મૉન્ટગોમરી, બર્નાર્ડ લૉ

February, 2002

મૉન્ટગોમરી, બર્નાર્ડ લૉ (જ. 17 નવેમ્બર 1887, લંડન; અ. 24 માર્ચ 1976, ઍલ્ટન, ઇંગ્લૅન્ડ) : બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન શરૂઆતમાં બ્રિટિશ લશ્કરને અને ત્યારબાદ મિત્રરાષ્ટ્રોના સંયુક્ત કમાન્ડને સફળ નેતૃત્વ પૂરું પાડનાર બાહોશ બ્રિટિશ સેનાપતિ. બીજા વિશ્વયુદ્ધમાં ઇજિપ્તના નગર અલ અલામીન ખાતે મિત્રરાષ્ટ્રોના સેના અને જર્મન સેના વચ્ચે થયેલા ભીષણ યુદ્ધમાં ઍલેક્ઝાંડ્રિયા તરફ વિજયી કૂચ કરી રહેલા જર્મન લશ્કરને પરાજિત કરી વિશ્વયુદ્ધને મિત્રરાષ્ટ્રોતરફી વળાંક આપવાનો જશ મૉન્ટગોમરીના કુશળ લશ્કરી નેતૃત્વને આપવામાં આવે છે.

બર્નાર્ડ લૉ મૉન્ટગોમરી

બિશપ પિતા એચ. એચ. મૉન્ટગોમરીના આ પુત્રનું પ્રાથમિક શિક્ષણ લંડન ખાતેની સેન્ટ પૉલ સ્કૂલમાં પૂરું થયા બાદ સૅન્ડહર્સ્ટ ખાતેની રૉયલ મિલિટરી અકાદમીમાં તેમણે લશ્કરના અધિકારી તરીકેનું પ્રશિક્ષણ પૂરું કર્યું હતું. ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી, જેના ફલસ્વરૂપે તેમને લશ્કરમાં મેજરની રૅન્ક તથા D.S.O.(ડિસ્ટિંગ્વશ્ડ સર્વિસ ઑર્ડર)થી નવાજવામાં આવ્યા હતા. 1931–34ના ગાળામાં રૉયલ વૉર વિક્સની ફર્સ્ટ બટૅલિયનના તેઓ કમાન્ડિંગ ઑફિસર બન્યા તથા 1938–39 દરમિયાન 8મી ડિવિઝનના કમાન્ડર તરીકે તેમણે બ્રિટિશ લશ્કરને સેવાઓ આપી હતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે અરસામાં તેઓ ફ્રાન્સમાં થર્ડ ડિવિઝનના કમાડિંગ ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા. જર્મનીના આક્રમણ સામે ફ્રાંસનું પતન થયા બાદ તેઓ બ્રિટન પાછા જતા રહ્યા, જ્યાં તેમને ડમી કૉર્સના સેનાપતિ બનાવવામાં આવ્યા. પોતાના હસ્તકના દરેક સૈનિકની સંપૂર્ણ તંદુરસ્તી પર તેઓ હંમેશ ભાર મૂકતા; એટલું જ નહિ, પરંતુ પોતે લશ્કરના ઉચ્ચ અધિકારી હોવા છતાં શરાબ અને ધૂમ્રપાનથી અળગા રહેતા હતા.

1942ની શરૂઆતમાં જર્મનીના વિચક્ષણ સેનાપતિ રોમેલના નેતૃત્વ હેઠળ જર્મન સેનાઓ જ્યારે લિબિયા તરફ કૂચ કરી રહી હતી ત્યારે તે રણક્ષેત્રમાં લડી રહેલ બ્રિટિશ લશ્કરનું નેતૃત્વ મૉન્ટગોમરીને સોંપવામાં આવ્યું અને તુરત જ તેમણે પોતાની કુશળતાનો પરિચય આપ્યો અને જર્મન સેનાઓની આગેકૂચ અટકાવી દીધી; એટલું જ નહિ, પરંતુ ઇજિપ્તના નગર અલ અલામીન (El Alamein) ખાતેના ભીષણ યુદ્ધમાં જર્મન લશ્કરને પીછેહઠ કરવી પડી. આ વિજયમાં મૉન્ટગોમરીએ 1,50,000 જેટલા ચુસ્ત રીતે તાલીમ પામેલા સૈનિકો, 1,114 રણગાડીઓ તથા 1,000 તોપોનો કુશળતાથી ઉપયોગ કર્યો હતો. તેની સામે રોમેલ પાસે માત્ર 96,000 સૈનિકો અને 600 રણગાડીઓ હતાં. એક અઠવાડિયા સુધી ચાલેલા આ ભીષણ યુદ્ધના અંતે રોમેલની સેનાઓ ભાંગી પડી હતી. આ યુદ્ધમાં જર્મનીની કુલ ખુવારી 59,000 સૈનિકો, 500 રણગાડીઓ અને 400 તોપો જેટલી હતી, જેની સામે મૉન્ટગોમરીના નેતૃત્વ હેઠળના મિત્રરાષ્ટ્રોના લશ્કરે માત્ર 13,000 સૈનિકો અને 432 રણગાડીઓ ગુમાવ્યાં હતાં.

અલ અલામીનની લડાઈએ બીજા વિશ્વયુદ્ધનું સ્વરૂપ અને દિશા મૂળભૂત રીતે બદલી નાખ્યાં હતાં અને ત્યારથી જ જર્મનીના પરાજયની શરૂઆત થઈ હતી એવું નિષ્ણાતો અને ઇતિહાસકારોનું માનવું છે. એટલે જ ત્યારબાદ તેઓ આજીવન વાઇકાઉન્ટ મૉન્ટગોમરી ઑવ્ અલ અલામીન તરીકે ઓળખાયા.

ડિસેમ્બર 1943માં તેમણે મધ્યપૂર્વના રણક્ષેત્રની વિદાય લીધી હતી અને ઉત્તર યુરોપના રણક્ષેત્રનો તેમણે આઇઝેનહોવર સાથે સંયુક્ત રીતે હવાલો સંભાળ્યો હતો, જોકે આ રણક્ષેત્ર પર લડી રહેલા મિત્ર-રાષ્ટ્રોના પાયદળના સેનાપતિ તરીકે તેમની વરણી થઈ હતી. આ પદની રૂએ તેમના હસ્તક 45 ડિવિઝનોમાં વહેંચાયેલા દસ લાખ સૈનિકો મૂકવામાં આવ્યા હતા. એ રીતે અત્યાર સુધીનાં યુદ્ધોમાં સૈનિકોની સૌથી વધારે સંખ્યા ધરાવતું રણક્ષેત્ર એમનું ગણવામાં આવે છે.

6 જૂન, 1944ના રોજ મિત્રરાષ્ટ્રોની સેનાએ નૉર્મંડી પર આક્રમણ કર્યું, જેના પરિણામે ઑગસ્ટમાં પૅરિસને અને સપ્ટેમ્બરમાં બેલ્જિયમના પાટનગર બ્રસેલ્સને જર્મન આધિપત્યમાંથી મુક્ત કરવામાં આવ્યાં. તે જ અરસામાં મૉન્ટગોમરીને ‘ફીલ્ડમાર્શલ’નું બિરુદ બક્ષવામાં આવ્યું. 8મી મે, 1945ના રોજ જર્મન સેનાપતિ ડૅન્ઝિંગે મૉન્ટગોમરી સમક્ષ બર્લિન ખાતે સમગ્ર જર્મન લશ્કર વતી શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ ફેબ્રુઆરી, 1946 સુધી તેમણે જર્મનીની ભૂમિ પર રહી મિત્રરાષ્ટ્રોની સેનાઓના સરસેનાપતિ તરીકે કામગીરી કરી હતી.

ફેબ્રુઆરી, 1946માં તેમને ઇમ્પીરિયલ જનરલ સ્ટાફના વડા તરીકે નીમવામાં આવ્યા હતા. 1951–58 દરમિયાન યુરોપ ખાતેની મિત્ર-રાષ્ટ્રોની સેનાઓના સરસેનાપતિનું પદ તેમણે ધારણ કર્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે