મૉરેન્ડી, જ્યૉર્જિયો (જ. 20 જુલાઈ 1890, બૉલૉન્જ, ઇટાલી; અ. 18 જૂન 1964, બૉલૉન્જ, ઇટાલી) : પદાર્થચિત્રોના જાણીતા ઇટાલિયન ચિત્રકાર. તેમણે બૉલૉન્જની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યો અને પાછળથી 1930થી 1956 સુધી ત્યાં જ કલાશિક્ષક તરીકે કામગીરી સંભાળી.
મૉરેન્ડીનાં પદાર્થચિત્રો પદાર્થોની સાદી, ભૌમિતિક ગોઠવણીને કારણે વીસમી સદીના ઔપચારિકતાવાદ(formalism)ના વિકાસમાં મહત્વનું પરિબળ બની રહ્યાં.
1914માં તેમણે ફ્યૂચરિસ્ટિક ચિત્રકારો સાથે પ્રદર્શન યોજ્યું. 1918માં અતિવાસ્તવવાદી ચિત્રકાર જ્યૉર્જિયો દિ કિરિકો સાથે તેમણે ચિત્રકામ કરવાનું શરૂ કર્યું; પરંતુ આખરે ફ્યૂચરિસ્ટિક અને અતિવાસ્તવવાદી અસરોમાંથી મુક્ત થઈ શાંત, સૌમ્ય રંગોના ઉપયોગ વડે તેમજ ઋજુ પ્રકાશ-છાયા વડે બાટલી-બરણી-ખોખાં જેવા પદાર્થોનાં સંયોજનો ગોઠવી ઔપચારિક (formalist) શૈલીનાં ચિત્રો કરવાં શરૂ કર્યાં. પ્રસિદ્ધ સમકાલીન કલાવિવેચકોને મૉરેન્ડીની રંગપસંદગી રેનેસાં સમયના પ્રસિદ્ધ ચિત્રકાર પિયેરો દેલ્લ ફ્રાન્ચેર-કાની શૈલી જેવી લાગી. તેમણે પદાર્થચિત્રો ઉપરાંત નિસર્ગર્દશ્યો તથા વ્યક્તિચિત્રોનું પણ સફળતાપૂર્વક આલેખન કર્યું. ટેબલની સપાટી પર ગોઠવેલા રોજબરોજના ઉપયોગના પદાર્થોની ગોઠવણીના ચિત્રણમાં સેઝાંની રંગછટા જોવાઈ છે. 1948માં વેનિસ ખાતે યોજાયેલ દ્વિવાર્ષિક પ્રદર્શનમાં તેમને ચિત્રકલા માટે ´ગ્રાં. પ્રી.´નો પુરસ્કાર મળ્યો હતો; તે પછી તો તેમને અનેક સન્માન મળ્યાં.
અમિતાભ મડિયા