મૉરિઝો, બેર્ત (મેરી પૉલિન) (જ. 14 જાન્યુઆરી 1841, બર્ગેસ, ફ્રાન્સ; અ. 2 માર્ચ 1895, ફ્રાન્સ) : પ્રભાવવાદી ફ્રેન્ચ મહિલા-ચિત્રકાર. વિખ્યાત રોકોકો ચિત્રકાર ઝાં ઑનૉરે ફ્રૅગૉનાનાં તે દૌહિત્રી. તેઓ પ્રભાવવાદી ચિત્રશૈલીનાં અગ્રેસર સમર્થક હતાં. તેમણે મુખ્યત્વે મહિલા તથા બાળકોનાં ચિત્રોનું આલેખન કર્યું છે. 1862થી 1868 સુધી તેમણે કૉરો પાસે તાલીમ લીધી. 1868માં તેમની મુલાકાત માને સાથે થઈ અને ત્યારથી તે માનેનાં શિષ્યા બન્યાં. માનેની શૈલીની પ્રગાઢ અસર મૉરિઝોની શૈલી પર પડી. માનેની માફક તેમનાં ચિત્રોમાં ફિસ્સા કાળા રંગના વિશાળ વિસ્તાર તથા પ્રકાશ-છાયાનો અભાવ જોવા મળે છે. પ્રભાવવાદી ચિત્રકલાના અગત્યના પાસા જેવી રંગવિભાજનની લાક્ષણિકતા તેમનાં ચિત્રોમાં જોવા મળતી નથી. પોતાના કલાગુરુ માનેના ભાઈ યુજીન માને સાથે તેમણે લગ્ન કર્યાં હતાં. માનેએ મૉરિઝોનાં ઘણાં વ્યક્તિચિત્રો પણ કર્યાં છે.
અમિતાભ મડિયા