મૉન્ટકામ, લૂઈ જોસેફ (જ. 28 ફબ્ર્રુઆરી 1712, કેન્ડિયાક, દક્ષિણ ફ્રાન્સ; અ. 14 સપ્ટેમ્બર 1759) : ફ્રાન્સના મેજર જનરલ, ઉમરાવના પુત્ર. 15 વર્ષની ઉંમરે પાયદળમાં લશ્કરી અધિકારી તરીકે જોડાયા. 17મા વર્ષે કૅપ્ટન બન્યા, 6 વર્ષ બાદ તેમને ઉમરાવપદ મળ્યું. તે સાથે વારસામાં ભારે દેવું પણ મળ્યું. જોકે લગ્ન પછી આર્થિક સ્થિતિ સુધરી.
1741માં બવેરિયન હુમલાને પાછો હઠાવવા બોહેમિયામાં માર્શલ બ્રૉગ્લી દ્વારા સંચાલિત ફ્રેંચ ‘વૉલન્ટિયર્સ’ના દળમાં જોડાયા. 1743માં તેઓ રેજિમેન્ટ દ’ ઓસેરૉઇના કર્નલ બન્યા. 1746માં ફ્રાન્કો-સ્પૅનિશ લશ્કરમાં માર્શલ દ મેલેબૉઈ હેઠળ સેવા બજાવતાં ઇટાલીમાં નામાંકિત બન્યા. 1756માં મેજર-જનરલ તરીકે બઢતી પામ્યા.
બ્રિટનની 13 અમેરિકન વસાહતોની સરહદ પર આવેલાં સરોવરો અને નદીઓના જળમાર્ગોનું નિયંત્રણ રાખતા કિલ્લાઓ સર કરવા ફ્રેન્ચ અને બ્રિટિશ લશ્કર લડતું હતું. મૉન્ટકામે મિશ્રદળોવાળી 4,000 પાયદળની ટુકડી વડે શ્રેણીબંધ હુમલાઓ કર્યા અને ફૉર્ટ ઑસ્વેગો (જુલાઈ 1756) અને ફૉર્ટ વિલિયમ હેન્રી (1757) પર વિજય મેળવ્યો.
1758માં 15,000ની પ્રાદેશિક અને બ્રિટિશ ટ્રૂપ સામે માત્ર 3,600 ચુનંદા સૈનિકો સાથે ચૅમ્પ્લેન અને જ્યૉર્જ સરોવરોના સંગમ આગળ હુમલાખોરોની આગલી હરોળને ગંભીર રીતે ઘાયલ કરીને શત્રુને પીછેહઠ કરવા ફરજ પાડી. પરંતુ 1759ની ક્યૂબેકની ચડાઈ વખતે ભારે મોટાં બ્રિટિશ દળોને શિકસ્ત આપવા જતાં થોડી ગફલતને કારણે તેઓ ગોળીથી વીંધાયા. તેમના ન્યાયપ્રિય અને નિખાલસ સ્વભાવને કારણે સૈનિકો, નગરજનો તેમજ મિત્રો અને શત્રુઓએ તેમને ભારે હૃદયે ભાવભીની અંજલિ અર્પી.
બળદેવભાઈ કનીજિયા