મોટી ચોટીલી ડૂબકી (Great Crested Grebe) : મૂળ યુરોપ અને સાઇબીરિયાનું વતની છતાં ચોમાસા પછી ભારતમાં આવતું યાયાવર પંખી. Podicipediformes શ્રેણીના Podicipedidae કુળનું પક્ષી. શાસ્ત્રીયનામ Podiceps cristatus.
કદ મરઘી જેવડું – 50 સેમી. તે આંખ ઉપરથી નીકળતાં કાળાશ પડતાં પીંછાંની કલગી ધરાવે છે. શિયાળામાં ભારત આવે ત્યારે શરૂમાં ડોક ઉપર મફલર જેવાં કથ્થાઈ તથા કાળાં પીછાં હોય છે. નાજુક લાંબી ડોકને લીધે તે સહેલાઈથી ઓળખી શકાય છે. તેનું ઉપરનું શરીર રાખોડી, પેટનો ભાગ ધોળો અને ચાંચ અણીદાર હોય છે. નર અને માદા તરવામાં અને ડૂબકી મારવામાં એકસરખાં હોશિયાર હોય છે.
બધી ડૂબકીઓ – નાની ડૂબકી, શિયાળુ નાની ડૂબકી, શિયાળુ મોટી ડૂબકી અને મોટી ચોટીલી ડૂબકી–માં આ પંખી વધુ દેખાવડું અને કદમાં મોટું હોય છે. આ પંખીઓ તેમની અણીદાર ચાંચ અને બાંડા દેખાવને કારણે બતકો કરતાં તે સહેલાઈથી જુદાં પડે છે.
ઘણાં જળ-પંખીઓની માફક ડૂબકીઓનાં શરીરમાં તેલગ્રંથિ હોય છે. તે પોતાની ચાંચ તેલગ્રંથિ સાથે ઘસીને પોતાનાં પીંછાંમાં ફેરવતું હોવાથી તે પાણીથી ભીંજાતાં નથી. તેનો પ્રજનનકાળ શિયાળો ગણાય છે.
સામાન્ય રીતે તે તળાવો, નીચાણની ભેજવાળી જમીન અને કળણમાં વસવાટ કરે છે. ભેજવાળી જમીનના ઘાસમાં તે માળો બાંધે છે. માદા બે દિવસને અંતરે 3થી 6 ઈંડાં મૂકે છે. નર અને માદા બંને તેને 25થી 29 દિવસ સુધી સેવે છે. બચ્ચાં 6 અઠવાડિયાં સુધી માબાપ પર આધાર રાખ્યા પછી સ્વતંત્રપણે વિહાર કરે છે.
બળદેવભાઈ કનીજિયા