મોટી નાચણપંખો (Flycatcher, white browed fantail) : ગુજરાતનું ભેજ અને ઝાડીમાં નિવાસ કરનારું પક્ષી. આખો દિવસ એ પૂંછડીનો પંખો કરીને ડાબેજમણે – ઝૂલતું નાચતું જોવા મળે છે. એનું નવું નામ છે ‘મોટી નાચણ’. Passeriformes શ્રેણીના Musicapidae કુળનું માખીમાર પંખી. શાસ્ત્રીય નામ Rhipidura albogularis.
એનું કદ 17 સેમી.(7 ઇંચ)નું હોય છે. બુલબુલ જેવડું લાગે. રંગ ઉપરથી કાળાશ પડતું ભૂખરું ને નીચેથી ધોળું; પણ એનું કપાળ સફેદ. ત્યાંથી આંખ પરની ભ્રમરની ધોળી રેખા પાછળ ગરદન સુધી જાય છે. એટલે કાળા માથા ફરતી ધોળી રેખાનું કૂંડાળું જ જોવા મળે. પાંખના ખભાનાં પીંછાંમાં પણ સફેદ ટપકાં હોય છે. પૂંછડીનાં વચલાં બે પીંછાં કાળાં, બાકીનાં બધાં જ ધોળા છેડાવાળાં હોય છે અને સાવ બહારનાં તો લગભગ ધોળાં હોય છે. પંખા-પૂંછડીને લીધે તે તરત ઓળખી શકાય છે. ચાર અંતરા પાડીને મીઠાં ગીત ગાવાની ટેવવાળું પંખી છે. એના જેવું આનંદી પંખી બીજું નથી.
ચાંચ જરા મોટી, ચપટી અને કાળી, ચાંચ પાસે મૂછ જેવા વાળ હોય છે. પૂંછડી લાંબી, ભરાવદાર અને ચડ-ઊતરી ગોળાકાર. તેનો પંખો ફરે ત્યારે તે ખૂબ સુંદર લાગે છે.
તે ઊડતાં ઊડતાં મચ્છર, માખી, જેવી બે પાંખવાળી જીવાતો પકડે છે. ગુલાંટો ખાય છે અને પંખો કરી ફર્યા કરે છે, અને પાંખો ઢીલી કરી નીચે રાખીને ઝૂલે છે. તેનો પ્રજનન-ગાળો મહા–ફાગણ માસથી અષાઢ–શ્રાવણ સુધીનો ગણાય છે. માળો બાંધવા, આંબા જેવા ઝાડોની છેડે આવેલ ખાંચને પસંદ કરે છે. ઘાસ-રેસા, કરોળિયાનાં જાળાં વગેરેથી ડાળી પર ચોંટાડીને વાટકા ઘાટનો માળો તે બનાવે છે. તેમાં પીળાશ પડતાં કે સફેદ રંગનાં 3થી 4 ઈંડાં મૂકે છે.
ગાઢી ઝાડીઓ, બગીચો અને ભેજવાળી વાડીઓમાં તે સામાન્ય રીતે જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ગીરમાં અને શિયાળે ઝાલાવાડમાં તે જોવા મળે છે. કચ્છમાં જોવા મળતું નથી, પણ ગુજરાતમાં અન્યત્ર ખૂબ જોવા મળે છે.
બળદેવભાઈ કનીજિયા