મૉન્ઝોનાઇટ : અંત:કૃત-અગ્નિકૃત પ્રકારનો ખડક. તેની કણરચના સંપૂર્ણ સ્ફટિકમય હોય છે. આ ખડક મુખ્યત્વે ફેલ્સ્પાર અને ગૌણ પ્રમાણમાં બાયોટાઇટ, ઍમ્ફિબોલ કે પાયરૉક્સિન જેવાં ઘેરા રંગવાળાં મેફિક ખનિજોથી બનેલો હોય છે. ફેલ્સ્પાર ખનિજો પૈકી માઇક્રોક્લિન, ઑર્થોક્લેઝ (આંતરગૂંથણી-સંબંધોવાળાં) જેવા આલ્કલી ફેલ્સ્પાર કરતાં ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન જેવા સોડિક પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારનું પ્રમાણ વિશેષ હોય છે. એ રીતે તે સાયનાઇટ અને ડાયોરાઇટના વચગાળાનો ખડક ગણાય. અહીં સાયનાઇટના આલ્કલી ફેલ્સ્પારનું પ્રમાણ ઘટી જતું હોય છે, ડાયોરાઇટમાં આલ્કલી ફેલ્સ્પાર હોતો નથી અને હોય તોપણ તેનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે. આ ખડકમાં ક્વાર્ટ્ઝનું પ્રમાણ થોડુંઘણું (2 % જેટલું) હોય છે; તેમ છતાં જો તે 2 %થી વધી જાય તો તે ક્વાર્ટ્ઝ મૉન્ઝોનાઇટ અથવા ઍડેમેલાઇટ કહેવાય છે. મૅફિક ખનિજો પૈકી મોટેભાગે બાયોટાઇટની હાજરી તો હોય છે, તદુપરાંત હૉર્નબ્લેન્ડ અથવા ડાયૉપ્સાઇડ અથવા બંને હોય છે. અનુષંગી ખનિજ ઘટકોમાં એપેટાઇટ, ઝિર્કૉન, સ્ફીન અને અપારદર્શક ઑક્સાઇડ પણ રહેલા હોય છે.
ગિરીશભાઈ પંડ્યા