મૉનાઝાઇટ : વિરલ પાર્થિવ ખનિજ. સીરિયમ ધાતુઓનો ખનિજ ફૉસ્ફેટ (Ce, La, Y, Th) PO4. તેમાં મોટેભાગે તો La અને Ceનો ગુણોત્તર 1 : 1 નો હોય છે. યિટ્રિયમનું થોડુંક પ્રમાણ Ce અને Laની અવેજીમાં અને એ જ રીતે Th પણ Ce અને Laની અવેજીમાં આવતું હોય છે. સામાન્ય રીતે તો તેમાં વધુમાં વધુ 10 % ThO2નું પ્રમાણ આવી શકે, તેમાં છતાં તે વધીને 30 % ThO2 પ્રમાણ ધરાવતી મોનાઝાઇટ ખનિજશ્રેણી (સંભવત:) અસ્તિત્વ ધરાવે છે. થૉરિયમ-મુક્ત મૉનાઝાઇટ ભાગ્યે જ મળે. ઓછી માત્રામાં યુરેનિયમ પણ તેમાં રહેલું હોઈ શકે છે. આ રીતે જોતાં, મૉનાઝાઇટ એ ખડકોમાં રહેલા અનુષંગી ખનિજ તરીકે ભિન્ન ભિન્ન પ્રમાણવાળા થૉરિયમ અને યુરેનિયમ ઑક્સાઇડ સાથેના સીરિયમ, યિટ્રિયમ, લૅન્થેનમ, ડિડિમિયમ વગેરે વગેરે વિરલ પાર્થિવ તત્વોનું ફૉસ્ફેટ છે, અર્થાત્ તે લગભગ 15 વિરલ પાર્થિવ તત્વો ધરાવતું ઘનિષ્ઠ સંયોજન છે. મૉનાઝાઇટ મૉનોક્લિનિક સ્ફટિકવર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. સ્ફટિકો પ્રિઝ્મૅટિક સ્વરૂપે મળે છે. સામાન્ય રીતે તો ઝીણા કણો હોય છે, પરંતુ ક્યારેક થોડા મોટા કદમાં પણ મળે છે. રંગમાં તે સફેદથી માંડીને પીળા-લીલા અને કથ્થાઈ ઝાંયવાળા હોય છે. તે સ્ફટિકોના સ્વરૂપમાં તેમજ વિખેરાયેલા કણોના સ્વરૂપમાં ગ્રૅનાઇટ બંધારણવાળા અને પેગ્મેટાઇટ ખડકોમાં તેમજ વિકૃતિજન્ય નાઇસ ખડકોમાં રહેલું હોય છે. આ પ્રકારના માતૃખડકોમાંથી ખવાણની પેદાશ તરીકે તે છૂટું થઈને નદીજન્ય રેતી તરીકે અથવા તટપ્રદેશીય સંકેન્દ્રણો તરીકે વિપુલ જથ્થાઓ રચે છે. દુનિયાના ઘણા પ્રદેશો, ખાસ કરીને ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને યુ.એસ.(ઇડાહો, ફ્લૉરિડા, દક્ષિણ કૅરોલિના)માંથી તે મેળવવામાં આવે છે. પ્રાપ્ત મૉનાઝાઇટ સંકેન્દ્રણો થૉરિયમ, થૉરિયમનાં સંયોજનો, ફૉસ્ફૉરિક ઍસિડ અને સીરિયમ ધાતુઓની ઉપલબ્ધિ માટેના ઉદભવસ્રોત બની રહે છે.

ભારત : ભારતમાંનાં આ ધાતુખનિજોની પ્રાપ્તિ પૈકી, જેમાંથી વિરલ પાર્થિવ ધાતુ મેળવી શકાય તેમાં, મૉનાઝાઇટ, એલેનાઇટ, ઝેનોટાઇમ, સમરસ્કાઇટ તેમજ પાયરોક્લોરનો સમાવેશ થાય છે. આ ખનિજો પૈકી મૉનાઝાઇટ વ્યાપારી ર્દષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. તેનો સીરિયમ તેમજ તેના જેવા ક્ષારો અને  થૉરિયમ-યુરેનિયમ ઑક્સાઇડના ઉત્પાદન માટે ઉપયોગ કરી શકાય. આ વિરલ પાર્થિવ ધાતુઓના બહોળા સમૂહના ભારતીય અનામત જથ્થા મૉનાઝાઇટના અજોડ નદીજન્ય તેમજ તટપ્રદેશીય ભૌતિક સંકેન્દ્રણનિક્ષેપોમાં એકત્રિત થયેલા છે.

મૉનાઝાઇટ

દ્વીપકલ્પીય પીઠપ્રદેશમાંથી ઘસડાઈને નદીઓ દ્વારા ખેંચાઈ આવેલી, સમુદ્રતટ પર મોજાંની ક્રિયા દ્વારા સંકેન્દ્રિત થયેલી, તટપ્રદેશીય ઇલ્મેનાઇટ રેતીમાંથી મૉનાઝાઇટ મળી રહે છે. મલબાર તેમજ કોરોમંડલ કિનારા પરની તટપટ્ટીમાં તે લાંબાં અંતરો સુધી મળે છે. કેરળમાં તો સમુદ્રતટના રેતાળ પ્રદેશો પર મોજાંની નિરંતર ક્રિયા દ્વારા આ વજનદાર ખનિજરેતી અત્યંત વિપુલ પ્રમાણમાં ભૌતિક સંકેન્દ્રણ રૂપે એકઠી થયેલી છે અને થયે જાય છે. આંધ્રમાં મૉનાઝાઇટ મૅગ્નેટાઇટ, ઝિકૉર્ન, ગાર્નેટ અને ઇલ્મેનાઇટ સાથે રહેલું છે. વિશાખાપટ્ટનમના તટપ્રદેશ પર તે સંકેન્દ્રણ રૂપે મળે છે. કર્ણાટકમાં બૅંગાલુરુ નજીક પેગ્મેટાઇટ ખડકમાં તે પ્રિઝ્મૅટિક સ્ફટિકો તરીકે રહેલું છે, જોકે તેની પ્રાપ્તિ આર્થિક મહત્વવાળી નથી. ચાર્નોકાઇટ અને સમલક્ષણવાળા ખડકોમાં અંતર્ભેદન પામેલી પેગ્મેટાઇટ શિરાઓમાં પણ મૉનાઝાઇટ રહેલું છે. તેની ઉત્પત્તિ માટે ઉષ્ણબાષ્પપ્રક્રિયા-(pneumatolysis) જવાબદાર ગણાય છે. આ જ વિસ્તારના નાઇસ લક્ષણવાળા ખડકોમાં પણ તે અલ્પ માત્રામાં મળી આવે છે. બિહારમાંના કેટલાક ઉચ્ચસપાટ પ્રદેશોના ટોચના ભાગોમાં મૉનાઝાઇટના નિક્ષેપજન્ય આવરણજથ્થા પણ મળી આવેલા છે.

મૉનાઝાઇટમાં થૉરિયા ThO2નું પ્રમાણ 8થી 10.5 % સુધી પરિવર્તી રહે છે, જ્યારે તેની સાથે રહેલું U3O8 0.3 % જેટલું છે. કેરળના કેટલાક પેગ્મેટાઇટમાં મળતા ચેરાલાઇટ(લીલા મૉનાઝાઇટનો એક પ્રકાર)માં તે 19 %થી 33 % સુધી પરિવર્તી રહે છે અને U3O8 4 %થી 5 % જેટલું છે. ભારતના પૂર્વ-પશ્ચિમ કિનારે સ્થાનભેદે મળતા મૉનાઝાઇટમાં સીરિયમનું પ્રમાણ 20 %થી 30 % સુધી પરિવર્તી રહે છે, યિટ્રિયમનું પ્રમાણ 1 %થી 1.5 %, બાકીનાં વિરલ પાર્થિવ તત્વોના ઑક્સાઇડ 20 %–30 % જેટલા છે.

સારણી 1 : કેરળના મૉનાઝાઇટનું રાસાયણિક બંધારણ

%
થોરિયા ThO2 8.1
સીરિયા Ce2O3 30.6
લૅન્થેનમ ઑક્સાઇડ La2O3 15.7
પ્રેસિયોડિમિયમ ઑક્સાઇડ Pr2O3 2.9
નિયોડિમિયમ ઑક્સાઇડ Nd2O3 10.5
યુરોપિયમ–,ગૅડોલિનિય–, ટેર્બિયમ ઑક્સાઇડ 0.7
યિટ્રિયમ ઑક્સાઇડ Yt2O3 0.4
ડાઇસ્પ્રોસિયમ–, હૉલ્મિયમ–, એર્બિયમ–, યિટેર્બિયમ–, લ્યુટેસિયમ ઑક્સાઇડ 0.1
લાઇમ CaO 1.0
યુરેનિયમ ઑક્સાઇડ U3O8 0.3
ફૉસ્ફૉરિક ઍસિડ P2O5 26.2

મૉનાઝાઇટના સીરિયમને તેનાં સંયોજનોની  બનાવટ માટે, જ્યારે થૉરિયમને અણુ-બળતણ તરીકે ઉપયોગમાં લેવા માટે મેળવવામાં આવે છે. મૉનાઝાઇટના બીજા ઔદ્યોગિક ઉપયોગો થોરિયાના તાપદીપ્ત ગુણોમાં વિરલ પાર્થિવ તત્વોના ઑક્સાઇડમાં અને મૅગ્નેશિયમ ધાતુ સાથે મિશ્ર ધાતુઓની બનાવટમાં રહેલા છે.

ભારતનો મૉનાઝાઇટનો કુલ અનામત જથ્થો લાખો ટન હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા