મેસોપોટેમિયન કલા : પશ્ચિમ એશિયાની ટુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીઓના દોઆબ પ્રદેશ(આધુનિક ઇરાક)ની પ્રાચીન કલા. આ કલા ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીથી ઈ. સ. પૂ. પહેલી સહસ્રાબ્દી દરમિયાન વિકસી હતી. ‘મેસોપોટેમિયા’ એ ઇરાકનું પ્રાચીન નામ છે.
ઉત્તરે ઇરાકની ટેકરીઓની ગુફાઓમાંથી પ્રાગૈતિહાસિક કાળના માનવોના અવશેષો અને ઓજારો મળી આવ્યાં છે. ત્યારબાદ ઈ. સ. પૂ. 6ઠ્ઠી સહસ્રાબ્દીમાં દોઆબના મેદાની પ્રદેશમાં કૃષિ-આધારિત ગ્રામસંસ્કૃતિનો ઉદય થયો. ચાર સહસ્રાબ્દીઓના લાંબા ઇતિહાસમાં વિવિધ પરદેશી આક્રમણોને પરિણામે વિજેતા નીવડતી નવી પ્રજાના સંમિલનને કારણે મેસોપોટેમિયાની સંસ્કૃતિ અને કલામાં એકવાક્યતા અને સાતત્યનો અભાવ વર્તાય છે. ખજૂર અને જવની ખેતી પર આધારિત કૃષિસંસ્કૃતિના વિકાસથી મેસોપોટેમિયાની કલામાં નગરોનો ઉદભવ થયો. આ પ્રાચીન સંસ્કૃતિને ભારતની સિંધુ ખીણમાં વિકસેલી પ્રાચીન સંસ્કૃતિ તથા ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ સાથે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો હતા તે હકીકત ત્યાંથી મળેલી આ પરદેશી સંસ્કૃતિઓની મહોર-મુદ્રાઓ પરથી સાબિત થાય છે.
પ્રારંભિક સમય (ઈ. પૂ. 3500થી 2900) : પ્રારંભિક કાળમાં માટી કે પકવેલી માટી એ કળાનું મુખ્ય માધ્યમ હતી, કારણ કે મેસોપોટેમિયાના દોઆબ પ્રદેશમાં કે ઉત્તરના પહાડોમાં જંગલો હતાં નહિ અને તેથી લાકડું દુર્લભ હતું. નજીકમાં પથ્થરની ખાણો નહોતી. આ પદાર્થો આયાત કરવા જેટલી સમૃદ્ધિ હજી પ્રાપ્ત થઈ નહોતી અને ફળદ્રૂપ દોઆબમાં કાંપની માટી વિપુલ માત્રામાં મળતી હતી. પ્રારંભકાળમાં દક્ષિણ મેસોપોટેમિયામાં આવેલ યૂરક નગરનું સ્થાપત્ય સૌથી જૂનું છે. નગરની મધ્યમાં એન્યૂ ઝિગુરાત છે. ઉપર ચડવાના પગથિયાંવાળા અને એક પછી એક અલગ પડવાળા નક્કર પિરામિડને ઝિગુરાત કહે છે. એન્યૂ ઝિગુરાતની ટોચે સફેદ મંદિર બાંધવામાં આવેલ છે. આ મંદિર ઈંટો વડે બાંધેલું છે અને તેને ચૂનાથી ધોળેલું છે. એન્યૂની ચોમેર પ્રાચીન નગરનો વિસ્તાર હોવાનું જણાય છે. આ સફેદ મંદિરનું આયોજન લંબચોરસ આકારમાં છે. અહીંથી મળી આવેલા .915 મીટર (3 ફૂટ) ઊંચા વાસણ પર મંદિરમાં ધરાવવા માટે લાવવામાં આવતી સામગ્રીનું ચિત્ર છે. આ વાસણ હાલમાં બગદાદ ખાતેના ઇરાક મ્યુઝિયમમાં રાખ્યું છે. સ્ત્રીના મસ્તિષ્કનું 21.59 સેમી. (સાડા આઠ ઇંચ) ઊંચું પાષાણ-શિલ્પ પણ મળી આવ્યું છે. વિદ્વાનોના મત અનુસાર ફળદ્રૂપતાની દેવી ઈનેનાનું તે મસ્તિષ્ક છે. હાલમાં આ શિલ્પ પણ ઇરાક મ્યુઝિયમમાં છે. શિલ્પની રચનામાં વાસ્તવિકતા જોવા મળે છે.
પ્રારંભિક રાજવંશી (dynastic) સમય : (ઈ. સ. પૂ. 2900થી ઈ. સ. પૂ. 2370) પ્રારંભિક રાજવંશી સમયમાં સ્વતંત્ર નગર-રાજ્યો દક્ષિણ મેસોપોટેમિયામાં અસ્તિત્વમાં આવ્યાં. વિકસતાં જતાં આ નગરોમાં મંદિરોના સ્થાપત્યનો વિકાસ થયો. દરેક નગરમાં તેની સ્થાપત્યશૈલી ભિન્ન હતી. પણ તેના ગર્ભગૃહનો આકાર હંમેશાં લંબચોરસ રહેતો. લગાશ, ખાફાજે અને અલઉબેદ નગરોમાંથી ઉત્ખનન દરમિયાન આવાં મંદિરો મળી આવ્યાં છે. મંદિરોનાં આયોજન અંડાકાર હતાં. કીશ અને મારી નગરોમાંથી ઉત્ખનન દરમિયાન મોટા મહેલો મળી આવ્યા છે. યૂરક નગરનો કિલ્લો પણ મળી આવ્યો છે. મંદિરોમાંથી મળી આવેલી પૂજાની મૂર્તિઓ 30.5 સેમી. (12 ઇંચ) કરતાં પણ નાની છે. ગણીગાંઠી મૂર્તિઓ અપવાદ રૂપે 61 સેમી.(2 ફૂટ)ની ઊંચાઈની મળી છે. દર્શનાર્થે આવતા ભક્તગણે અર્ઘ્યના રૂપે તે અહીં મૂકી હશે તેવું અનુમાન થયું છે. જૂજ અપવાદો સિવાય મોટાભાગની મૂર્તિઓ પુરુષોની છે. તેમાં સ્ત્રી-પુરુષ બંનેએ લાંબું સ્કર્ટ પહેરેલું હોવાનું દેખાય છે. તેમનો છાતીનો ભાગ ખુલ્લો રખાયો છે. માટીની બનેલી આ મૂર્તિઓની પાષાણ-જડિત આંખો ઈશ્વરની મૂર્તિ તરફ તાકી રહેલી જણાય છે. પ્રત્યેક મૂર્તિ પ્રાર્થનાની મુદ્રામાં છે અને બંને હાથના પંજા છાતી આગળ ભીડેલા છે. મોટાભાગની મૂર્તિઓનું શિલ્પકામ અણઘડ હાથે થયેલું હોય તેવું જણાય છે.
આ ઉપરાંત ‘ગીધનો શિલાલેખ’ નામે ઓળખાતા એક શિલાલેખને ઘણી પ્રસિદ્ધિ મળી છે. હાલમાં તે પૅરિસના લુવ્ર મ્યુઝિયમમાં સ્થાન પામ્યો છે. તેની ઊંચાઈ 1.9 મીટર અને પહોળાઈ 6.2 મીટર છે. શિલાલેખની આગલી બાજુએ લશ્કરને સફળતાપૂર્વક દોરવણી આપતા રાજા ઈનેટુમનું અને તે લશ્કર દ્વારા માર્યા ગયેલા દુશ્મનોનાં શબનાં છૂટાં પડી ગયેલાં ધડ-માથાંને ગીધ ચીરી ખાતા હોય એવાં ર્દશ્યોનું અર્ધમૂર્ત (relief) શિલ્પાંકન છે. શિલાલેખની પાછલી બાજુએ દુશ્મનોના લશ્કરને મોટી જાળમાં પકડી લેતા ઈશ્વરનું અર્ધમૂર્ત શિલ્પાંકન છે. આ આકૃતિઓની બાજુમાં મેસોપોટેમિયન લિપિમાં લખાણ પણ છે. આ ઉપરાંત આ સમયની જે કબરો મળી આવેલી છે તેમાં સોનાચાંદીના વાટકા તથા કીમતી પથ્થરોમાંથી બનેલ ઝવેરાત મળી આવ્યાં છે.
અકેડિયન યુગ (ઈ. સ. પૂ. 2370થી ઈ. સ. પૂ. 2230) : દક્ષિણ મેસોપોટેમિયામાં આવેલ ઍકેડ નગર મેસોપોટેમિયાના પ્રથમ સામ્રાજ્યનું કેન્દ્ર બન્યું. ઍકેડ સુમેરની દક્ષિણે આવેલ હતું. આ ટૂંકા ગાળામાં મેસોપોટેમિયાની કેટલીક શ્રેષ્ઠ કલાકૃતિઓ સર્જાઈ. ઍકેડ કલાકૃતિઓના કેન્દ્રમાં ધર્મ કે ધાર્મિક વિધિઓ નહિ, પણ સમ્રાટ હોવાથી તેમાં સામ્રાજ્યવાદી ઝોક જણાય છે; દા. ત., હાલ લુવ્ર સંગ્રહાલયમાં સ્થાન પામેલ રાજા મેનિસ્ટુસના શિલ્પમાં રાજવીના પ્રભાવ અને ઠાઠ કેન્દ્રમાં હોવાનું જણાય છે. સુસા ખાતેથી મળેલ નારામ સિન રાજાનો રેતિયા પથ્થરમાં કોતરેલ વિજયશિલાલેખ ઍકેડ યુગનું સૌથી મૂલ્યવાન નજરાણું છે. તે લેખ પણ લુવ્ર ખાતેના સંગ્રહસ્થાનમાં સચવાયેલો છે. શંકુ આકારના આ શિલાલેખમાં શંકુ આકારના પર્વત સામે શિંગડાંવાળા રાજમુકુટને ધારણ કરેલા રાજાની આકૃતિ છે. તે સૈનિકો કરતાં કદમાં મોટી છે. રાજાની ઉપર દૈવી પ્રતીકો તરીકે તારા કોતર્યા છે.
ઍકેડ યુગની નળાકાર મુદ્રા(seal)ઓ મોટી સંખ્યામાં મળી આવી છે. તેની પર શિલ્પ જેવી જ બારીક કોતરણી જોવા મળે છે. તેના પર યુદ્ધનાં ર્દશ્યો અંકિત છે.
સુમેરિયન કાળ (ઈ. સ. પૂ. 2230થી ઈ. સ. પૂ. 2000) : ઈ. સ. પૂ. 2230ની આસપાસ મેસોપોટેમિયાની ઉત્તરે રહેતી ગુટી નામની પર્વતીય પ્રજાએ ઍકેડ સામ્રાજ્ય ઉથલાવી પાડ્યું. આ પછી સુમેરના ઉર નગરના રાજાઓએ ગુટી પ્રજાને તગેડી મૂકી સુમેર અને ઍકેડ વિસ્તારો પર રાજ્ય કર્યું. આ સમયે લગાશ નગરરાજ્યના રાજવીઓએ નિર્માણ કરાવેલાં મંદિરો અને શિલ્પ ઍકેડ કલા કરતાં સાવ ભિન્ન છે. લગાશના રાજા ગુડિયાએ પોતાનાં પાષાણશિલ્પો કોતરાવેલાં. અહીં તેણે પોતાની જાતને દેવોની સમકક્ષ નહિ, પણ અદબપૂર્વક દેવની પ્રાર્થના કરતી રજૂ કરાવી છે. ગુડિયાનાં આવાં અનેક શિલ્પો મળી આવે છે, જે બધાં લગભગ એકવિધ – એકસરખાં છે. ગુડિયાની પ્રતિમામાં હિંદુ અને બૌદ્ધ સાધુઓ પહેરે છે તેવું એક ખભે છેડો આવે તેવું વસ્ત્ર વીંટળાયેલું જોવા મળે છે.
ઉર નગરના કેન્દ્રમાં રાજા ઉર્નામ્મુએ બંધાવેલ વિરાટકાય ધાર્મિક સ્થાપત્ય ઝિગુરાત હતું, જેની ટોચે ઉર નગરના ચંદ્રદેવ નાનરની પૂજા થતી. આ ઝિગુરાત એ પર્વતના ઢોળાવો પરનાં ડાંગરનાં ખેતરોની જેમ ઉપર જતાં સાંકડો થતો જતો નક્કર પિરામિડ છે. એમાં નીચેથી ઉપર છેક સુધી દરેક મજલે જવા માટે પથ્થરની નિસરણીઓની રચના હતી. આ વિરાટ સ્થાપત્યનું બાંધકામ તડકે પકવેલી ઈંટો વડે કરાયું છે.
જૂનો બૅબિલોનિયન સમય (ઈ. સ. પૂ. 2370થી ઈ. સ. પૂ. 1600) : ઉરના રાજવીઓની બૅબિલોનિયન આક્રમણો સામે હાર થઈ. હૅમુરાબી ઈ. સ. પૂ. અઢારમી સદીમાં રાજવી બન્યો ત્યારથી મેસોપોટેમિયન કલામાં બૅબિલોનિયન પરંપરા શરૂ થઈ. મારી નામના નગરમાંથી ઝિમ્રિલિમ રાજાના મહેલના ઉત્ખનન દરમિયાન મળી આવેલાં ચિત્રોમાં ક્રીટ ટાપુની મિનોઅન ચિત્રકલાને મળતાં આવતાં સરળ અને દ્વિપરિમાણી માનવઆકૃતિઓનાં અને પ્રાણીઓનાં ચિત્રો મળ્યાં છે. જૂના બૅબિલોનિયન કાળની સૌથી પ્રખ્યાત કલાકૃતિ તે હાલ લુવ્ર ખાતે પ્રદર્શિત કરાયેલો શિલાલેખ ‘હૅમુરાબીનો કાયદો’ (Law Code of Hammurabi). 2.3 મીટર ઊંચા આ શિલાલેખમાં ન્યાયના દેવતા શમાશુ, નીચે બેઠેલા રાજા હેમુરાબીને કાયદાનું પુસ્તક અર્પણ કરતા કોતરેલા છે. હૅમુરાબી પ્રાર્થનાની મુદ્રામાં છે. આ બંને માનવ-આકૃતિઓની અર્ધમૂર્ત કોતરણી સુમેરિયન શૈલીમાં છે. આ કાળની નળાકાર મુદ્રા પણ સુમેરિયન મુદ્રાને મળતી આવે છે.
એસિરિયન સમય (ઈ. સ. પૂ. 1600થી ઈ. પૂ. 612) : મેસોપોટેમિયન કલાના સૌથી ભવ્ય અને પ્રભાવશાળી નમૂના એસિરિયન સમયનાં છે. આ સમયમાં કલાની મહત્વની કૃતિઓનું સર્જન ઈ. સ. પૂ. 1000થી શરૂ થયું. નિમ્રૂડ, નિનેવાહ અને દર શારુકિન (ખોર્સાબાદ) જેવાં એસિરિયન નગરો કિલ્લા વડે રક્ષિત હતાં. બહારથી દરવાજા વાટે કિલ્લામાં પ્રવેશતાં જ એક બીજા નાના કિલ્લાની રચના જોવા મળે છે. તેમાં રાજમહેલ અને મંદિરો હોય છે. રાજમહેલ નાના કિલ્લાના છેવાડાના ભાગે રચાતો હતો. તેમાં રાજવીના અંગત ઓરડા ઉપરાંત, ચોક, સભાખંડો અને આમ જનતાના મેળાવડા માટેના ખંડો પણ જોવા મળે છે. મંદિરોના સમૂહમાં એક ઝિગુરાતની રચના પણ થતી હતી. એસિરિયન સ્થાપત્યનું એક નવું લક્ષણ એ છે કે તેમાં ઇતિહાસમાં સર્વપ્રથમ વાર સ્થાનિક પથ્થરનો ઉપયોગ થયો છે. મહેલોની દીવાલો પર અર્ધમૂર્ત શિલ્પ કોતરવામાં આવ્યાં છે. આ શિલ્પો દર્શકને રાજવી સત્તા અને લશ્કરી તાકાતથી પ્રભાવિત કરવા સર્જાયાં હોય તેવું જણાય છે. તેમાં એસિરિયન લશ્કરનાં અગણિત ર્દશ્યો નિરૂપાયાં છે. આ ઉપરાંત રાજવી ભેટસોગાદો સ્વીકારતા હોય કે આખલા અને સિંહના શિકાર કરતા હોય તેવાં ર્દશ્યો પણ છે. પ્રવેશદ્વારે દ્વારપાળનાં મોટા કદનાં પૂર્ણમૂર્ત(round) શિલ્પો મૂકવામાં આવતાં હતાં. તેમાંથી માનવમસ્તિષ્ક ધરાવતો પાંખાળો આખલો વિશ્વપ્રસિદ્ધ છે. મસ્તિષ્ક લાંબી ગુચ્છાદાર દાઢી ધરાવે છે અને તે પગ સુધી પહોંચે છે. છાતીની પાંસળીઓ સ્પષ્ટ દેખાય છે. આ આખલાને કોઈ પણ એક બાજુએથી (profile view) જોતાં 4 પગ દેખાય તે માટે કુલ 5 પગ કોતર્યા છે. આ બાબત આ શિલ્પની આગવી ખાસિયત છે.
નૂતન બૅબિલોનિયન સમય (ઈ. સ. પૂ. 611થી ઈ. સ. પૂ. 539) : મેસોપોટેમિયન કલા અને સંસ્કૃતિનો આ છેલ્લો અને સૌથી ટૂંકો તબક્કો છે. આ સમયે બૅબિલોન નગર મેસોપોટેમિયામાં સર્વોપરી બન્યું. બૅબિલોનના સ્થાપત્યમાં તેની પૂર્વેના દરેક તબક્કાની કલાનો સમન્વય થયો હતો. બૅબિલોનના મુખ્ય દેવ મૅર્ડુલ હતા. અહીં ઝિગુરાત પ્રકારે રચાયેલાં મંદિરો ઉપરાંત બાઇબલમાં ઉલ્લેખ પામેલ અને પ્રાચીન જગતની અજાયબીઓમાં સ્થાન પામેલ બેબલના મિનારાનું સર્જન થયું છે. એસિરિયન સ્થાપત્યપ્રણાલી મુજબ અહીં નગરને રક્ષણ આપતો કિલ્લો હતો અને કિલ્લામાં પ્રવેશતાં જ થોડી વધુ ઊંચાઈએ રાજવી મહેલ બાંધવામાં આવ્યો હતો. તેની અગાસીમાં બગીચા હતા અને તે ઉપરાંત વિશ્વમશહૂર ‘બૅબિલોનના ઝૂલતા બગીચા’ પણ અહીં જ હતા. મકાનોની દીવાલ પર, એસિરિયન પ્રણાલીથી ઊલટું, ચળકતાં રંગીન ટાઇલ વડે કરેલ સુશોભન જોવા મળે છે. આ દીવાલો પર અર્ધમૂર્ત શિલ્પો નહોતાં, એ નોંધપાત્ર બાબત છે. ખૂંખાર હિંસા દર્શાવતાં યુદ્ધનાં કે શિકારનાં ર્દશ્યોની એસિરિયન પ્રણાલીને પડતી મૂકીને અહીં સિંહ, આખલા, ગરુડ ઉપરાંત ચિત્રવિચિત્ર પશુપંખીઓને સુશોભનાત્મક રીતે આલેખીને જાણે શાંત રસ નિરૂપાયો હોવાનો ભાવ જન્મે છે. બચેલાં ખંડેરોમાંથી આજે ઇશ્ટાર દ્વાર પર આવું સુશોભન જોઈ શકાય છે. એસિરિયન પરંપરાની જેમ શક્તિનું પ્રદર્શન નહિ, પણ સૌન્દર્યની અભિવ્યક્તિ બૅબિલોનિયન કલાનું હાર્દ હોય એમ જણાય છે. ઈ. સ. પૂ. 539માં પર્શિયન પ્રજાને હાથે બૅબિલોનિયન સામ્રાજ્યનો અંત આવ્યો. ગ્રીક અને પર્શિયન સ્થાપત્ય અને કલામાં તેના અંશોનું સાતત્ય તેમજ બાઇબલમાંના અનેક ઉલ્લેખો દ્વારા મેસોપોટેમિયાની યાદ પછીના સમયમાં ટકી શકી છે. 1991ના ઇરાક–યુ.એસ. યુદ્ધ દરમિયાન મેસોપોટેમિયન સ્થાપત્ય અને કલાના અનેક નમૂના નાશ પામ્યા હતા.
અમિતાભ મડિયા