મૉન્ટેરી (Monterrey) : મેક્સિકોના ઈશાન ભાગમાં આવેલું ન્યુવો લ્યોન રાજ્યનું પાટનગર, મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 25° 40´ ઉ. અ. અને 100° 79´ પ. રે.. મેક્સિકોમાં વસ્તીની ર્દષ્ટિએ મોટાં ગણાતાં મેક્સિકો, નેટઝાહુલકોયોટલ અને ગ્વાદલજારા પછીના ચોથા ક્રમે આવતું શહેર. તેની વસ્તી 11,35,512 (2010) જેટલી છે. તે સમુદ્રસપાટીથી 538 મીટરની ઊંચાઈ પર, સેરો દ લા સિલા પર્વતની તળેટીમાં, યુ.એસ.ના ટેક્સાસ રાજ્યની સરહદ નજીક, ફળદ્રૂપ ખીણભાગમાં વસેલું છે. તેના ઉત્તર ભાગને બાદ કરતાં તે બધી બાજુએ પર્વતોથી ઘેરાયેલું છે. પાનઅમેરિકન ધોરી માર્ગ પર તે મેક્સિકો શહેરથી ઉત્તરમાં 708 કિમી.ને અંતરે તથા ટેક્સાસ સરહદે આવેલા લારેડોથી નૈર્ઋત્યમાં આશરે 225 કિમી.ને અંતરે આવેલું છે, આ ત્રણેય સ્થળો પાનઅમેરિકન માર્ગથી અન્યોન્ય જોડાયેલાં છે. ઘણા મેક્સિકન અમેરિકાવાસીઓ મૉન્ટેરીમાં વસે છે. અહીં સ્પૅનિશ સ્થાપત્યશૈલીનાં ઘણાં મકાનો છે. આ સાથે આધુનિક બાંધણીની ઇમારતો પણ છે. રમણીય ર્દશ્યો ધરાવતું આ શહેર પ્રાચીન છે. તેની સાંકડી ગલીઓ, સપાટ છાપરાંવાળાં ઘર, દેવળો, સરકારી ઇમારતો તેમનાં લક્ષણોમાં આધુનિકતાથી અલગ પડી જતાં હોવાથી સ્પૅનિશ વસાહતોનું ચિત્ર ખડું કરે છે. પ્લાઝાઝારાગોઝા આ શહેરનું સામાજિક તથા વેપારી મધ્યસ્થ સ્થળ છે. રાતા ગ્રૅનાઇટથી બનાવેલું જ્યૂપિટરનું મંદિર અહીંની ભવ્ય ઇમારત ગણાય છે. સુંદર ટાવર ધરાવતા અઢારમી સદીના કૅથીડ્રલનો મોખરાનો ભાગ સુંદર કોતરણી કરેલા પથ્થરથી સજાવેલો છે. તેમાં શિલ્પો અને ભાતીગળ ચિત્રો છે. ક્રાંતિકારી પાદરી હિડાલ્ગો વાય. કોસ્ટિલા(1753–1811)નું કાંસાનું બાવલું મૂકેલું છે. લૅટિન અમેરિકાની આગળપડતી ગણાતી મર્ગ્વેઝા હૉસ્પિટલની ઇમારત અત્યંત સુંદર અને આધુનિક છે. અહીંની મૉન્ટેરી ટૅક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા અમેરિકી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવે છે. આ ઉપરાંત અહીંનાં અન્ય જોવાલાયક સ્થળોમાં ફેડરલ પૅલેસ, નગરગૃહ, જુગારખાના વગરનું કેસીનો, કોલોન માર્કેટ, સ્ટ્રીટ માર્કેટ, આલમેડા સેન્ટ્રલ પાર્ક અને મોટી વ્યાયામશાળાનો સમાવેશ થાય છે. શહેરની વાયવ્યમાં આવેલી ગાર્સિયા કેવ્ઝ પણ જાણીતી છે.
મૉન્ટેરી તેની લોહ-પોલાદની ભઠ્ઠીઓ અને પીણાંઓ માટે પ્રસિદ્ધ બન્યું છે. કાપડ, સિમેન્ટ, ધાતુગાળણ, પ્લાસ્ટિક બૉટલોનાં મળીને 500થી વધુ કારખાનાં અહીં આવેલાં છે. આ ઉપરાંત અહીં સિગારેટ અને તમાકુની પેદાશોનું તેમજ પટકાચ, કાચનાં પાત્રો, ખાદ્યસામગ્રી અને ડબાઓનું ઉત્પાદન પણ થાય છે. નજીકમાં લોહ, સીસા અને જસતની ખાણો પણ છે. કુદરતી વાયુ લઈ જતી પાઇપલાઇન અહીંના ઔદ્યોગિક વિકાસને સહાયરૂપ બની રહેલી છે.
આ શહેરમાં વસ્તીગીચતા વધુ છે. તે યુ.એસ. અને મેક્સિકો વચ્ચે કડીરૂપ બની રહેલું છે. તેની ઉત્તર તરફના ધોરી માર્ગ પર પ્રજાસત્તાકની મોટામાં મોટી લશ્કરી છાવણીનું મથક ‘કૅમ્પો મિલિટર’ આવેલું છે.
મૉન્ટેરી 1596માં ડિયેગો દ મૉન્ટેમેયરે વસાવેલું. આ સ્થળનું નામ પણ તેણે જ પાડેલું છે. અગાઉ અહીં સ્પેનની વસાહત હતી. આ શહેરમાં ધર્માધ્યક્ષની પીઠ પણ છે. સત્તરમી સદીમાં બાંધેલો તેમનો મહેલ અહીં ટેકરીને મથાળે આવેલો છે. તે 1846–1848ના મેક્સિકન યુદ્ધ દરમિયાન યુ.એસ. દ્વારા હિંસક હુમલો કરવા માટેનું લક્ષ્ય હતો.
ગિરીશભાઈ પંડ્યા