મૉનોક્લિનિક વર્ગ

February, 2002

મૉનોક્લિનિક વર્ગ : ખનિજ સ્ફટિકોના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ સ્ફટિકવર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ અસમાન લંબાઈના સ્ફટિક અક્ષ હોય છે, તેથી તેમને a, b, c સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. b અને c એકબીજાને કાટખૂણે છેદે છે, જ્યારે a અક્ષ b અને c થી બનતા ઊર્ધ્વતલને અમુક ખૂણે નિરીક્ષક તરફ નમેલો રહે છે, પરંતુ આ વર્ગના પ્રત્યેક સ્ફટિક માટે તેનો નમનકોણ નિયત હોય છે; આ ખૂણો β તરીકે ઓળખાય છે, જેનું ઘણું મહત્વ અંકાય છે. સ્ફટિકમાં આગળ નિરીક્ષક તરફ નમેલો રહીને પાછળ ઉપર તરફ અને દૂર જતો અક્ષ a સંજ્ઞાથી ઓળખાય છે, નમેલો હોવાને કારણે તેને નમન અક્ષ (clino axis) કહે છે; નિરીક્ષકને પોતાને સમાંતર (ક્ષૈતિજ સ્થિતિમાં) રહેતો જમણેથી ડાબે તરફ આવતો અક્ષ b અથવા ઑર્થો અક્ષ (ortho axis) કહેવાય છે, જે બધા જ સ્ફટિકોમાં એકમ લંબાઈનો હોય છે. ઉપરથી નીચે તરફ આવતો અક્ષ c અથવા ઊર્ધ્વ અક્ષ (vertical axis) કહેવાય છે. સ્ફટિકમાં પરખલક્ષણો સમજવા માટે આ મુજબની ધારણસ્થિતિ (holding position) મહત્વની બની રહે છે, જેમાં તેમના ધન ધ્રુવો અનુક્રમે આગળ, જમણે અને ઉપરને છેડે તેમજ ઋણ ધ્રુવો પાછળ, ડાબે અને નીચેના છેડે રહેલા ગણાય છે. આ વર્ગમાં સ્ફટિકીકરણ પામતા ચિરોડી ખનિજ સ્ફટિકનો સંદર્ભ લેતાં તેનો અક્ષ ગુણોત્તર a : b : c = 0.372 : 1 : 0.412 મુકાય છે અને β = 113° 50´ હોય છે. ઑર્થોક્લેઝનો અક્ષ ગુણોત્તર a : b : c = 0.66 : 1 : 0.55, β = 64° (લઘુકોણ) અને 116° (ગુરુકોણ) થાય છે. ચિરોડી અને ઑર્થોક્લેઝનાં સ્ફટિક અક્ષીય લક્ષણો નીચેની આકૃતિઓમાંથી સ્પષ્ટ બની રહે છે.

આકૃતિઓ :

ચિરોડી

ઑર્થોક્લેઝ

મૉનોક્લિનિક સ્ફટિકવર્ગના સમમિતિ પ્રકારો નીચે મુજબ વર્ગીકૃત કરેલા છે, જે પૈકીનો મહત્તમ સમમિતિ તત્વો ધરાવતો ‘સામાન્ય પ્રકાર’ ચિરોડી પ્રકાર છે. તે ઉપરાંત અન્ય બે સમમિતિ પ્રકારો પણ છે.

1. ચિરોડી પ્રકાર અથવા સામાન્ય પ્રકાર : ચિરોડી નામના ખનિજ સ્ફટિક પરથી આ સમમિતિ પ્રકારનું નામ આપેલું છે. આ પ્રકાર મૉનોક્લિનિક વર્ગમાં સમમિતિનાં મહત્તમ તત્વો ધરાવતો હોવાથી તેને સામાન્ય પ્રકાર પણ કહેવાય છે. તેમાં એક સમમિતિ તલ, એક સમમિતિ અક્ષ અને સમમિતિ કેન્દ્રનો સમાવેશ થાય છે. ચિરોડી સમમિતિ પ્રકારવાળા ખનિજ સ્ફટિકો (જુઓ આકૃતિ). બેઝલ પિનેકૉઇડ અથવા c-પિનેકૉઇડ, ક્લાઇનો પિનેકૉઇડ અથવા b-પિનેકૉઇડ, ઑર્થોપિનેકૉઇડ અથવા a-પિનેકૉઇડ, પ્રિઝમ, ક્લાઇનોડૉમ, હેમિ-ઑર્થોડૉમ અને હેમિ-પિરામિડ જેવાં જરૂરી કોઈ પણ બે કે તેથી વધુ સ્વરૂપોથી બંધાયેલા હોય છે.

આકૃતિઓ

હૅમિઑર્થોડૉમ અને હૅમિપિરામિડ સ્વરૂપો આ પ્રકારમાં લાક્ષણિક સ્વરૂપો બની રહે છે, જે નીચેની આકૃતિ અને સમજૂતી પરથી સ્પષ્ટ થાય છે.

આકૃતિ

સામાન્ય રીતે ‘ડૉમ’ સ્વરૂપો ચાર ફલકવાળાં હોય છે. ઑર્થોઅક્ષને સમાંતર રહે અને ક્લાઈનો અક્ષ તેમજ ઊર્ધ્વ અક્ષને કાપે એવું કોઈ પણ સ્વરૂપ આ સમમિતિ પ્રકારમાં ચાર ફલકોવાળું હોવું શક્ય નથી, કારણ કે સમમિતિ તલ એક જ છે અને તે પણ ઑર્થો અક્ષને સમાંતર નથી. તેથી સમમિતિ કેન્દ્રના સંદર્ભમાં ઑર્થોડૉમ સ્વરૂપ માત્ર સામસામા બે જ ફલકોનું બની શકે. સાથે આપેલી આકૃતિ મુજબ જો ફલકો ગુરુકોણમાં આવે તો +ve અને લઘુકોણમાં આવે તો –ve કહેવાય છે. આ જ પ્રમાણે પિરામિડ આઠ ફલકવાળા હોવાને બદલે માત્ર ચાર ફલકોથી જ બંધાયેલા મળે છે અને તે પણ ગુરુકોણ કે લઘુકોણમાં પડવાની સ્થિતિ મુજબ +ve કે –ve ગણાય છે. વધુમાં હૅમિઑર્થોડૉમ બે જ ફલકવાળા થતા હોવાથી અને b અક્ષને સમાંતર રહેતા હોવાથી દ્વિતીય ક્રમના પિનેકૉઇડને નામે પણ ઓળખાય છે. આ કારણથી ક્લાઇનોડૉમ ચાર ફલકવાળા હોવા છતાં અને a અક્ષને સમાંતર રહેતા હોવાથી પ્રથમ ક્રમના પ્રિઝમને નામે ઓળખાય છે.

ચિરોડી, ઑર્થોક્લેઝ, ઑગાઇટ, હૉર્નબ્લેન્ડ, એપિડૉટ વગેરે આ સમમિતિ પ્રકારના સ્ફટિકોનાં ઉદાહરણો છે. આ પ્રકાર પ્રિઝમૅટિક અથવા હૉલોહેડ્રલ અથવા ડાયગોનલ ઇક્વેટૉરિયલ જેવાં નામોથી પણ ઓળખાય છે.

આકૃતિઓ : ઑગાઇટ, ઑર્થોક્લેઝ, એપિડોટ

2. ટાર્ટરિક ઍસિડ પ્રકાર અથવા હેમિમૉર્ફિક પ્રકાર : આ પ્રકારની સમમિતિનાં તત્વોમાં માત્ર એક ક્ષૈતિજ સમમિતિ અક્ષ જ હોય છે, સમમિતિ તલ હોતું નથી. ટાર્ટરિક ઍસિડ (જુઓ આકૃતિ) અને ખાંડના સ્ફટિકો આ સમમિતિ પ્રકારનાં ઉદાહરણો છે. આ કૃત્રિમ ક્ષારોમાં જોવા મળતા સમકક્ષ ક્લાઇનોડૉમ અને પિરામિડમાં અર્ધસ્વરૂપી લક્ષણ સ્પષ્ટ બની રહે છે. આ ક્ષારો ક્યારેક ઉષ્ણતાવિદ્યુતની ઘટના પણ બતાવે છે. આ પ્રકાર સ્ફિનૉઇડલ અથવા ડાયગોનલ પોલર નામથી પણ ઓળખાય છે.

આકૃતિ : ટાર્ટરિક ઍસિડ

3. ક્લાઇનોહેડ્રાઇટ અથવા ક્લાઇનોહેડ્રલ પ્રકાર : આ પ્રકારની સમમિતિનાં તત્વોમાં માત્ર એક ઊભું સમમિતિ તલ હોય છે, સમમિતિ અક્ષ હોતો નથી. આ કારણે તેના સ્ફટિકોમાં b અક્ષને સમાંતર સ્વરૂપો બેઝલ પ્લેઇન અને ઑર્થોપ્લેઇન તેમજ ઑર્થોડૉમ સ્વરૂપો માત્ર એક જ ફલકથી પ્રદર્શિત થાય છે. અન્ય સ્વરૂપોને બે ફલકો હોય છે ખરાં પણ ક્લાઇનોપિનેકૉઇડને બાદ કરતાં તેમનાં ફલકો એકબીજાને સમાંતર હોતાં નથી; આ જ કારણથી આ સમમિતિ પ્રકારનું યથાર્થ નામકરણ કરેલું છે. ઘણા જ ઓછા ખનિજસ્ફટિકો આ પ્રકારમાં જાણીતા છે, પરંતુ અનેક કૃત્રિમ ક્ષારોથી તેનું પ્રતિનિધિત્વ થાય છે. ક્લાઇનોહેડ્રાઇટ (વિરલ મળતો સિલિકેટ) આ પ્રકારનું ખનિજ ઉદાહરણ છે. આ પ્રકાર ડૉમૅટિક કે હેમિહૅડ્રલ કે પ્લાનર પ્રકારનાં નામોથી પણ ઓળખાય છે.

આકૃતિ : કલાઈનોહેડ્રાઇટ

ગિરીશભાઈ પંડ્યા