મૉસબાઉઅર, રુડૉલ્ફ લુડ્વિગ (જ. 31 જાન્યુઆરી 1929, મ્યૂનિક) : મૉસબાઉઅર ઘટના પર વર્ણપટશાસ્ત્ર રચનાર ભૌતિકવિજ્ઞાની.

રુડૉલ્ફ લુડ્વિગ મૉસબાઉઅર

ગૅમા-કિરણના અનુનાદ-શોષણને લગતા સંશોધન અને એ ક્ષેત્રે કરેલ આનુષંગિક શોધ માટે 1961ના વર્ષનો નોબેલ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવેલો. મ્યૂનિકની ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (Hochschule)માં તેમણે શિક્ષણ લીધું હતું. તેઓ જ્યારે મૅક્સપ્લાન્ક મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટરેટ પદવી માટે સંશોધન કરતા હતા ત્યારે સંશોધનાત્મક અભ્યાસકાળ દરમિયાન મૉસબાઉઅર ઘટનાના નામે ઓળખાતી વિખ્યાત શોધ 1957માં કરી. ત્યારબાદ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી અને મ્યૂનિકમાં પ્રાધ્યાપકનો હોદ્દો ધારણ કર્યો. અત્યારે તેઓ Technische Universitit Munchenમાં કાર્ય કરે છે. રેડિયો-ઍક્ટિવ ન્યૂક્લિયસ ગૅમા-કિરણનું શોષણ કરે ત્યારે તે બળનો અનુભવ કરે છે. આ દરમિયાન ઊર્જા ગુમાવાય છે. ઘન પદાર્થની લૅટિસ રચનામાં ન્યૂક્લિયસ ચુસ્ત રીતે જકડેલી હોય તો ગૅમા-કિરણનું ઉત્સર્જન કે શોષણ પ્રત્યાઘાતથી મુક્ત રહે છે, કારણ કે આ પરિસ્થિતિમાં પ્રત્યાઘાતની પ્રક્રિયામાં સમગ્ર ઘન પદાર્થ ભાગ લે છે અને તેનું દળ ઘણું વધારે હોવાથી પ્રત્યાઘાત જેવી અસર થતી નથી, પરિણામે ઊર્જા ગુમાવાતી નથી. આથી ગૅમા-કિરણના આવા ઉત્સર્જન કે શોષણને પ્રત્યાઘાત-મુક્ત કહે છે.

પારમાણ્વિક ન્યૂક્લિયસ વડે થતા ગૅમા-વિકિરણની ઉત્સર્જન અને શોષણની મૉસબાઉઅરે વૈજ્ઞાનિક તપાસ કરી. આવું ગૅમા-વિકિરણ સાદા પ્રકાશ રેડિયો-તરંગો જેવું છે. તેમણે જોયું કે ગ્રાહી વડે આવું વિકિરણ ત્યારે જ ગ્રહણ થાય છે, જ્યારે પ્રેષક અને ગ્રાહીને એક જ આવૃત્તિ પર સમસ્વરિત (tune) કરવામાં આવે. આ ઘટનાને અનુનાદ-શોષણ (resonance absorption) કહે છે; જ્યારે પરમાણુ (ન્યૂક્લિયસ) ગૅમા-કિરણનું ઉત્સર્જન કરે છે, ત્યારે તે બેશક પ્રત્યાઘાત અનુભવે છે. પરિણામે થોડીઘણી ઊર્જા ગુમાવાય છે અને તેથી ગૅમા-કિરણની આવૃત્તિમાં ઘટાડો થાય છે. મૉસબાઉઅર ઘટનાનો વિવિધ ક્ષેત્રે વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ ઘટના મહત્વનું ઉપકરણ પુરવાર થઈ છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદને ચકાસવા માટે મૉસબાઉઅરની ઘટનાનો ઉપયોગ મહત્વનો છે. આ સાથે પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપનમાં થતો તેનો ઉપયોગ જાણીતો છે. ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જૈવવિજ્ઞાન વગેરેમાં મૉસબાઉઅરની ઘટનાનો ફાળો અનન્ય રહ્યો છે.

આનંદ પ્ર. પટેલ