મૉમ્બાસા : કેન્યા(પૂર્વ-આફ્રિકા)નું મુખ્ય બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : 4° 03´ દ. અ. અને 39° 40´ પૂ. રે.. હિન્દી મહાસાગરને કિનારે તે પ્રવાળ ટાપુ પર વસેલું છે. આ શહેર દારેસલામથી ઈશાનમાં 327 કિમી.ને અંતરે તથા નાઇરોબીથી અગ્નિકોણમાં 530 કિમી.ને અંતરે આવેલું છે. વસ્તીની ર્દષ્ટિએ કેન્યામાં તે નાઇરોબીથી બીજા ક્રમે આવે છે. અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી છે, પરંતુ અહીં નિયમિત રીતે દરિયાઈ લહેરો વાય છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 27° સે. અને 24° સે. જેટલાં રહે છે. આ ટાપુનો કુલ વિસ્તાર 14.2 ચોકિમી. જેટલો જ છે, પરંતુ મુખ્ય ભૂમિભાગને સાંકળતો તેની નગરપાલિકાની હદનો વિસ્તાર 39 ચોકિમી. જેટલો થાય છે. આફ્રિકાના પૂર્વ કિનારા પરનું તે ઘણું જ મહત્વનું દરિયાઈ બંદર છે.

આ બંદરેથી કેન્યા ઉપરાંત યુગાન્ડા, રુઆન્ડા, બુરુન્ડી તેમજ કોંગો ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ, જેવા નજીકના દેશોના માલસામાનની હેરફેર થાય છે. મૉમ્બાસાનું જૂનું બંદર હજી આજે પણ અહીંના ધોવ્ઝ (Dhows) વતનીઓ દ્વારા વપરાય છે, પરંતુ મોટાભાગનો વાણિજ્યવિકાસ ટાપુની પશ્ચિમ બાજુએ આવેલા કિલિન્દિની ખાતે થયેલો છે. ત્યાં આધુનિક ગોદીઓ, મોટાં ગોદામો અને મોટાં વહાણો લાંગરવાની વ્યવસ્થા છે. અહીંથી વાર્ષિક આશરે 30 લાખ ટન જેટલા માલસામાનની હેરફેર થતી રહે છે. મુખ્ય ભૂમિ પર કિપેવુ ખાતે 730 મીટર લાંબો ધક્કો બાંધવામાં આવેલો છે. આ ટાપુને કિપેવુ અને માકુપા સાથેના જોડાણમાર્ગો તથા પુલ બાંધીને સાંકળી લીધો છે. અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ આવેલું છે.

મૉમ્બાસા બંદરેથી મોટા પાયા પર થતી કૉફીની નિકાસ

આ બંદર માછીમારીનું કેન્દ્ર પણ છે. તે કેન્યા ઉપરાંત વાયવ્ય ટાન્ઝાનિયા, યુગાન્ડાના વિસ્તારો સાથે રેલમાર્ગે જોડાયેલું છે, તેથી ત્યાંથી ચા, કૉફી, કપાસ, કોપરાં, સિસલ (મજબૂત રેસા), જંતુનાશકો વગેરેનું વિતરણ થાય છે. અહીંના ઉદ્યોગોમાં ખનિજતેલ રિફાઇનરી, પીણાં, ઇજનેરી ચીજવસ્તુઓ, આટો, સાબુ અને સિમેન્ટનો સમાવેશ થાય છે.

આ શહેરની જાહેર ઇમારતોમાં ઍંગ્લિકન અને રોમન કૅથલિક દેવળો તથા 1594 અને 1661 વચ્ચે પૉર્ટુગીઝોએ બાંધેલો જિસસનો કિલ્લો જોવાલાયક છે. શહેરનો એક આખો ભાગ સરકારી ઇમારતો અને હોટલોથી બનેલો છે. જિસસનો કિલ્લો પહેલાં જેલ માટે વપરાતો હતો, તેમાં હવે સંગ્રહાલય ગોઠવવામાં આવેલું છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન આ સ્થળ હિન્દી મહાસાગરમાં નૌકામથક તરીકે પણ ઉપયોગમાં લેવાયેલું.

આજે જ્યાં મૉમ્બાસા આવેલું છે, ત્યાં 8મી સદીના અરસામાં ઈરાની અને અરબી વેપારીઓ આવીને વસેલા, પરંતુ તેની સ્થાપના 11મી સદીમાં થયેલી છે. 13મીથી 16મી સદી સુધી તે હાથીદાંત, સોનું, લાકડાં અને ગુલામોના વેપારનું મહત્વનું કેન્દ્ર બની રહેલું. તેના મોખરાના સ્થાનને કારણે તે અહીં અવરજવર કરતી ઘણી જાતિઓ માટે ભેગા થવા માટેનું મથક પણ હતું, ઈરાની સામ્રાજ્યનાં અહીં લશ્કરી થાણાં હતાં. 1528થી 1698 દરમિયાનના મોટાભાગના ગાળા સુધી તેમજ 1698થી 1887 સુધી અહીં અનુક્રમે પૉર્ટુગલનો અને ઓમાનનો અંકુશ રહેલો. 19મી સદીના અંતભાગ સુધી આરબોએ ત્યાંના ઝાંઝીબારના સુલતાનોના શાસન હેઠળ પોતાનું વર્ચસ્ જાળવી રાખેલું. કિનારા પર પણ તેમનો અંકુશ હોવાથી ગુલામોના વેપારમાંથી તેઓ સમૃદ્ધ થયેલા. તે પછીથી 1887થી 1963 સુધી તે ગ્રેટ બ્રિટનના અંકુશ હેઠળ આવ્યું. 1887માં ઝાંઝીબારના સુલતાને કેન્યાની દરિયાઈ પટ્ટી વાર્ષિક 16,000 પાઉન્ડના દરે બ્રિટનને આપી. 1907 સુધી મૉમ્બાસા પૂર્વ આફ્રિકાના રક્ષિત રાજ્યના પાટનગર તરીકે પણ રહેલું. 1963માં કેન્યા સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. આજે મોમ્બાસા બંદર તરીકે વિકસ્યું છે. 2010 મુજબ તેની વસ્તી આશરે 9,15,101 જેટલી છે. ઘણા લાંબા વખત સુધી રહેલો મલેરિયાના રોગનો પ્રશ્ન હવે અસરકારક રીતે અંકુશમાં લાવી શકાયો છે.

ગિરીશભાઈ પંડ્યા