મૉં બ્લાં (Mont Blanc) : આલ્પ્સ પર્વતમાળાનો ઊંચામાં ઊંચો પર્વત. યુરોપનાં પ્રસિદ્ધ શિખરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 45° 50´ ઉ. અ. અને 6° 53´ પૂ. રે. પર તે ફ્રાંસ, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડની સરહદ પર આવેલો છે.

પશ્ચિમ યુરોપનું સર્વોચ્ચ (4,807 મીટર ઊંચું) શિખર ધરાવતો શ્વેત પર્વત મૉં બ્લાં

અહીંના તેના ઊંચામાં ઊંચા સ્થાનને કારણે ઘણી વાર તેને પર્વતોના સમ્રાટ તરીકે પણ નવાજવામાં આવે છે. શ્વેત પર્વતના અર્થમાં તેનું ફ્રેન્ચ નામ ‘મૉં બ્લાં’ પડેલું છે, તેનું ઇટાલિયન નામ મૉન્ટે બિયાન્કો છે. તેની ઊંચાઈ 4,807 મીટર છે. આ પર્વતનો તળેટી-ભાગ ગ્રૅનાઇટના વિશાળ જથ્થાથી બનેલો છે. ગ્રૅનાઇટનો આ તળેટીમાંનો જથ્થો ત્રણેય દેશો સુધી વિસ્તરેલો છે. તેનો સર્વોચ્ચ શિખર-ભાગ દક્ષિણ ફ્રાન્સની સરહદમાં પડે છે. મૉં બ્લાંનો ભાગ આશરે 45 કિમી. લંબાઈવાળો અને 15 કિમી.ની પહોળાઈવાળો છે. તેના નીચલા ઢોળાવો જંગલોથી આચ્છાદિત છે. તેમજ ત્યાં વેગીલી નદીઓ વહે છે. તેનો 2,400 મીટરની ઊંચાઈથી ઉપર તરફનો ભાગ કાયમ માટે બરફના આવરણથી ઢંકાયેલો રહે છે. અહીં વિશાળ કદની હિમનદીઓ પણ જોવા મળે છે. મેર દ ગ્લેસ આ પૈકીની ખૂબ જાણીતી હિમનદી છે. 1893માં મૉં બ્લાં પર વૈજ્ઞાનિક પ્રયોગશાળા પણ બાંધવામાં આવી હતી.

જૅક્સ બાલમેટ અને મિશેલ પૅક્કાર્ડ આ શિખર પર 1786માં ચડેલા. આજે તો હવે તેના પર ચઢવાનું સરળ બની ગયું છે. તેના ઢોળાવ પર વિશ્રામસ્થાન પણ બનાવવામાં આવેલું છે. લોકો 1,916 મીટરની ઊંચાઈ સુધી તો સહેલાઈથી ચડી જાય છે, આ માટે મેર દ ગ્લેસ ઉપર કૉગ રેલમાર્ગ(ચક્રીય રેલમાર્ગ)ની વ્યવસ્થા છે. જેઓ તેના પર ચડવાનું નક્કી કરે તેમને માટે વચ્ચે વચ્ચે વિરામસ્થાનો પણ બનાવેલાં છે. તેઓ 50થી 60 કલાકની મુસાફરી કરીને ચડી જાય છે. દુનિયાનો ઊંચામાં ઊંચો હવાઈ ટ્રામ માર્ગ મૉં બ્લાંના નીચેના શિખર ઐગુલી દ મિડી સુધી જાય છે. વળી 1965માં ફ્રાન્સ અને ઇટાલીને જોડતું મૉન્ટ બ્લાંક બોગદું સડકમાર્ગના વાહનવ્યવહાર માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા