મોમિનખાન 2જાની સત્તા માત્ર ખંભાત ઉપર હતી અને બહાર એનું પદ માત્ર ખંભાતના મુત્સદ્દી તરીકે ગણાતું. આ દરમિયાન પેશવા અને ગાયકવાડે ગુજરાતની વહેંચણી કરી લીધેલી તેમાં ખંભાત પેશવાના ભાગમાં આવ્યું હતું. આ કારણે પેશવાના પ્રતિનિધિ રઘુનાથરાવ સાથે એને અણબનાવ થયેલો. પણ અથડામણ થાય એ પહેલાં સુલેહ થઈ અને મોમિનખાને ઘાસદાણાના રૂપિયા સાત હજાર તેમજ ચાર તોપ આપી.
ઈ. સ. 1753–55 દરમિયાન મરાઠાઓએ મોમિનખાન 2જા પાસેથી ખંભાત જીતી લેવા પ્રયાસ કર્યો, પરંતુ એમાં એમને નિષ્ફળતા મળી. મરાઠાઓનું મોટું લશ્કર અન્યત્ર હતું, તેથી મોમિનખાને અમદાવાદ પુન: કબજે કરવાનું નક્કી કર્યું. એણે મરાઠાઓના વિરોધીઓનો સહકાર મેળવ્યો. વળી કેટલાક મરાઠા લશ્કરના અધિકારીઓને પોતાના પક્ષે લીધા, અને વ્યવસ્થિત કાવતરું યોજ્યું. મરાઠા સૂબેદાર રઘુનું ખૂન કરવામાં આવ્યું અને એ પછી અમદાવાદ પર આક્રમણ કરવામાં આવ્યું. મરાઠાઓને હરાવી અમદાવાદ પર (ઑક્ટોબર 16, 1756) મોમિનખાન રજાએ કબજો મેળવ્યો. ગુજરાતના નાગર બ્રાહ્મણ શંભુરામની કામગીરી અમદાવાદની લશ્કરી કાર્યવહીમાં મહત્વપૂર્ણ રહી એથી એને નાયબ સૂબેદાર બનાવવામાં આવ્યો અને પૂર્ણ સત્તાઓ સાથે મુખ્ય મંત્રી નીમવામાં આવ્યો.
મોમિનખાન 2જાએ રાજધાની પર કબજો મેળવી ગુજરાતના છેલ્લા મુસ્લિમ સૂબેદાર તરીકે સ્થાન મેળવ્યું, પણ એ સમયે દિલ્હીમાં કેન્દ્રીય મુઘલ સરકાર ભાંગી પડી હતી. મોમિનખાનને સંદેશો મોકલવામાં આવ્યો કે મુઘલ સમ્રાટ તરફથી જો માનપાન અને બક્ષિસ જોઈએ તો આપવામાં આવશે, પણ પોતાના સ્થાનના રક્ષણ માટે તમારે તમારાં સાધનો પર જ આધાર રાખવો પડશે.
બીજી બાજુ પેશવા બાલાજી બાજીરાવના નાયબ સદાશિવ રામચંદ્રને પૂરી સત્તા સાથે દામાજીરાવ ગાયકવાડ તથા એના ભાઈ ખંડેરાવ સહિત સંયુક્ત સુસજ્જ લશ્કર લઈ અમદાવાદ પર આક્રમણ કર્યું. મોમિનખાને બચવા માટે પ્રયાસ કર્યો. આ ઘેરો લગભગ 14 માસ (7 જાન્યુઆરી, 1757થી 27 ફેબ્રુઆરી, 1758) સુધી ચાલ્યો. ઘેરાના સમય દરમિયાન મોમિનખાનની મુશ્કેલીઓ વધી. મોટા લશ્કરનો પગાર નિયમિત ચૂકવાતો નહિ. તેથી અમદાવાદની હિંદુ તેમજ મુસ્લિમ પ્રજા પાસેથી ગેરકાયદે કરવેરા ફરજિયાત ઉઘરાવવામાં આવ્યા. આ ઘેરા દરમિયાન સૌથી વધુ ખરાબ દશા તો પ્રજાની થઈ. હાડમારીઓથી પ્રજા ત્રાસી ગઈ. તેથી ગરીબ અને ભૂખ્યા પ્રજાજનોએ શહેરમાંથી અન્યત્ર સ્થળાંતર કરવા ધસારો કર્યો. પગાર ન મળતાં ઘણી સંખ્યામાં લશ્કરી સૈનિકો મોમિનખાનનો પક્ષ છોડી મરાઠા પક્ષે જોડાયા. 1757ના અંત સુધીમાં મરાઠાઓએ અમદાવાદ શહેર ફરતો ઘેરો વધુ કડક બનાવી ભીંસ વધારી.
ઈ. સ. 1758ના આરંભમાં સૂફી ઉમરાવ શાહ નૂરે (મૂળ નામ હસનકુલીખાન) મોમિનખાનને કરુણ સ્થિતિમાંથી ઉગારી લેવા પેશવા સાથે સમાધાન કરાવી આપવા પ્રયત્ન કરી જોયો; પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. એ પછી એક જ મહિનામાં મોમિનખાન 2જાએ સમગ્ર પરિસ્થિતિથી તંગ આવી જતાં સમાધાન કર્યું. તેમાં મોમિનખાને સિત્તેર હજાર રૂપિયા આપવાનું સ્વીકાર્યું. ખંભાત બંદર એની પાસે રહેવા દેવાયું; પણ એની અડધી જકાત પેશવાને આપવાનું, ઘોઘા સોંપી દેવાનું અને મુખ્યમંત્રી શંભુરામનો કબજો સોંપી દેવાનું કબૂલ્યું. એ પછી અમદાવાદ (27 ફેબ્રુઆરી 1758) મરાઠાઓના કબજામાં આવ્યું અને એની સાથે મુઘલ સત્તાનો ગુજરાતમાં અંત આવી ગયો.
રામજીભાઈ ઠા. સાવલિયા