મૉસ્કોવિટ્ઝ, રૉબર્ટ (Moscowitz, Robert) (જ. 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : પિતાનું નામ લુઈસ અને માતાનું નામ લીલી મોસ્કોવીટ્ંઝ. 1950 પછી તેમણે ‘એબ્સ્ટ્રેક્ટ એક્સ્પ્રેશનીઝમ’ શૈલીથી આલેખેલા અમૂર્ત ચિત્રો તેમની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ ગણાય છે. 1965 પછી તેમણે પોપ આર્ટના પ્રયોગો કર્યા. ન્યૂયૉર્કનું ફ્લૅટિરોન બિલ્ડિંગ પ્રસિદ્ધ શિલ્પી રોદાંનું જાણીતું શિલ્પ ‘થિંકર’ જેવા વિશ્વવિખ્યાત સ્થાપત્ય-શિલ્પોનાં ચિત્રો સર્જી તેની ઉપર વચ્ચોવચ્ચ ઊભી (vertical) રેખાનું આલેખન કરવા માટે તેઓ જાણીતા છે. આમ કરવા પાછળનો તેમનો હેતુ અતિપરિચિત આકૃતિઓથી દર્શકના મનમાં નીપજતો કંટાળો ઓગાળીને તેમના વિશે ફરીથી કૌતુકમય રસ જગાડવાનો રહ્યો છે. તેમની ઉપર અમૂર્ત ચિત્રકારો જાસ્પર જોન્સ અને રોબર્ટ રોશનબર્ગ (Robert Ranchenberg)નો ઊંડો પ્રભાવ જોવા મળે છે. 1952થી 1955 સુધી તેમણે ન્યૂયૉર્ક શહેરની પ્રાટ ઇન્સ્ટિટ્યૂટમાં કલાનો અભ્યાસ કર્યો. 1962માં તેમના એસેમ્બ્લાજ્ડ (Assamblaged) ચિત્રોનું પ્રદર્શન લિયો કાસ્ટેલી ગેલેરીમાં યોજાયું હતું.
અમિતાભ મડિયા