મૉન્ટેવિડિયો : દક્ષિણ અમેરિકાના ઉરુગ્વે દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34° 53´ દ. અ. અને 56° 11´ પ. રે. પર આવેલું તે દેશનું સૌથી મોટું શહેર તથા મુખ્ય બંદર છે. તે ઉરુગ્વેના દક્ષિણ કાંઠે જ્યાં રિયો દ પ્લાટા આટલાંટિક મહાસાગરને મળે છે ત્યાં વસેલું છે. આ શહેરની વસ્તી 2011 મુજબ 12,92,347 જેટલી છે. તેમજ તેનો વિસ્તાર 530 ચો.કિમી. જેટલો છે. ઉરુગ્વે દેશના આશરે 40 % લોકો આ શહેરમાં વસે છે.
શહેરના મધ્ય સ્થળે આજુબાજુની સુંદર ઇમારતોથી ઘેરાયેલો પાર્ક ‘ઇન્ડિપેન્ડન્સ પ્લાઝા’ આવેલો છે. આ મધ્ય સ્થળે સરકારી ઇમારતો, મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, સાલ્વો પૅલેસ, કલાનિદર્શન માટેનું સોલિસ થિયેટર અને વિક્ટોરિયા પ્લાઝા હોટલ આવેલાં છે. આ પ્લાઝાથી પૂર્વ તરફ અવેનિડા 18 દ જુલિયો (માર્ગ) ધંધાનાં મુખ્ય સ્થળોમાં થઈને પસાર થાય છે. વૃક્ષોની હારથી શોભતા આ માર્ગને ઉરુગ્વેના પ્રથમ બંધારણની તારીખ (18 જુલાઈ, 1830) પરથી નામ અપાયેલું છે. ઇન્ડિપેન્ડન્સ પ્લાઝાથી થોડેક જ અંતરે ‘ઓલ્ડ ટાઉન’ના નામથી ઓળખાતા વિસ્તારમાં જવા માટેનું પ્રવેશદ્વાર છે. ઓલ્ડ ટાઉનમાં મૂળ શહેરનો લગભગ બધો જ ભાગ આવી જાય છે. તેમાં અઢારમી અને ઓગણીસમી સદીનાં ઘણાં મકાનો આવેલાં છે. આ ઓલ્ડ ટાઉન દક્ષિણ તથા પૂર્વ તરફના કિનારા પર આવેલા બંદર સુધી વિસ્તરેલું છે. કિનારા પર સુંદર રેતાળ પટ પથરાયેલો છે.
મૉન્ટેવિડિયોના મોટાભાગના નિવાસીઓ એક મજલાનાં મકાનોમાં કે આધુનિક ઢબનાં એપાર્ટમેન્ટ્સમાં રહે છે. અહીં ઝૂંપડપટ્ટીઓનું પ્રમાણ ઘણું ઓછું છે. યુનિવર્સિટી ઑવ્ રિપબ્લિક પણ આ શહેરમાં જ આવેલી છે. અહીંના ઘણાખરા લોકો (60 %) સરકારી નોકરીઓમાં રોકાયેલા છે, બાકીના લોકો કાપડ-ઉત્પાદન, માંસ-પ્રક્રમણ કે પ્રવાસનના એકમોમાં કામ કરે છે. ઉરુગ્વેની મોટાભાગની આયાત-નિકાસ પણ અહીંના બંદરેથી જ થાય છે.
સ્પેનથી આવેલા વસાહતીઓએ અઢારમી સદીની શરૂઆતમાં મૉન્ટેવિડિયો સ્થળ વસાવેલું. ત્યારથી આ સ્થળ નજીકની ખેતભૂમિના વિસ્તારમાંથી મળતી પેદાશો માટેનું વાણિજ્યનું મથક બની રહેલું છે. ઓગણીસમી સદીના અંતિમ ચરણ દરમિયાન ફ્રાંસ, જર્મની, ગ્રેટ બ્રિટન, ઇટાલી અને હંગેરી જેવા યુરોપીય દેશોમાંથી અહીં કાયમી વસવાટ માટે આવેલા લોકોના ભારે ધસારાથી આ શહેર ઝડપથી વિકસતું અને વિસ્તરતું ગયું છે, કારણ કે આ વસાહતીઓ પૈકીના ઘણા તો કુશળ કારીગરો હતા. તેમણે આ શહેરના વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રે ઘણો મોટો ફાળો આપેલો છે. જોકે વીસમી સદીના મધ્યકાળથી મૉન્ટેવિડિયો અને ઉરુગ્વેના બાકીના ભાગમાં ઘણી આર્થિક સમસ્યાઓ ઊભી થયેલી. તે વખતે આ શહેરનો વિકાસ અમુક પ્રમાણમાં રૂંધાયેલો, પરંતુ તે પછીથી ધીમે ધીમે તે ફરી પાછું બેઠું થયું છે.
ગિરીશભાઈ પંડ્યા