મૉન્ટ્રિયલ (Montreal) : કૅનેડાના ક્વિબેક પ્રાંતમાં આવેલું ટોરૉંટોને સમકક્ષ મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 31´ ઉ. અ. અને 73° 34´ પ. રે.. તે દુનિયાભરમાં મોટામાં મોટાં નદીબંદરો પૈકીનું એક ગણાય છે. કૅનેડા માટે તે વાહનવ્યવહારનું મુખ્ય કેન્દ્ર છે. વળી તે કૅનેડાનાં વેપાર-ધંધા, ઉદ્યોગ, સંસ્કૃતિ અને શિક્ષણનું પણ મુખ્ય મથક છે. આ ઉપરાંત મૉન્ટ્રિયલના આશરે 66 % લોકોના પૂર્વજો ફ્રેન્ચ હતા તેથી તેઓ બધા ફ્રેન્ચ ભાષા બોલે છે, આ કારણે તે દુનિયાભરમાં પૅરિસ પછીના બીજા ક્રમે આવતું ફ્રેન્ચભાષી શહેર ગણાય છે.
કૅનેડામાં મૉન્ટ્રિયલનું સ્થાન ભૌગોલિક ર્દષ્ટિએ વિશિષ્ટ છે. સેન્ટ લૉરેન્સ અને ઑટાવા નદીઓના સંગમ-સ્થળ નજીક સેન્ટ લૉરેન્સ નદીની વચ્ચે આવેલા ટાપુ પર, માઉન્ટ રૉયલ (મૉન્ટરિયલ) પર્વતની ફરતે તે વસેલું છે. ઉત્તર અમેરિકામાં આ પ્રકારની ભૌગોલિક સ્થિતિ ધરાવતું આ એકમાત્ર શહેર છે. તે મૉન્ટ્રિયલ ટાપુનો 40 % જેટલો ભાગ આવરી લે છે. માઉન્ટ રૉયલ પર્વત-વૃક્ષોથી છવાયેલો છે. તે શહેરના મધ્ય ભાગમાં 233 મીટરની ઊંચાઈ ધરાવે છે. માઉન્ટ રૉયલની પશ્ચિમે વહેતી સેન્ટ લૉરેન્સ નદીના કાંઠા પરથી જ આ પર્વતના ઉગ્ર ઢોળાવો શરૂ થઈ જાય છે. આ ઢોળાવો પરની શ્રેણીબદ્ધ અગાશીઓ પર આ શહેર વસેલું છે. નદીકાંઠાના સ્તરે બંદરી સુવિધાઓ, ગોદામો તથા વ્યાપારી સંકુલો આવેલાં છે. જૂનું મૉન્ટ્રિયલ નદીકિનારા નજીકના નીચા ઢોળાવો પર આવેલું છે, વધુ ઉપર તરફ મધ્યસ્થ મૉન્ટ્રિયલની વ્યસ્ત દુકાનો તેમજ કાર્યાલયોની ઊંચી ઇમારતો આવેલી છે. જૂનું મૉન્ટ્રિયલ બેરી અને મૅકગિલ શેરીઓ વચ્ચે નદીકાંઠાની સીમા રચે છે. ત્યાંનાં અસંખ્ય જૂનાં અને ઊંચાં મકાનો અદ્યતન ઇમારતોની જોડાજોડ આવેલાં છે. વળી અહીંની સાંકડી શેરીઓની ધારે ધારે લોભામણાં રેસ્ટોરાં, નાની દુકાનો તથા કેટલાંક ઐતિહાસિક મકાનો પણ જોવા મળે છે. ઘણી શેરીઓના માર્ગો તો ઉપલોથી જડેલી ફરસબંધીવાળા છે.
શહેરનો મધ્યભાગ જૂના મૉન્ટ્રિયલની પશ્ચિમે આવેલો છે. અહીં કૅનેડામાં જોવા મળતી ઊંચી ઇમારતો, ધંધાથી વ્યસ્ત રહેતા ડિપાર્ટમેન્ટલ સ્ટોર તથા ભવ્ય હોટલો આવેલાં છે. મધ્ય શેરીઓથી નીચેના ભાગમાં મૉન્ટ્રિયલનો મુખ્ય વિભાગ આવે છે. આ વિભાગ ભૂગર્ભીય શહેર તરીકે ઓળખાય છે. ત્યાંના જુદા જુદા ચૉક અને માર્ગો પર 200થી વધુ રેસ્ટોરાં, દુકાનો, સિનેમાઘરો જોવા મળે છે.
મૉન્ટ્રિયલ શહેરની અને બૃહદ્ મૉન્ટ્રિયલની તથા પરાંસહિત શહેરની વસ્તી 2011 મુજબ અનુક્રમે 16,49,519, 38,24,221 અને 34,07,963 જેટલી છે. મૉન્ટ્રિયલનો મહાનગર વિસ્તાર કૅનેડાના ટોરૉંટો પછીના બીજા ક્રમે આવતો શહેરી વિસ્તાર ગણાય છે. આ મહાનગર-વિસ્તાર આશરે 75 જેટલાં નગરોનો બનેલો છે. કૅનેડાની આશરે 12 % વસ્તી આ બૃહદ મૉન્ટ્રિયલમાં વસે છે. મહાનગરના આશરે 65 % લોકો મુખ્ય શહેરથી બહારના ભાગોમાં વસે છે. આ શહેરની મોટાભાગની વસ્તી મૂળ ફ્રેન્ચ વંશના કૅનેડાનિવાસીઓથી બનેલી છે. શહેરમાંનાં ચિહનદર્શક પાટિયાં પણ મુખ્યત્વે ફ્રેન્ચ ભાષામાં લખાયેલાં હોય છે. મૉન્ટ્રિયલમાં વસતા આશરે 20 % લોકો વિદેશીઓ છે. અહીંના નિવાસીઓનો બીજા ક્રમે આવતો મોટો સમૂહ મૂળ બ્રિટિશવંશીઓથી બનેલો છે. 1945માં દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ યુરોપ તેમજ દૂર પૂર્વના દેશોમાંથી હજારો લોકો આ શહેરમાં આવીને વસ્યા છે.
મૉન્ટ્રિયલની શાળા-શિક્ષણ-વ્યવસ્થા પણ ભાષા અને ધર્મના પાયા પર ગોઠવાયેલી છે. શિક્ષણ ફ્રેન્ચ કે અંગ્રેજી ભાષામાં અપાય છે. દરેક ભાષાજૂથ પ્રમાણે રોમન કૅથલિક અને પ્રૉટેસ્ટંટ ધર્મની અલગ અલગ શાળાઓ છે. મૉન્ટ્રિયલમાં ચાર યુનિવર્સિટીઓ આવેલી છે, તે પૈકીની યુનિવર્સિટી ઑવ્ મૉન્ટ્રિયલ અને મૅકગિલ યુનિવર્સિટી વધુ જાણીતી છે.
દુનિયાનાં અન્ય ઘણાં મોટાં શહેરોની જેમ મૉન્ટ્રિયલને પણ જાતિભેદની તેમજ ગરીબાઈની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મોટાભાગની સારી નોકરીઓ તેમજ સારા આવાસો અંગ્રેજીભાષી લઘુમતીને ફાળે જાય છે, જ્યારે ફ્રેન્ચ બહુમતીને આ અંગે સહન કરવાનું આવે છે. આ પ્રકારની સ્થિતિ પ્રવર્તતી હોવાથી શહેરમાં ઘણી સામાજિક ખેંચતાણ રહ્યા કરે છે. મૉન્ટ્રિયલ એ અલગતાવાદીઓની રાજકીય ચળવળનું વડું મથક છે. તેમનો હેતુ ક્વિબેકને બાકીના કૅનેડાથી જુદું સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો છે.
મૉન્ટ્રિયલ એ કૅનેડાના પરિવહન-ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર છે. સેન્ટ લૉરેન્સ નદી દ્વારા આટલાંટિક મહાસાગર અને મોટાં સરોવરો સાથે થતા રહેતા જળમાર્ગવ્યવહારને કારણે મૉન્ટ્રિયલ બધાં જ જહાજો માટે થોભવાનું સ્થાન બની રહેલું છે. વળી આ શહેર ક્વિબેકના ખૂબ જ ઉપજાઉ ખેતી-પ્રદેશના વિસ્તારમાં આવેલું હોવાથી ખાદ્યપ્રક્રમણનું મહત્ત્વનું મથક બની રહેલું છે. ક્વિબૅકમાંના તેના મહત્વના સ્થાનને કારણે અહીં ખનિજતેલના શુદ્ધીકરણના તેમજ પેટ્રોરસાયણોના, માંસપ્રક્રમણ, આટો, ખાંડ, દારૂ, હવાઈ જહાજો, કપડાં, તમાકુની પેદાશો તથા પરિવહન સાધનસામગ્રીના ઉદ્યોગો પણ વિકસ્યા છે.
ઇતિહાસ : 1535માં ફ્રેન્ચ અભિયંતા ઝાક કાર્ટિયર સેન્ટ લૉરેન્સ નદી મારફતે વહાણ લઈને આવેલો અને મૉન્ટ્રિયલનો આખો ટાપુ ખૂંદી વળેલો. 1611માં સૅમ્યુઅલ દ શેમ્પ્લેઈને અહીં વ્યાપારી થાણું નાખેલું. 1642માં પૉલ દ શોમેડીએ મૂળ વિલે મારી નામનું આ સ્થળ સ્થાપેલું; 1642માં જ ફ્રેન્ચ વસાહતીઓએ આ જ સ્થળે કિલ્લો બાંધેલો અને ‘વિલે મારી’ વસાહત ઊભી કરેલી. આ સ્થળ અઢારમી સદીની શરૂઆતમાં મૉન્ટ્રિયલ નામથી ઓળખાતું થયું. 1760માં બ્રિટિશ દળોએ અહીં આવીને તેનો કબજો લઈ લીધો. 1760માં ફ્રાન્સે બ્રિટનને સોંપેલું આ છેલ્લું શહેર ગણાય છે. 1763માં પૅરિસ-સંધિ થઈ અને કૅનેડા આખું બ્રિટિશ વસાહત છે એવા સહીસિક્કા થયા; તેમ છતાં કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસનાં બળવાખોર દળોએ આ શહેરને 1775–76માં કબજે તો કરેલું, પરંતુ અહીંના શહેરીઓએ બ્રિટન સામેના આ બળવામાં યુ.એસ.માં જોડાવાનું સમજાવવા છતાં ના પાડેલી. તે પછીથી થોડા વખતમાં મૉન્ટ્રિયલ બ્રિટિશ વ્યાપારી કેન્દ્ર તરીકે વિકસતું ગયું, જ્યારે અહીંના ફ્રેન્ચ લોકો ખેતીના વ્યવસાયમાં રસ લેતા થયા.
1967માં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ‘એક્સ્પો 67’ મૉન્ટ્રિયલ ખાતે ભરાયેલું. 1976માં આ શહેર ઉનાળુ રમતોત્વસ(Summer Olympics)નું યજમાન બનેલું.
ગિરીશભાઈ પંડ્યા