મોટો દૂધિયો લટોરો (Great Indian Grey Shrike) : આખા ભારતમાં જોવા મળતું બહુ દેખાવડું અને મઝાનું પંખી. Passeriformes શ્રેણીના લૅનિડા કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ : Lanius excubitor lantora syko.
એના હિંદી નામ ‘લહટોસ’ પરથી ગુજરાતીમાં લટોરો બન્યું છે. કદ કાબર જેવડું 25 સેમી. લાંબું, વજન 65 ગ્રામ. પોતાના શરીર જેટલી જ લાંબી પૂંછડી. માથું મોટું પહોળું. ચાંચ અને પગ બંને કાળાં. ધ્યાનપૂર્વક નજીકથી જોઈએ તો છેડેથી ચાંચ વળેલી, હૂકના જેવી લાગે.
દૂધિયો એટલે દૂધ જેવો ધોળો તેમજ રાખોડી, એ બંને રંગ તે ધરાવે છે. તે ચાંચથી કેડ સુધી રાખોડી અને નીચેના ભાગમાં છેક સુધી દૂધ જેવો ધોળો રંગ ધરાવે છે. ચાંચ પાસેથી આંખ પર પસાર થતો પહોળો કાળો પટ્ટો તેને ઓળખવાની મુખ્ય નિશાની છે.
તેની પાંખ કાળી હોય છે; તેમાં સફેદ ધાબું પણ હોય છે. પૂંછડી કાળી હોય છે; પણ ઉપરનાં વચલાં પીંછાં સિવાયનાં તમામ પીંછાં વધુ ને વધુ સફેદ છેડાવાળાં હોય છે. પૂંછડી ચડાઊતરી ગોળાકાર હોય છે.
નર અને માદા એકસરખાં હોય છે. તેમની વસ્તી દક્ષિણમાં બેલગાંવથી આગળ નહિ, પરંતુ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠેર ઠેર જોવા મળે છે. લટોરાને કાંટાળી ઝાડી, ઝાડ, બાવળ, ખીજડા, હરમા, થોરની વાડ, ખેતર-વાડી, ખુલ્લા વગડા અતિ પ્રિય હોય છે.
ઝાડની ડાળીની ટોચે બેસી ચારેતરફ જોવા મળતાં જીવડાં, તીડ, વંદા, ઢાલવાળાં જીવડાં, કાચિંડા, ગરોળીઓ કે પંખીનાં બચ્ચાં તે પકડીને ઉઠાવી જાય છે. પોતાનો ખોરાક કાંટામાં ભરાવી સંગ્રહ કરવાની તેની ખાસિયત છે. આને કારણે તે ‘કસાઈ-પંખી’ (બુચર-બર્ડ) તરીકે ઓળખાય છે. વધારામાં તે ઇયળો, ભમરા-ભમરી, કાનખજૂરા અને નાના સાપનો શિકાર પણ કરે છે.
તેની ઉડાન જમીન નજીકની હોય છે. ‘ક્વીરાક’ એવા કર્કશ અવાજ છતાં તે ઘણા મીઠા અવાજ પણ કાઢે છે. અનેક જાતનાં પંખીઓ અને જાનવરોની બોલીનું તે સારી રીતે અનુકરણ કરી શકે છે. તેનો પ્રજનનકાળ જાન્યુઆરીથી જુલાઈ સુધીનો હોય છે. બાવળ જેવાં કાંટાળાં વૃક્ષો, ઘાસ, મૂળિયાં, ચીંથરાં ને ઊન વગેરેમાંથી પોતાના કદ કરતાં ઘણો મોટો, બહારથી અવ્યવસ્થિત લાગતો, પણ અંદરથી સુઘડ અને વ્યવસ્થિત વાટકા આકારનો તે માળો બાંધે છે. ઈંડાં 3થી 5 લીલાશપડતાં કે ગુલાબી જેવા સફેદ રંગનાં, છાંટણાંવાળાં હોય છે.
નર અને માદા બંને તેમને 15 દિવસ સુધી સેવે છે. 20 દિવસ બાદ તે ઈંડાંમાંથી નીકળેલાં બચ્ચાંનો ઊડવાનો પ્રયત્ન શરૂ થાય છે. એ બચ્ચાં લગભગ 35 દિવસે સ્વતંત્રપણે ઊડતાં થાય છે.
બળદેવભાઈ કનીજિયા