મૉન્ટાના : યુ.એસ.ના વાયવ્ય ભાગમાં રૉકી પર્વત વિસ્તારમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 110° 00´ પ. રે.ની આજુબાજુનો 3,80,848 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ કરતાં લગભગ બમણી છે. યુ.એસ.નાં રાજ્યોમાં વિસ્તારની ર્દષ્ટિએ તે ચોથા ક્રમે આવે છે, પરંતુ અન્ય કોઈ પણ રાજ્ય કરતાં તેની વસ્તી ઓછામાં ઓછી છે. તેની ઉત્તર તરફ કૅનેડાની સરહદ, પૂર્વ તરફ ઉત્તર અને દક્ષિણ ડાકોટા, દક્ષિણ તરફ વાયોમિંગ અને ઇડાહો તથા પશ્ચિમ તરફ ઇડાહો રાજ્ય આવેલાં છે. તેનું મૉન્ટાના નામ પહાડી(mountainous)નો અર્થ ધરાવતા સ્પૅનિશ શબ્દ પરથી ઊતરી આવેલું છે. પશ્ચિમ ભાગ તરફ આવેલું હેલેના તેનું પાટનગર છે. બિલિંગ્ઝ અને ગ્રેટ ફૉલ્સ આ રાજ્યનાં માત્ર બે બીજાં મોટાં નગરો છે. રાજ્યના પર્વતપ્રદેશોમાંથી મળી આવતા સોના-ચાંદીના ખનિજ-જથ્થાઓને કારણે તેને ‘ટ્રેઝર સ્ટેટ’ (ખજાનાનું રાજ્ય) જેવું ઉપનામ પણ અપાયેલું છે.

મૉન્ટાના

ભૂપૃષ્ઠઆબોહવા : રાજ્યનો પશ્ચિમ ભાગ ઊંચા, અસમતળ (ખરબચડા) દેખાવવાળા પર્વતોથી બનેલો હોવા છતાં તેનું ભૂપૃષ્ઠ રમણીય ર્દશ્યોવાળું બની રહેલું છે. દક્ષિણ મૉન્ટાનામાં આવેલું, 3,901 મીટરની ઊંચાઈ ધરાવતું ‘ગ્રૅનાઇટ પીક’ રાજ્યનું સર્વોચ્ચ સ્થળ છે, જ્યારે રાજ્યના વાયવ્ય કોણમાં 549 મીટરની ઊંચાઈએ વહેતી કૂટીનાઈ (Kootenai) નદી રાજ્યનું નીચામાં નીચું સ્થળ છે.

આ રાજ્ય ઉત્તર ગોળાર્ધના મધ્ય અક્ષાંશોમાં તથા પર્વતીય પ્રદેશમાં આવેલું હોવાથી વર્ષભર તેના તાપમાનનું પ્રમાણ નીચું અને હવામાન ઠંડું રહે છે. તેનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્મે –4°થી –8° સે. અને 20° સે. જેટલાં રહે છે. જાન્યુઆરીમાં ઊંચા પર્વતપ્રદેશોમાં તેમજ ઈશાન ભાગોમાં તે –18° સે. સુધી પણ પહોંચી જાય છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ મેદાનોમાં 250 મિમી. અને પર્વતોમાં 2,000 મિમી. જેટલું રહે છે. હિમવર્ષાની સ્થિતિ 90થી 120 દિવસો સુધી રહે છે.

પૅરેડાઇઝ વૅલી, મૉન્ટાના

અર્થતંત્ર : રાજ્યનું અર્થતંત્ર મહદ્અંશે તેની નાણાકીય બાબતો સાથે સંબંધ ધરાવે છે. રાજ્યનાં મોટાં શહેરોમાં ચાલતા ધંધા, વેપાર અને શિક્ષણક્ષેત્રમાં ઘણાખરા લોકો રોકાયેલા છે. સોનું અને કુદરતી વાયુ આ રાજ્યની સંપત્તિ છે. ઘઉં, સૂકું ઘાસ અને ઢોરનું માંસ અહીંની કૃષિ અને પ્રાણિજ પેદાશો છે. રાજ્યની આશરે 30 % જેટલી ભૂમિ યુ. એસ. સરકાર હસ્તક છે, જ્યારે ખાણકાર્યના, ગૌચરના તથા લાકડાંના વિસ્તારો રાજ્ય હસ્તક છે. લાકડાંમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિ અહીં મોટા પાયા પર વિકાસ પામી છે. ઔદ્યોગિક ઉત્પાદન કરતાં ખાદ્યપ્રક્રમણ અહીં વધુ પ્રમાણમાં થાય છે.

વસ્તી : મૉન્ટાનાની વસ્તી 2010 મુજબ 9,89,415 જેટલી છે. અહીં દર ચોકિમી. દીઠ 2 વ્યક્તિની ગીચતા છે. અહીંનું મોટામાં મોટું શહેર બિલિંગ્ઝ (વસ્તી 70,000થી વધુ) છે અને બીજાં નવ શહેરોની વસ્તી 10,000થી વધુ છે. 94 % વસ્તી શ્વેત લોકોની છે, અને બાકીના અમેરિકી ઇન્ડિયનો છે. ગ્રામીણ વસ્તીનું પ્રમાણ ઘટતું જઈને શહેરી વસ્તીનું પ્રમાણ વધ્યું છે.

ઇતિહાસ : જૂનું મૉન્ટાના ઇન્ડિયન લોકોથી વસેલું પરગણું હતું. તે વખતે વસ્તી પણ ઘણી ઓછી હતી. 1862માં અહીંથી સોનું મળી આવ્યું ત્યારથી ઘણી મોટી સંખ્યામાં લોકો અહીં વસવા માટે આવ્યા. 1876માં અહીંના સિયૉક્સ અને ચેયન્ને જાતિના ઇન્ડિયનોએ લેફ્ટનન્ટ કર્નલ જ્યૉર્જ એ. કસ્ટર અને તેનાં દળોને, જાણીતી બનેલી ‘કસ્ટર્સ લાસ્ટ સ્ટૅન્ડ’ લડાઈમાં હરાવેલાં. પોતાની ભૂમિ જાળવી રાખવા માટે ઇન્ડિયનોએ કરેલા સંઘર્ષો છેવટે 1877માં શરણાગતિ સ્વીકારવાથી પૂરા થયા. 1889માં મૉન્ટાના યુ.એસ.નું રાજ્ય બન્યું. તે પછી રાજ્યમાં ઍનાકૉન્ડા કંપની નામે એક કૉર્પોરેશન સ્થપાયું. રાજ્યના વિકાસમાં આ કૉર્પોરેશનનો ઘણો મોટો ફાળો રહેલો. સોનાની ખાણો તેને હસ્તક હતી. તેમજ જંગલો, બૅંકો અને દૈનિક પત્રો પર પણ તેનો અંકુશ હતો. તેણે વિદ્યુત-ઊર્જા કંપનીને વ્યવસ્થિત કરીને સંગીન પાયા પર મૂકી આપી અને બંધ તથા રેલમાર્ગો બાંધ્યા.

લાકડાં પર પ્રક્રિયા કરીને બનાવાતી ચીજવસ્તુઓના તેમજ ખાણકાર્યના ઉદ્યોગોમાં 1980–90 દરમિયાન રાજ્યને ઘણી મુશ્કેલી વેઠવી પડેલી.

ગિરીશભાઈ પંડ્યા