મોટો હંજ (The Greater flamingo): દુનિયાભરમાં જોવા મળતું અને ભારતનું સ્થાયી નિવાસી પક્ષી. હિં. ‘બગ હંસ’; સં. ‘બક હંસ’; ગુ. બગલા; તેનું દેશી નામ હંજ અથવા સુરખાબ. ciconiformes શ્રેણીના Phoenicopleridae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Phoenicopterus ruber pallas. તેની ડોક સુંદર હંસ જેવી, વળાંકવાળી, લાંબી અને પગ બગલા પેઠે ઘણા લાંબા હોય છે. તે દરિયાકાંઠે વધુ જોવા મળે છે.
એનું કદ લગભગ 120 સેમી.ની ઊંચાઈવાળું હોય છે. આખું શરીર સફેદ હોય છે અને તેમાં પાંખોમાં કાળી કિનારીવાળો ગુલાબી રંગ ખૂબ શોભે છે. પગ અને ચાંચ બંને ગુલાબી હોય છે; તેની ચાંચ વૈશિષ્ટ્યપૂર્ણ છે. જે માથાના પ્રમાણમાં ભારે અત્યંત જાડી. જાણે વચ્ચેથી ભાંગીને છેડે વળી ગઈ હોય.
તેની ચાંચમાં દાંત જેવાં કરકરિયાં હોય છે. એટલે માથું પાણીમાં ડુબાડીને કાદવ ડખોળે ત્યારે ચાંચ ઊંધી થઈ જાય છે. તેનું ઉપલું પાંખિયું નીચે અને નીચલું ઉપર રહે છે. મોઢામાં કાદવ ભરાયા પછી ચાંચ બંધ કરી દે એટલે બાજુના દાંત સામસામા ભિડાઈ જાય છે અને પાણી સાથેનો કાદવ નીકળી જતાં મૃદુકોષો; ડિમ્ભો, જીવાતો, વનસ્પતિ બીજ જેવાને આરોગે છે.
એ હંમેશાં ટોળામાં રહે છે. નદીના મુખવાળી દરિયાની ખાડીના છીછરા કાદવવાળા પટમાં, નદી-તળાવનાં છીછરાં પાણીમાં કે કચ્છના રણ જેવા ખારાપાટના પાણીમાં ફરે છે. કરચલાં, જીવડાં અને ઇયળો તેનો ખોરાક છે. તે કાદવને નિચોવી નિચોવીને એમાંની વનસ્પતિ ખાય છે.
નળસરોવરમાં તે હજારોની સંખ્યામાં મળે છે. ભરઉનાળે જૂન માસમાં તે સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં પણ કોઈ વાર દેખાય છે. એની વસ્તી આખી દુનિયામાં ખાસ કરીને યુરોપ, આફ્રિકા, એશિયા અને અમેરિકામાં આવેલી છે. અમેરિકામાં ઘણું કરીને તેની વધારે ગુલાબી જાત જોવા મળે છે.
કાંઠાના ખારાપાટમાં તે માટીના માળા બનાવે છે. એકાદ ફૂટ ઊંચો ને છીછરા ખાડાવાળો ટેકરો તે તૈયાર કરે છે. એકબીજાની અડોઅડ એવા હજારોની સંખ્યામાં માળા તૈયાર કરીને તેઓ એક હંજનગરી ઊભી કરે છે. કચ્છના મોટા રણમાં આવી વસાહત નજરે પડે છે. હંજ એના માળામાં એક-બે આસમાની ઝાંયવાળાં સફેદ ઈંડાં મૂકે છે.
તે ખૂબ મઝાનું સુંદર પંખી છે. ‘હોંક’ એવો અવાજ કરે છે. ઊડે ત્યારે ડોક અને પગ બંને લંબાવેલાં રાખે છે અને એની વચ્ચે કાળી કિનારીવાળી ગુલાબી પાંખો વીંઝાતી હોય છે. તે કુંજડાં પેઠે અંગ્રેજી ‘વી’ (V) આકારમાં તેમજ લાંબી સીધી હારમાં ઊડે ત્યારે ગુલાબની પાંખડીઓ ખરતી હોય તેવું શ્ય સર્જે છે.
બળદેવભાઈ કનીજિયા