મૉન્ટેસોરી, મેરિયા (જ. 31 ઑગસ્ટ 1870; ચિમારાવિલ, ઇટાલી; અ. 6 ડિસેમ્બર 1952, નૂરવિક-ઑન-સી, નેધર્લૅન્ડ્ઝ) : બાલકેળવણી-ક્ષેત્રે નવી બાલોચિત પદ્ધતિ આપનાર પ્રસિદ્ધ કેળવણીકાર. ઇટાલીનાં તે પહેલા મહિલા ડૉક્ટર હતાં જેમણે રોમની યુનિવર્સિટીમાંથી ડૉક્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. રોમ યુનિવર્સિટીના મનશ્ચિકિત્સા (psychiatric) ક્લિનિકમાં મદદનીશ ફિઝિશિયન તરીકે કામ કરતાં તેમને શિક્ષણમાં રસ ઉત્પન્ન થયો હતો, જેથી તેમણે મનસોપચારશાસ્ત્ર સાથે શિક્ષણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1899–1901 દરમિયાન તેઓ મંદબુદ્ધિ તથા અપંગ બાળકો માટેની શાળાનાં સ્થાપક આચાર્યા રહ્યાં, અને તેમાં તેમણે વિકસાવેલી પદ્ધતિઓ સામાન્ય બાળકોને પણ લાગુ પાડવા પ્રયોગો કર્યા. એડ્વર્ડ સેગ્વિન(Edouard Seguin)ના વિચારોને અનુસરીને તેમણે તેમની પોતાની આગવી શિક્ષણપદ્ધતિ જે મૉન્ટેસોરી પદ્ધતિ તરીકે પ્રખ્યાત થઈ તે વિકસાવી. 1900થી 1904 દરમિયાન તેમણે શિક્ષણશાસ્ત્રના અધ્યાપક તરીકે તથા 1904થી 1908 દરમિયાન નૃવંશશાસ્ત્ર(Aanthropology)ના પ્રાધ્યાપક તરીકે રોમની યુનિવર્સિટીમાં સેવાઓ આપી. રોમના પછાત વિસ્તારોમાં તેમણે 1907માં બાળકો માટેની મૉન્ટેસોરી શાળા (casa dei bambino) સ્થાપી. તેમની પદ્ધતિમાં બાળકોને ઇન્દ્રિયોના વિકાસ (sense training) તથા સ્નાયુઓનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવે છે. 1917માં સ્પેનના બાર્સિલોના શહેરમાં મૉન્ટેસોરી ઇન્સ્ટિટ્યૂટમાં ડિરેક્ટરપદે કામ કર્યું. 1919માં લંડનમાં તાલીમી કાર્યક્રમો માટે શિક્ષણકાર્ય કર્યું. 1922થી 1934 દરમિયાન ઇટાલીમાં શાળાઓનાં સરકારી ઇન્સ્પેક્ટર તરીકે રહ્યાં. 1938માં નેધર્લૅન્ડ્ઝમાં લારેન શહેરમાં મૉન્ટેસોરી તાલીમ કેન્દ્રની તેમણે સ્થાપના કરી. 1914માં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં પ્રવાસ કરી પોતાની શિક્ષણપદ્ધતિ વિશે પ્રવચનો કર્યાં.
1939માં તેઓ ભારતના મદ્રાસ ( ચેન્નાઈ) શહેરમાં 300 શિક્ષકોના એક તાલીમી વર્ગમાં વ્યાખ્યાન આપવા આવ્યાં હતાં; પરંતુ તે દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં તથા તેઓ ઇટાલીનાં નાગરિક હતાં એટલે અંગ્રેજ સરકારે તેમને ભારત છોડવા ઉપર પ્રતિબંધ લાદ્યો, પરંતુ ભારતમાં તેમનું કાર્ય ચાલુ રાખવા પરવાનગી આપી. આથી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ભારતમાં અમદાવાદ, કોડાઇકેનાલ, અડ્યાર અને શ્રીનગરમાં તથા શ્રીલંકામાં તાલીમી વર્ગો ચલાવ્યા. આ ઉપરાંત તેમણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોની મુલાકાત લીધી. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં તેઓ યુરોપ પાછાં ફર્યાં. 1948માં 78 વર્ષની ઉંમરે તેઓ ભારત ફરીથી આવ્યાં અને પુણે, મુંબઈ, અડ્યાર તથા ગ્વાલિયરમાં તેમણે વ્યાખ્યાન આપ્યાં. 1949માં તેઓ પાકિસ્તાન ગયાં અને કરાંચીમાં એક તાલીમવર્ગ ચલાવતાં હતાં ત્યારે એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પ્રમુખ તરીકે ફરજ બજાવવા એકાએક યુરોપ ચાલ્યાં જવું પડ્યું, પરંતુ તેમના એક મદદનીશને વર્ગ ચાલુ રાખવા મૂકી ગયાં. 1949માં પૅરિસમાં તેમણે યુનેસ્કોની એક સભામાં વ્યાખ્યાન આપ્યું.
ભારતથી પાછાં ફર્યા બાદ તેમણે નેધર્લૅન્ડ્ઝના આમ્સ્ટર્ડામ શહેરમાં મુખ્ય મથક સ્થાપ્યું. ત્યાંથી તેમણે નૉર્વે, સ્વીડન સહિત યુરોપના ઘણા દેશો–ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇંગ્લૅંડ, ઑસ્ટ્રિયા વગેરે–માં કાર્ય કર્યું હતું. તે ઉપરાંત ભારત, શ્રીલંકા, યુ. એસ. તથા આર્જેન્ટિના જેવા અન્ય ઘણા દેશોમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં કે તાલીમી વર્ગો ચલાવ્યા હતા.
81 વર્ષની વયે નેધર્લૅન્ડ્ઝના નૂરવિક-ઑન-સી શહેરમાં અચાનક તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમને નૂરવિકમાં જ્યાં દફનાવવામાં આવ્યાં હતાં, ત્યાં એક સુંદર સ્મારક પણ રચવામાં આવ્યું હતું.
મૉન્ટેસોરી પદ્ધતિ : મૅડમ મૉન્ટસોરીની શિક્ષણપદ્ધતિ ખાસ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે છે અને તેમાં બાળકને અમુક ચોક્કસ સાધનોનો ઉપયોગ કરી મુક્ત રીતે પોતાની જાતે શીખવાનું ગોઠવવામાં આવે છે. હાલ દુનિયાના ઘણા દેશોનાં બાલમંદિરોમાં મૉન્ટેસોરી પદ્ધતિ સંપૂર્ણપણે અપનાવવામાં આવેલી છે અથવા તેના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે.
મૉન્ટેસોરીની માન્યતા પ્રમાણે બાળકને પ્રથમ તેની જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગ વડે જ્ઞાન આપવાની શરૂઆત કરવી જોઈએ. તેમાં પણ સ્પર્શની ઇન્દ્રિયથી શરૂઆત કરવી જોઈએ. ખરબચડા અને લીસા પદાર્થો વચ્ચે તફાવત જાણવાની શરૂઆત કરવા બાળકને લીસાં લાકડાં તથા કાચ પાયેલા ખરબચડા કાગળ આપવામાં આવે છે. લીસી અને ખરબચડી વસ્તુઓનો સ્પર્શ કરી તેમની વચ્ચેનો તફાવત શોધવાનું બાળકે શીખવાનું હોય છે. વળી ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે આકારો ઓળખવા તેમને ચોક્કસ પ્રકારનાં લાકડાંનાં સાધનો આપવામાં આવે છે. આકાર પ્રમાણે લાકડાના ટુકડાઓને તેમનાં યોગ્ય ખાનાંમાં બંધ બેસતા ગોઠવવાનું તેમને શીખવવામાં આવે છે. વિવિધ રંગો ઓળખવા માટે તેમને રંગીન કાગળ, લાકડાના રંગીન ટુકડા, રંગીન ચોક વગેરે સાથે રમવા દેવામાં આવે છે. તેમના હાથ-પગનો ઉપયોગ થાય તે માટે તેમને ટેબલ-ખુરશી ખસેડવાનું, તેમને કકડા વડે સાફ કરવાનું વગેરે કામ પણ આપવામાં આવે છે.
ભાષા શીખવા માટે ઉચ્ચાર પ્રમાણે સાદા અક્ષરોથી શરૂ કરી, બોલવા તથા અક્ષરો ઓળખવા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. એ પછી અક્ષરોનાં જોડાણોથી શબ્દો અને શબ્દોનાં જોડાણોથી વાક્યો બનાવતાં બાળક શીખે છે. ભારતની ભાષાઓ જેવી જ ઇટાલિયન ભાષા ઉચ્ચાર પ્રમાણે લખાતી હોવાથી મૉન્ટેસોરી પદ્ધતિ દ્વારા ભાષાના ઉચ્ચાર તથા લખાણનું કામ બાળક સહેલાઈથી શીખે છે. આ સર્વ કાર્યમાં શિક્ષકે માત્ર જરૂર પડ્યે માર્ગદર્શન કરવાનું હોય છે. બાકી બધું બાળક મૉન્ટેસોરી સાધનો દ્વારા પોતે શીખે છે. વળી દરેક બાળક પોતાની શક્તિ પ્રમાણે વત્તીઓછી ઝડપથી શીખે છે. બધાં બાળકોના તેમની ઉંમર પ્રમાણે વર્ગો ન બનાવતાં તેમની શીખવાની ઝડપ પ્રમાણે તેમનાં જૂથ બનાવવામાં આવે છે.
મૉન્ટેસોરી પદ્ધતિમાં ચોક્કસ સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ પદ્ધતિ પ્રમાણે ચાલતાં બાલમંદિરો થોડાં મોંઘાં બને છે.
કૃષ્ણકાંત ગો. દેસાઈ