મોટો ચકવો (Great Stone curlew) : દક્ષિણ યુરોપ, દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાનું વતની. Charadriiformes શ્રેણીના Burhinidae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ : Burhinus Oedicnemus. તે દરિયાકાંઠાના ભેજવાળા તમામ વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ, નળ સરોવર અને ખીજડિયા વગેરે અન્ય ભેજવાળા પ્રદેશોમાં શિયાળામાં સામાન્ય રીતે જોવા મળે છે. કદ 22´´ એટલે કે 55 સેમી. જેટલું. પીઠ અને પાંખો રાખોડી-ભૂખરી. ચહેરા પર સફેદ અને કાળા પટ્ટા હોય છે. દાઢી અને ગળું સફેદ, આંખ મોટી, ગોળ અને પીળી. એની ઉપર અને નીચે સફેદ લીટી. આંખ સોંસરવો કાળો પટ્ટો, બીજો દાઢીની કોરે. ચાંચ મૂળ તરફ પીળી, પણ છેડે કાળી અને તેનું નીચલું પાંખિયું ઉપર તરફ વળેલું હોય છે. પગ પીળા, નર અને માદા બંને સરખાં. આ પંખી ચક્રવાક તરીકે પણ ઓળખાય છે.
વેરાન પ્રદેશ, ઘટાદાર ઝાડી, કાંટાળા બાવળ, તરબાવળાં વગેરેનાં મૂળ પાસે સંતાઈ રહે. ભડકે ત્યારે જમીન સાથે ચીપકી જાય. બોલવામાં ચીસ જેવી સિસોટી વગાડી ‘પીડ-પીક, પીડ-પીક’ એવો અવાજ કરે. ઊડતી વેળા અને અજવાળી રાતે પણ તે આમ બોલે. ખાસ કરીને તે તળાવ કે નદીકાંઠે ઊભેલો જોવા મળે. ખોરાક-પાણીની જીવાત અને પાણીની લીલી વનસ્પતિ, પંખીનાં ઈંડાં પણ તેનો ખોરાક છે. રાત્રે ચારો ચરવા નીકળે છે.
મહા માસથી શ્રાવણ સુધીનો સમય તેની માળાની ઋતુ છે. તે આંતરે દિવસે ફિક્કાં બદામી બે ઈંડાં મૂકે છે. બંને નર અને માદા તેનું સેવન 25–27 દિવસ સુધી કરે છે. બચ્ચાં 6 અઠવાડિયાં બાદ સ્વતંત્રપણે વિહાર કરે છે.
બળદેવભાઈ કનીજિયા