મોપાસાં, ગાય દ (જ. 5 ઑગસ્ટ 1850; અ. 6 જુલાઈ 1893, પૅરિસ) : ફ્રેન્ચ સર્જક. મુખ્યત્વે વાર્તાકાર તથા નવલકથાકાર. કવિતા, નાટક તથા પ્રવાસનિબંધોય એમણે લખ્યા છે; પણ ટૂંકી વાર્તાના કસબી-કલાકાર તરીકે વિશેષ જાણીતા. માતા-પિતા નૉર્મન. ફ્રાન્સમાં તે સમયે છૂટાછેડાનો કાયદો નહોતો છતાં 15 વર્ષના લગ્નજીવન બાદ ગાયનાં માતા-પિતા અલગ થયાં. ત્યારે તેમની ઉંમર 11 વર્ષની હતી. ગાયને માતા પ્રત્યે પક્ષપાત હતો. તે જીવનભર માતાને વફાદાર હતા. પિતા પાસેથી મદદ મળવા છતાં તેઓ પિતાના વિરોધી રહ્યા હતા. માતા-પિતાના લગ્નજીવનના ભંગાણની તેમના પર ઘેરી અસર પડેલી, જે તેમનાં લખાણોમાંય પ્રતિબિંબિત થઈ છે. આ કારણે જ લગ્નજીવન પ્રત્યે કશોક ભય મોપાસાંના મનમાં ઘર કરી ગયેલો. એમની વાર્તાઓમાં પિતા વગરના બાળકની એકલતા તેમજ જુલમી પતિની વિડંબના વારંવાર જોવા મળે છે.
મોપાસાં પરિવારમુક્ત વિચારસરણી ધરાવતા હોવા છતાં ગાયને પ્રાથમિક શિક્ષણ ચર્ચમાં મળેલું. 1869ની પાનખરથી એમણે પૅરિસમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો; પરંતુ યુદ્ધના કારણે અભ્યાસમાં વિક્ષેપ પડ્યો. તેઓ સ્વેચ્છાએ લશ્કરમાં છેલ્લી પંક્તિના સિપાહી તરીકે જોડાયા હતા; પરંતુ પછીથી પિતાના પ્રયત્નોથી તેઓ લશ્કરના ભંડારી બન્યા હતા. યુદ્ધના આ અનુભવે તેમને કેટલીક ઉત્તમ વાર્તાઓ માટેની સામગ્રી પૂરી પાડી. જુલાઈ, 1871માં લશ્કરની નોકરીમાંથી છૂટા થઈ એમણે પૅરિસમાં કાયદાનો અધૂરો અભ્યાસ શરૂ કર્યો. તે વકીલ બની રહે તે દરમિયાન તેમના પિતાએ તેમને દરિયાઈ બાબતોના મંત્રાલયમાં નોકરી અપાવી. તેમને બઢતી મળતી રહી. 1879માં તેમના પિતાએ માહિતીખાતામાં તેમની બદલી કરાવી આપી.
તેમની માતા લૉરાને નવલકથાકાર ફ્લૉબેર સાથે હૂંફાળા સંબંધો હતા. 1867માં લૉરાએ તેમના પુત્રને ફ્લૉબેરના અંગત પરિચય માટે મોકલ્યો હતો. યુદ્ધ પછી ગાય પૅરિસ પાછા ફર્યા ત્યારે લૉરાએ ફ્લોબેરને ગાયનું ધ્યાન રાખવા જણાવેલું. આ બાબત કથાલેખક તરીકેના તેમના ઘડતરની શરૂઆત હતી. પરિણામે ગાય દ મોપાસાંને સર્જક બનવાની તક મળી. ફ્લૉબેર પૅરિસમાં હોય તે દરમિયાન ગાયને જમવા માટે નિમંત્રણ આપતા અને ઉત્કૃષ્ટ શૈલી વિશે સમજાવતા તથા તેમનાં શરૂઆતનાં લખાણો મઠારતા. તે સમયના કેટલાક સર્જકો સાથે પણ ફ્લૉબેરે ગાયનો પરિચય કરાવ્યો. ફ્લૉબેરે મોપાસાં માટે કહેલું, ‘તે મારો શિષ્ય છે અને તેને હું પુત્રની જેમ ચાહું છું.’ આમ સર્જક મોપાસાંને ફ્લૉબેર પાસેથી પ્રેરણા મળતી, પરંતુ ફ્લૉબેરના 1880માં થયેલા ઓચિંતા અવસાનથી મોપાસાંને કારમો આઘાત લાગ્યો.
મોપાસાં સમુદ્ર તથા નદીઓને આદિમ આવેગથી ચાહતા, જેનો પ્રભાવ તેમની કથાઓમાં આવતાં સમુદ્રી કલ્પનોમાં જોવા મળે છે. નવરાશનો સમય તેઓ તરવામાં તથા હોડીની સફરમાં ગાળતા. યુવાનીની શરૂઆતનાં વર્ષો અનિચ્છનીય સોબતની ઘટનાઓવાળાં હતાં. ‘ફ્લાય’ (1890) જેવી તેમની વાર્તાઓમાંથી પણ જોઈ શકાય છે કે હોડીની સફરોમાં તેમને સાથ આપનાર સ્ત્રીઓ મોટે ભાગે વેશ્યાઓ અથવા ભાવિ વેશ્યાઓ હતી. વીસીની શરૂઆતમાં મોપાસાં સિફિલિસનો ભોગ બનેલા. તેમના ભાઈનું પણ આ જ રોગથી મરણ થયેલું. મોપાસાંએ સારવાર નહિ કરાવવાની જીદ પકડેલી; તેનો ગંભીર પડછાયો તેમનાં પાકટ વર્ષો ઉપર પડ્યો અને તેમના પર ન્યૂરેસ્થીનિયાનો ભાર રહ્યો. ફ્લૉબેર સાથેની મુલાકાતો દરમિયાન મોપાસાંએ એકાદ-બે વાર્તાઓ ઉપનામથી સામયિકોમાં પ્રગટ કરેલી. ફ્લૉબેરના અવસાનના એકાદ મહિના અગાઉ, એપ્રિલ, 1880માં નિર્ણાયક વળાંક આવ્યો – યુદ્ધવિષયક વાર્તાઓના, ઝોલાએ કરેલા સંપાદનમાંના 6 વાર્તાકારોમાં મોપાસાંની વાર્તા ‘બૉલ ઑવ્ ફૅટ’ ઉત્તમ બની રહી. આ વાર્તાના પ્રાગટ્ય સાથે જ વર્તમાનપત્રો તરફથી માંગ શરૂ થઈ. મોપાસાંએ નોકરી છોડી અને 2 વર્ષ વર્તમાનપત્રો માટે લખવામાં ગાળ્યાં. મોપાસાં માટે 1880થી 1890નો દાયકો સર્જનક્ષેત્રે મહત્વનો રહ્યો. આ દાયકામાં તેમની 300 જેટલી વાર્તાઓ, 6 નવલકથાઓ અને 3 પ્રવાસ અંગેનાં પુસ્તકો પ્રગટ થયાં. તેમની વાર્તાઓને ફ્રાન્કો-પ્રશિયન યુદ્ધ, નૉર્મન ખેડૂતવર્ગ, અમલદારશાહી કે નોકરશાહી, જુદા જુદા વર્ગના લોકોની ભાવનાશીલ સમસ્યાઓ, સીનના કાંઠાનું જીવન તથા ક્યારેક ભ્રામક માયાજાળ જેવા વિષયોના જૂથમાં વહેંચી શકાય. એકંદરે તેમની વાર્તાઓમાં 1870થી 1890ના ગાળાના ફ્રેન્ચજીવનનું વ્યાપક ચિત્રણ થયું છે. કેટલાક દેશોમાં તેઓ સૌથી વધુ વેચાણ ધરાવનાર લેખક નીવડ્યા. તેઓ એક નૉર્મન ધંધાદારી પણ હતા. પૅરિસમાં તેમનો ફ્લેટ હતો, જેમાં સ્ત્રીઓ સાથેનું ગુપ્ત મિલનસ્થાન પણ જોડાયેલું હતું. આ ઉપરાંત પણ તેમનાં મકાનો હતાં. આફ્રિકા, ઇટાલી, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાં તેમણે મુસાફરી કરેલી. વેશ્યાગૃહો તથા વેશ્યાઓ પ્રત્યેનું તેમનું આકર્ષણ ‘ધ ટેલિયર હાઉસ’ (1881) તથા ‘એ વે ટુ વેલ્થ’ (1963) જેવી વાર્તાઓમાં પ્રતિબિંબિત થાય છે. મોપાસાં ખડતલ, તંદુરસ્ત અને કસરતબાજ હોવા છતાં તેમના પત્રોમાં તે તબિયત અંગે, ખાસ કરીને આંખની તકલીફ તથા માથાના દુખાવા અંગે રોદણાં રડતા. વર્ષો વીતતાં ગયાં તેમ તેમ તે વધુ ને વધુ નિસ્તેજ અને ખિન્ન બનતા ગયા. 1888માં કૌટુંબિક આપત્તિ આવી. મોપાસાંનો ભાઈ હિંસક બની બેસે એવા ગાંડપણનો ભોગ બન્યો અને છેવટે પાગલની ઇસ્પિતાલમાં મરણ પામ્યો. 1892માં મોપાસાંએ પોતાના ગળામાં ઘા કરીને આત્મહત્યાનો પ્રયત્ન કરેલો. તેમના 43મા જન્મદિવસના એક મહિના અગાઉ તેઓ મરણ પામ્યા.
મહત્વનાં પુસ્તકો : વાર્તા : ‘બુલ દ સ્વીફ’, (‘બૉલ ઑવ્ ફૅટ’) 1880માં સૌપ્રથમ પ્રકાશિત થયેલી; ‘લે સિવારે દ મેદા’ (1880, ‘ધ સ્ટૉરિઝ ઑવ્ મેદા’); ‘લા મેઝોં તેલિયર’ (1881, ‘ધ ટેલિયર હાઉસ’); ‘માદમુવા-ઝેલ ફિફિ’ (1882); ‘કોન્તે દ લા બીકાઝ’ (1883); ‘ક્લેર દ લીન, લે સેર રોન્દોલિ’ (1884); ‘ઇવેત’ (1885); ‘તોઇન’ (1885); ‘લે હોર્લા’ (1887); તથા અન્ય; નવલકથા : ‘યુની વિએ’ (1883, ‘અ વુમન્સ લાઇફ’); ‘બેલ અમિ’ (1885, ‘અ વે ટુ વેલ્થ’); ‘મૉન્ત ઓરિઓલ’ (1887) તથા અન્ય.
યોગેશ જોશી