મોટો ગડેરો (Black-tailed Godwit) : ડેન્માર્ક–નેધર્લૅન્ડ્ઝનું વતની. યુરોપ, મધ્ય-એશિયા અને સાઇબીરિયાના પૂર્વકિનારા સુધી જોવા મળતું યાયાવર પંખી. Charadriiformes શ્રેણીના Scolopacidae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Limosa limosa.
કદમાં મરધી જેવડું; 41 થી 50 સેમી.ની લંબાઈ, તેના પગ અને ચાંચ લાંબાં. ચાંચ સીધી, મૂળથી અડધે સુધી ગુલાબી, પછી કાળાશપડતી. પગ લીલાશપડતા રાખોડી. ચોમાસું ઊતરે તે પછી ભારતમાં આવે ત્યારે તેનો રંગ ઉપરના ભાગે બદામી અને નીચે મેલો ધોળો હોય છે.
પૂંછડીના છેડે કાળો પટો અને તેની ઉપરના સફેદ ભાગથી તે ઓળખાય. ઊડે ત્યારે પાંખમાં કાળા અને સફેદ પહોળા પટા દેખાય.
શિયાળો ઊતરતાં તેનો રંગ બદલાય. માથું, ડોક, ગળું અને છાતી રતૂમડાં બની જાય. ઉપલી પીઠમાં રતૂમડા અને કાળા ડાઘાની ભાત જોવા મળે. પેટ ધોળું અને પડખાંમાં કાળાશપડતા નાના આડા પટા દેખાય. મે મહિના સુધી ઉનાળુ રંગછટામાં જોવા મળે.
નર અને માદા દેખાવે સરખાં, પણ માદા કદમાં મોટી હોય છે. ટોળામાં ચણતાં હોય ત્યારે વારંવાર બોલ્યા કરે, ક્યારેક ઝઘડી પડે.
માળો કરવા ઉનાળો આવતાં વતનમાં ચાલ્યાં જાય. ઘાસિયા અને ભેજવાળી જમીન પર તેમજ તળાવોની આસપાસ તેમનો વસવાટ જોવા મળે છે. વરસમાં એક જ વખત ઘાસિયા ખેતરમાં જમીન પર બે દિવસમાં 3થી 5 ઈંડાં મૂકે છે. 22થી 24 દિવસ સુધી નર અને માદા બંને તેમને સેવે છે. નાનાં જીવજંતુ, કીડા, અળસિયાં, માછલી, દેડકાનાં કુમળાં બચ્ચાં એ તેનો ખોરાક હોય છે.
બળદેવભાઈ કનીજિયા