મૉન્ટે બેલો ટાપુઓ

February, 2002

મૉન્ટે બેલો ટાપુઓ : હિન્દી મહાસાગરમાં ઑસ્ટ્રેલિયા નજીક આવેલા પરવાળાંના નાના નાના ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 20° 25´ દ. અ. અને 115° 32´ પૂ. રે.ની આજુબાજુ, ઑસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારાથી દૂર ડૅમ્પિયર દ્વીપસમૂહની પશ્ચિમે 100 કિમી. તથા પ્રેસ્ટનની ભૂશિરથી 80 કિમી.ને અંતરે તે આવેલા છે. અહીંના બધા જ ટાપુઓ વસ્તીવિહીન છે; નૉર્થ વેસ્ટ, સાઉથ ઈસ્ટ, ત્રિમૌઇલી અને હર્માઇટ આ પૈકીના સૌથી મોટા ટાપુઓ છે. નાના નાના અખાતોથી ખાંચાખૂંચીવાળા બનેલા આ ટાપુઓ સમતળ અને રેતાળ છે. અહીંના અખાતો પર ચેર(મૅન્ગ્રોવ)નાં વૃક્ષો ઊગેલાં છે.

1622માં ટ્રાયલ નામનું એક બ્રિટિશ વહાણ અહીંના પરવાળાંના ખરાબા સાથે અફળાઈને તૂટી ગયેલું. 1801–02માં નિકોલસ બૉડિને આજુબાજુના જળ સહિતનો આ ટાપુઓનો નકશો તૈયાર કરેલો. આ ટાપુઓને મૉન્ટે બેલોના ફ્રેન્ચ ડ્યૂક ઝાં લૅનસના માનમાં ‘મૉન્ટે બેલો’ નામ અપાયેલું છે. 1952 અને 1956માં બ્રિટને અણુસ્ફોટ કરવા માટે આ ટાપુઓનો ઉપયોગ કરેલો. તેની વિકિરણ-અસરથી મુક્ત રહી શકે તે માટે ઑસ્ટ્રેલિયાના તથા જાપાનના માછીમારોને અહીંના આસપાસના વિસ્તારમાં અવરજવર કરવા કે માછીમારી કરવા પર અમુક સમય સુધી પ્રતિબંધ મૂકેલો.

ગિરીશભાઈ પંડ્યા